બાંદ્રા-ભાવનગર વિકલી ટ્રેનમાંથી વિદેશી દારૃ સાથે ત્રણ શખ્સ ઝબ્બે
- રાજકોટ રેલવે એલસીબીનો સપાટો
- બોટાદ રેલવે સ્ટેશનમાંથી મુંબઈનો શખ્સ અને ભાવનગર ટર્મિનસથી ભાવનગરના બે શખ્સને ઝડપી લેવાયા
ભાવનગર : બાંદ્રા-ભાવનગર વિકલી ટ્રેનમાં વિલાયતી દારૃનો જથ્થો લઈને આવી રહેલા ત્રણ શખ્સને રાજકોટ રેલવે એલસીબીની ટીમે સપાટો બોલાવી ઝડપી લીધા હતા.
પ્રથમ બનાવમાં બાંદ્રા-ભાવનગર વિકલી એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૃની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે એલ.સી.બી-પશ્ચિમ રેલવે, રાજકોટની ટીમે બોટાદ ખાતે પહોંચી આજે વહેલી સવારે ૪-૧૦ કલાકે આવેલી ટ્રેનમાં તપાસ કરતા કોચ નં.એસ/૨માં મુસાફરી કરતો નિતેશ દેવજીભાઈ નિસર (રહે, પ્લોટ નં.૪૯-૫૦, કાલિના કોલીવરી, સાંતાક્રુજ, ઈસ્ટ મુંબઈ, મહારાષ્ટ્ર) નામના શખ્સને બે લીટરની વિદેશી દારૃની ત્રણ બોટલ, મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એલસીબીએ શખ્સ સામે ધોળા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ શખ્સ પોતાના અંગત સ્વાર્થ માટે મુંબઈથી દારૃ લઈને આવ્યો હોવાનું પૂછતાછમાં કબૂલ્યું હતું.
બીજા એક બનાવમાં પશ્વિમ રેલવેની રાજકોટ એલસીબીની ટીમ બાંદ્રા-ભાવનગર વિકલી એક્સપ્રેસમાં તપાસ કરી ભાવનગર રેલવે ટર્મિનસ પહોંચી ત્યારે સાગર લાલચંદભાઈ ભારાણી (રહે, દેવુમાતાના મંદિરની સામે, સિંધુનગર) અને નિરજ દિલીપકુમાર ધામેજાણી (રહે, શેરી નં.૨, દેવુમાતાના મંદિરની સામે, સિંધુનગર) નામના બે શખ્સને વિદેશી દારૃની નાની-મોટી ૧૭૦ બોટલ સાથે ઝડપી લઈ ભાવનગર રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.