માર્ગ મકાન વિભાગની મેલી મથરાવટી કરોડોનાં બાંધકામોમાં લાખોની ગોલમોલ
- સરકારી બાંધકામોમાં પણ લોટ પાણી ને લાકડાં, ટકાવારીમાં થતાં કામો
- બિલ્ડિંગનાં નવા પ્રોજેક્ટ અને મેઇન્ટેન્સનાં કામોમાં દાખવવામાં આવતી ગુનાહિત બેદરકારી, સરકારી ક્વાર્ટર્સની જાળવણીમાં તંત્ર ફ્લોપ
રાજકોટ : રાજકોટમાં માર્ગ-મકાન ખાતાની અડધો ડઝન કચેરી દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં સરકારી મકાનોનાં બાંધકામો, મેઇન્ટેન્સ સહિતની તકલાદી કામોમાં કોન્ટ્રાકટરો સાથે અધિકારીઓની મીલી ભગતને કારણે મોટાભાગનાં બાંધકામોમાં લોટ-પાણીને લાકડા જેવા મટીરીયલ્સનો ઉપયોગ થતો રહ્યો હોવાની ફરિયાદો રહી છે. સરકારી ક્વાર્ટર્સના બાંધકામ અને જાળવણીની જવાબદારી સંભાળતી આ કચેરીનાં મોટા ભાગનાં અધિકારી સામે અગાઉ ભ્રષ્ટાચારના અનેક આરોપો થયા હોવા છતાં પગલા લેવામાં સરકારી તંત્ર ઉણું ઉતરી રહ્યું હોવાની છાપ ઉભી થઇ છે.
રાજકોટમાં યાજ્ઞિાક રોડ ઉપર આવેલી માર્ગ અને મકાન વિભાગની શહેર વિભાગની કચેરીમાં ચાર નાયબ ઇજનેરને શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં સિનેમા, મોલ ઉપરાંત ગેમઝોનની સલામતીની જે જવાબદારી સોંપવામાં આવી છે તેમાંથી બે અધિકારીઓને રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ગેમઝોનના સ્થળની તપાસ કર્યા વિના એનઓસી આપી દેવાના ચર્ચાસ્પદ પ્રકરણ બાદ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.
રાજ્ય સરકારનાં માર્ગ અને મકાન વિભાગની રાજકોટ સ્થિત કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેરની ઉપર કાર્યપાલક ઇજનેર ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાના સરકારી માર્ગ અને મકાન વિભાગની જવાબદારી સંભાળતા અધિક્ષક ઇજનેરની કચેરી પણ અહીં કાર્યરત છે. જેની ઉપર ગાંધીનગરમાં બાંધકામ વિભાગનાં ચીફ ઇજનેર ફરજ બજાવતા હોય છે. ઉપરાંત શહેરમાં યોજાતા મેળાની યાંત્રિક રાઇડના સલામતીની ચકાસણી ઉપરાંત માર્ગ-મકાન કામોની ગુણવત્તા ચકાસણી માટે પણ સ્વતંત્ર કચેરી રાજકોટમાં અસ્તિત્વ ધરાવતી હોવા છતાં આ કચેરીનાં કામો વર્ષોથી ચર્ચાસ્પદ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ સરકારી બાંધકામના ટેન્ડર પાસ કરવાથી માંડીને બિલ પાસ કરાવવાના કરોડો રૃપિયાના કામોમાંથી પોતાનો હિસ્સો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી બિલો મંજુર કરતા નથી. શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલા સરકારી ક્વાર્ટર્સની જર્જરિત સ્થિતિ માટે પણ આ જ સરકારી ઇજનેરો જવાબદાર છે. કેટલાક ક્વાર્ટર્સમાં રહેતા સરકારી કર્મચારીઓ ઉપર મોટું જોખમ તોળાતું હોવા છતાં આ આ ક્વાર્ટર્સની જાળવણી કરવામાં આવતી નથી છતાં ફરજમાં બેદરકાર આ અધિકારીઓ સામે કોઇ પગલાં લેવાતા નથી.