પારડીના તિઘરમાં બંગલામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા 10 પકડાયા : રોકડ, લેપટોપ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત
Cricket Gambling Crime Valsad : પારડીના તિધર ગામે આવેલા બંગલામાં લોકલ ક્રાઈમ બ્રાંચે છાપો મારી ટી-20 ક્રિકેટ મેચ પર રમાડાતા સટ્ટાનો પર્દાફાશ કરી સટ્ટો રમાડનાર સહિત 10 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે રોકડ, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દુબઇના બુકી સહિત પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચના પો.કો. તેજપાલ સિસોદીયાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ જે.બી.ધનેશા અને ટીમે ગઇકાલે શુક્રવારે રાત્રે પારડીના તિઘરા ગામે ફોરચ્યુન નેસ્ટ બંગલા નં.18માં છાપો માર્યો હતો. જે દરમિયાન પોલીસ આઇપીએલ ટી-20 મેચ પર રમાડાતા સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. સઘન તપાસમાં દિલ્હી કેપિટલ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે રમાતી પર સટ્ટો લેતા હતા. ઘટના સ્થળેથી પોલીસે કોમ્પ્યુટર, 2 નંગ લેપટોપ, 24 નંગ મોબાઇલ, રોકડા રૂ.2500 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે બંગલામાં સટ્ટો રમાડવાનું નેટવર્ક ચલાવતા પ્રશાંત ઉર્ફે કચ્ચી ડાહ્યાલાલ સેવક (ઉ.વ.37 રહે, ફોરચુન નેસ્ટ બંગલો, તિઘરા,પારડીમાં રહે. લાલબાગ, મુંબઇ), ક્રિષ્ણાકુમાર કાશીનાથ ઠાકુર (ઉ.વ.23, રહે.બરહગોરીયા,બિહાર), અજીતકુમાર સંતોષકુમાર ભારતી (ઉ.વ.20, રહે.માડા, ઉત્તરપ્રદેશ), જય અમૃતલાલ ગોગરી (ઉ.વ.35, રહ. પરેલ, મુંબઇ), રવિન્દ્ર કિષ્ણા ગૌતમ (ઉ.વ.21, રહે. ભુઈગાવા, યુ.પી), વિશાલ ચંન્દ્રકાંત કોલી (ઉ.વ.35, રહે. બેલાપુર, નવી મુંબઈ મહારાષ્ટ્ર), વિવેકકુમાર ઉર્ફે ચીકુ રમાકાંત (ઉ.વ.23, રહે. ઉમરગંજ યુ.પી.), પ્રદીપ ઉર્ફે આયુષકુમાર હરીશરણ પટેલ (ઉ.વ.24, રહે. મુનસી પુલીયા, લખનઉ-યુ.પી.), સુભમ ઉર્ફે બંટી રાજેશકુમાર ગૌતમ (ઉ.વ.24, રહે.ગામ.સનવા, યુ.પી.), સંજય કુબેર ગોવનજી બુનકર (ઉ.વ.32, રહે. ચીતરી રાજસ્થાન) ની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછમાં આખુ નેટવર્ક દુબઇ તથા અન્ય વિસ્તારમાંથી ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સટ્ટો ચલાવનાર બુકી વરૂન બાફના (રહે.દુબઇ), રવિ ઉપલ (રહે.છતીસગઢ), સૌરવ ચન્દ્રશેખર (રહે. છતીસગઢ), વિનય ભોલા બોસ (રહે. વરલી, મુંબઇ) અને નયન ડાહ્યાલાલ સેવક (રહે. લાલબાગ, મુંબઇ) ને વોન્ટેડ જાહેર કરાયા છે. મુંબઇ પોલીસના ડરથી મુખ્ય સુત્રધાર પ્રશાંત સેવકે રૂ.30 હજારના ભાડે બંગલો ભાડા પર લઇ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક શરૂ કર્યુ હતું.