સૌરાષ્ટ્રમાં પ્રિમોન્સુન એક્ટીવીટીનાં આરંભ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રમાં પ્રિમોન્સુન એક્ટીવીટીનાં આરંભ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ 1 - image


- તુલસીશ્યામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે દોઢ, બાબરામાં બે ઇંચ

રાજકોટ : સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રિમોન્સુન એક્ટીવીટી શરૂ થતાં જ ઉનાળાના આકરા તાપની સાથે આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાઇ જતાં આજે અમરેલી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થતાં અનેક વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયા હતા. સૌરાષ્ટ્રનાં મધ્યગીર ગણાતા તુલસીશ્યામ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ વરસતા ચારે બાજુ જંગલમાં વરસાદનાં પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે બાબરા વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

- વિસાવદર, ખાંભા, બગસરા, સાવરકુંડલા, લીલીયા, ધારી, દામનગર, બાબરા સહિતનાં વિસ્તારોમાં જોરદાર પવન સાથે મેઘરાજાની પધરામણી 

સૌરાષ્ટ્રમાં આજે બપોર સુધી આકાશમાંથી અગ્નિવર્ષાની અનુભૂતિ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ઊના-ગીરગઢડા પંથકમાં રવિવારે સવારે સખ્ત બફારા અને ઉકળાટ વચ્ચે હવામાનમાં પલ્ટો આવ્યા બાદ મેઘરાજાએ આગમન કરી મધ્ય ગીરના તુલસીશ્યામમાં દોઢ ઈંચ પાણી વરસાવી દીધુ હતું. જ્યારે નગડીયા, જશાધાર, ધોકડવા, ભાચા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક ઈંચ જેવું પાણી વરસ્યું હતું. એજ રીતે આજે બપોર બાદ વિસાવદર તાલુકાના વેકરીયા, લાલપુર, મુંડીયા રાવણી પંથકમાં બેથી ત્રણ ઈંચ જેટલો વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં માત્ર હળવા છાંટા વરસ્યા હતા.અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં કયાંક ધીમીધારે તો કયાંક ધોધમાર વરસાદ પડયો હતો. ખાંભા શહેરમાં તેમજ નાનુડી ઉમરીયા સહિતના ગીર પંથકમાં વરસાદ પડયો હતો ખાંભાના લાસા, ગીદરડી ,ઘાવડીયા, તાતણીયા, ખડાધાર, બોરાળા, ડેડાણ, હનુમાનપુર, તાલડા, દલડી જામકા સહિતના ગામમો પવન સાથે વરસાદ પડયો હતો તેમજ ઘુઘવાના પચપચીયા કાંટાળા ચકરાવા આંબલીયાળા પીપળીયા રબારીકા સાળવા સહિતના ગામમો વરસાદ પડયો હતો. ધુધવાના ગામની માલણ નંદીમાં  નવા નીર આવ્યા હતા તો આંબલીયાળા ગામે કરા સાથે વરસાદ પડયો હતો ભારે પવન ને કારણે વુક્ષ ઘરાશાયી થયુ હતુ. ધારીના ગીર પંથકમાં પણ ધોધમાર એક ઇંચ વરસાદ પડયો હતા.ે ધારીના ગીર કાંઠા વિસ્તારમાં ઘોઘમાર વરસાદ પડયો હતો બગસરા પંથકમાં પણ ઘીમીઘારે વરસાદ પડયો હતો બગસરા પંથકમાં સારા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા લિલીયા પંથકમાં બપોર બાદ વાતાવરણ પલ્ટો આવ્યો હતો. લિલીયાના નાના કણકોટ શાખપુર નાના રાજકોટ શાખપુર સહિતના ગામમો વરસાદ પડયો હતો કુકાવાવ પંથકમાં પણ પવન સાથે ધીમીધારે વરસાદ પડયો હતો લાઠી પંથકમાં ધીમીધારે વરસાદ પડયો હતો જેમા દામનગર ઠાંસા ભટ્ટવદર સુવાગઢ સહિત ના વિસ્તારમાં વરસાદ પડયો હતો સાવરકુંડલા પંથકમાં પવનના સુસવાટા સાથે વરસાદ પડયો હતો જેમા સાવરકુંડલાના ધોબા પીપરડી ફિફાદ થોરડી ગામે વરસાદ પડયો હતો બાબરા પંથકમાં પણ આજે મુશળધાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ  બાબરાના ચરખા નિલવડા તાઈવદર કરીયાણા દરેડ ગામે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. દરમિયાન આજે ભાવનગરના ઉમરાળા તેજમ તાપી જિલ્લાના ડોલવણ, નર્મદા જિલ્લાના તિલકવાડા અને નાંદોદ, તાપી જિલ્લાના વ્યારા સહિતના અન્ય વિસ્તારોમાં પણ એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું હતું.



Google NewsGoogle News