ટ્રક ડ્રાઇવરનું સ્કોર્પિયોમાં અપહરણ કરી ધોકા અને પાઇપ વડે હુમલો
- ટ્રાન્સપોર્ટનો માલ-સામાન ભરવાના મનદુઃખમાં
રાજકોટ : ગંજીવાડાના ચામુંડા ચોકમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા મંગેશ જેરામભાઈ વાળા (ઉ.વ.૩૫)નું ટ્રાન્સપોર્ટનો માલ ભરવા બાબતે ચાલતા વિખવાદમાં ચાર શખ્સોએ સ્કોર્પિયોમાં અપહરણ કરી મારકૂટ કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
- સોખડા પાસે ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવતા શખ્સ અને તેના ત્રણ મિત્રો સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ
ફરિયાદમાં મંગેશભાઈએ જણાવ્યું છે કે તે ટ્રાન્સપોર્ટના પાર્સલોની હેરાફેરી કરે છે. બે વર્ષ પહેલા માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ હતી. જે બંધ કરી દીધી હતી. તે વખતે તેના ભાગીદાર મહેબુબ દાઉદભાઈ કાદરી અને ઋષિરાજસિંહ સજ્જનસિંહ જાડેજાએ ટ્રાન્સપોર્ટનું કામકાજ શરૂ કર્યું હતું. બાદમાં ઋષિરાજસિંહે સોખડા ચોકડી પાસે મારૂતિ રોડલાઇન્સ નામની અલગથી પેઢી શરૂ કરી હતી. તેની સાથે તેને માલ-સામાન ભરવા બાબતે મનદુઃખ ચાલતુ હતું.
ગઇકાલે સાંજે ચારેક વાગ્યે તે મિત્રો અમન ખટાણા, વિક્રમ ડાંગર સાથે ઋષિરાજસિંહની ઓફિસે સમાધાનની વાતચીત કરવા ગયો હતો. તે વખતે ઓફિસમાં યોગીભાઈ, નવાગામનો રહેતો મુન્નાભાઈ હાજર હતા. સમાધાનની વાતચીત ચાલુ હતી. થોડીવાર બાદ તે ઓફિસની બહાર નીકળી ઉભો હતો ત્યારે ઋષિરાજસિંહન મિત્ર સરમણ ઇનોવા કાર લઇને આવ્યો હતો. આવીને તેની સાથે જેમ જેમ બોલવાનું શરૂ કર્યું હતું. જેથી તેણે કહ્યું કે હવે અમારે સમાધાનની વાતચીત થઇ છે.
આ વાત સાંભળી સરમણે ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી હતી. તે ત્યાંથી નીકળી ગયા બાદ રીક્ષામાં નવાગામ જતો હતો. ત્યારે સ્કોર્પિયોમાં ઋષિરાજસિંહ, યોગીભાઈ અને મુન્નાભાઈ ધસી આવ્યા હતાં. રીક્ષા ઉભી રખાવી તેનો શર્ટનો કાંઠલો પકડી, સ્કોર્પિયોમાં બેસાડી ઋષિરાજસિંહની ઓફિસ પાસે લઇ આવ્યા હતા. જ્યાં તેની ઉપર ધોકા-પાઇપ વડે હુમલો કરી, ગડદાપાટુનો માર માર્યો હતો.
તે વખતે તેના મિત્રો અમન અને વિક્રમે વચ્ચે પડી છોડાવ્યો હતો. બાદમાં તે સોખડા ચોકડી તરફ જતો રહ્યો હતો. જ્યાંથી પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. ૧૦૮ બોલાવી તેમાં સિવિલમાં સારવાર લીધી હતી. કુવાડવા રોડ પોલીસે ત્યાં જઇ આરોપીઓ ઋષિરાજસિંહ, યોગીભાઈ, મુન્નાભાઈ અને સરમણભાઈ વિરૂધ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.