ખંભાળિયા નજીક ખનીજ ખનન પર દરોડો, મોરમ ચોરી ઝડપાઈ
- સૌરાષ્ટ્રમાં રેતી-મોરમ ચોરીના બનાવો પર દરોડા કાર્યવાહી
- ગાવડકા અને લીલીયામાં શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરતા બે ડમ્પર અને એક બોટ કબજે લેવાઈ
જામખંભાળિયા, અમરેલી : સૌરાષ્ટ્રમાં મોરમ અને રેતી ખનન પ્રવૃતિ વધી ગઈ છે. આજે ખંભાળિયા અને અમરેલી જિલ્લાના લીલીયા ,ગાવડકામાં ખનીજ ખનન પર દરોડા કાર્યવાહી કરી મોરમ અને રેતી કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા - દ્વારકા માર્ગ પર સરકારી જમીનમાંથી ખનીજ (મોરમ)ની ચોરી થતી હોવા અંગેની માહિતી અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાને મળતા તેમના દ્વારા સ્થાનિક સ્ટાફને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દ્વારકા માર્ગ પરના વડત્રા ગામ પાસેના ઢાંઢાવાળા તળાવ પાસેથી હિટાચી વાહનની મદદથી ડમ્પર મારફતે ખનીજ (મોરામ) ચોરી થતી હોવાનું ખુલવા પામ્યું હતું.
આ કાર્યવાહીમાં ઉપરોક્ત સ્થળેથી એક હિટાચી તેમજ પાંચ ડમ્પર મળી આવ્યા હતા. જો કે ખનીજ ચોરો નાસી છૂટવામાં સફળ થયા હતા. આ સમગ્ર બાબત અંગે પ્રાંત અધિકારી કે.કે. કરમટા દ્વારા જરૃરી કાર્યવાહી કરી અને અહીંના ભૂસ્તર વિભાગને વધુ તપાસ તેમજ કામગીરી અર્થે મુદ્દામાલ તેમજ રિપોર્ટ સુપ્રત કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં પણ અહીંના મામલતદાર તથા તેમની ટીમ દ્વારા ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામેથી મોરમ ચોરીમાં જે.સી.બી., ટ્રેક્ટર સહિતનો રૃ. ૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ પછી આજે વધુ એક કાર્યવાહીમાં એસ.ડી.એમ. તથા ટીમ દ્વારા આશરે રૃપિયા પોણો કરોડ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છ.
અમરેલી ખાણ ખનીજ વિભાગની ટીમે શેત્રુંજીનદીના પટમાં દરોડા પાડયા હતા. જેમાં અમરેલીના ગાવડકા નજીકથી એક ડમ્પર ઝડપી પાડયું હતું. તેમજ લીલીયાના આંબા નજીક આવેલ શેત્રુંજી નદીના પટમાં દરોડા પાડતા અહીં એક ડમ્પર ઝડપી લીધું હતું ત્યાથીજ એક બોટ પણ મળી આવી છે. તેમને સિઝ કરી દેવાય છે. આ બોટ મારફતે કેટલાક ખનીજ માફિયાઓ પાણીમાંથી રેતી ચોરી કરવાની પ્રવૃતિઓ રાત્રીના સમયે વધુ કરતા હતા હોવાની બાતમી ના આઘારે અમરેલી ખાણ ખનીજ વિભાગે અમરેલી અને લિલીયા વિસ્તારમાં દરોડા પાડી બે ડમ્પર અને એક બોટ સહિત ટોટલ ૨૫ લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.