મોરબીના વેપારી યુવાન પાસે રૃા. 5.46 લાખ, બુલેટ પડાવનાર ત્રણ ઝડપાયા
- સૌમ્ય સ્વભાવના મિત્રને વારંવાર ધબડાવી નાણાં પડાવ્યા
- આરોપીઓ પાસેથી રૃા. 4.86 લાખ રોકડા તથા આઇફોન તથા બૂલેટ કબજે કરી ત્રણેયને જેલ ભેગા કર્યા
મોરબી : મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા સૌમ્ય સ્વભાવના યુવાન વેપારીનો ગેરલાભ લઇ તેના મિત્ર સહિત ત્રણ શખ્સોએ ઢોર માર મારી ડરાવી દીધા બાદ કટકે કટકે રૃા.૫.૪૬ લાખ રોકડા, બુલેટ બાઇક તથા આઇફોન પડાવી લેવાની ઘટનામાં પોલીસે વેપારીના મિત્ર સહિત ત્રણની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે.
મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયાએ ગત તા. ૨૯ ઓક્ટોબરના રોજ સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિશાલ વેલાભાઇ રબારી રહે-શકત શનાળા ગામ વાળા સાથે કોઈપણ જાતની રૃપિયાની લેતી દેતી થયેલ ન હોય તેમ છતાં પાસેથી કટકે કટકે કુલ રૃપિયા ૫,૪૬,૦૦૦ તેમજ દેવકુમારનો આઈફોન ૧૫ પ્રો મોબાઈલ ફોન કીમત રૃ.૬૦,૦૦૦ વાળો તથા દેવકુમારનું કલાસિક ૩૫૦ બુલેટ કાળા તથા લાલ કલરનું રૃ.૨,૫૦,૦૦૦ બળજબરી પૂર્વક પડાવી લીધા હતા. તેમજ કારમાં બેસાડી વીરપર અને મીતાણા સહિતના સ્થળે લઇ જઈને માર મારી ધમકી આપી હતી જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓ વિશાલ રબારી, સઈદ અકરમ કાદરી અને સિદ્ધરાજસિંહ જાડેજા રહે મોરબી વાળાને ઝડપી લીધા હતા જે આરોપીઓ પાસેથી રોકડ રૃ ૪.૮૬ લાખ, આઈફોન અને બુલેટ કબજે લઈને ત્રણેય આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે. વિશેષમાં એવી વિગત મળી છે કે વેપારી યુવાન દેવ અને આરોપી વિશાલ બંને મિત્ર હોવાથી પરિચિત હતા અગાઉ વિશાલ ઝઘડો કરી દેવને માર માર્યો હતો અને દેવ ડરી ગયો હતો જેથી ડરતો હોવાનો લાભ ઉઠાવી રોકડ અને બુલેટ તેમજ આઈફોન પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે