Get The App

ગાંધીનગરનો સંત સરોવર ડેમ આજે છલકાશે

- 21 દરવાજા સાથે સંતસરોવરની 55.55 મીટર ઉંચાઇઃ355 મીલીયન ક્યુબીક ફુટ પાણીની ક્ષમતા

- લાકરોડા ડેમના દરવાજા ખોલતાં 5580 ક્યુસેક નવા પાણીની આવક થઇઃસોમવાર સાંજ સુધી 53.75 મીટરની ઉંચાઇએ 175 મી. ક્યુબેક ફુટ પાણીનો સંગ્રહ થયો

Updated: Aug 24th, 2020


Google NewsGoogle News
ગાંધીનગરનો સંત સરોવર ડેમ આજે છલકાશે 1 - image


ગાંધીનગર, તા. 24 ઓગસ્ટ 2020, સોમવાર

ગાંધીનગર શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલાં ડેમ એટલે કે સંત સરોવરમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લઇને નવા પાણીની આવક થઇ છે. લાકરોડા ડેમમાંથી પપ૮૦ ક્યુસેક પાણી છોડાતાં સંતસરોવરની ઉંચાઇ વધી છે. સોમવાર સાંજ સુધીમાં ૫૩.૭૫ મીટર સુધી પાણી પહોંચી ગયું હતું. આવો પ્રવાહ ચાલુ રહ્યો તો આવતીકાલે સવારે અથવા બપોરે સંતસરોવર છલકાઇ જશે. ઓવરફલો થવાથી અમદાવાદ તરફ સાબરમતી નદીમાં નવું પાણી ઉમેરાશે.

ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર ઇન્દ્રોડા ગામ પાસે સંતસરોવરરૂપી ડેમ બનાવવામાં આવ્યો છે. ૫૫.પપ મીટરની ઉંચાઇ ધરાવતાં ૨૧ દરવાજા બાંધીને અહીં નદીના પટમાં પાણી સંગ્રહ કરવાની યોજના છે. પાણી સંગ્રહ કરીને અહીં કૃત્રિમ સરોવર ઉભું કરીને નયનરમ્ય વાતાવરણ રહે તે ઉપરાંત પાણી નદીમાં સંગ્રહાયેલું રહેવાના કારણે આ વિસ્તાર તેમજ આસપાસના ગામોમાં ભુગર્ભ જળ ઉંચા આવે તેવા હેતુથી આ સંત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

લગભગ દર વર્ષે સાબરમતી નદીમાં પાણીની આવક રહેવાના કારણે ચોમાસામાં આ સંતસરોવર ઓવરફલો થાય છે. ત્યારે આ વખતે ઉપરવાસમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલાં સારા વરસાદને લઇને સાબરમતી નદીમાં નવા નીર આવ્યાં છે. એટલું જ નહીં લાકરોડા ડેમ ભરાઇ જતાં ત્યાંના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી ગાંધીનગરની સાબરમતી નદીમાં પ૫૮૦ ક્યુસેક પાણી નવું ઉમેરાયું છે. 

લાકરોડામાંથી પપ૮૦ ક્યુસેક પાણી છોડવા ઉપરાંત છેલ્લા ચાર દિવસથી ગાંધીનગરમાં પડી રહેલાં અવિરત વરસાદને લઇને સાબરમતી નદી બેકાંઠે વહેતી થઇ છે. માણસા બાદ ચિલોડા અને સંતસરોવર સુધી નવા પાણીની આવક થઇ છે. સંત સરોવરમાં નવું પાણી ઉમેરાતાં ડેમમાં પાણીની સપાટી ઉંચી આવી છે. સોમવાર સાંજ સુધી ૫૩.૭૫ મીટરની ઉંચાઇએ પાણી પહોંચી ગયું છે.

આ વિસ્તારમાં હાલ ૧૭૫ ક્યુબીક ફીટ પાણી સંગ્રહાયેલું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે ત્યારે હજુ પણ આ પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ રહ્યો તો આવતીકાલે સવારે અથવા બપોરે સાબરમતી નદી ઉપરનો સંતસરોવર ડેમ ભરાઇ જશે અને છલકાવાની નોબત આવશે. સોમવાર સાંજ સુધીમાં ૫૩.૭૫ મીટર ઉંચાઇએ પાણી પહોંચ્યું છે ત્યારે ડેમની ઉંચાઇ ૫૫.૫૫ મીટર છે જે રાત સુધીમાં ભરાઇ જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News