વજાપુરા ગામમાં દરોડો પાડી પોલીસે ચાર જુગારીને ઝડપી લીધા
- જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર ફાલ્યો
- રૂપિયા 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બદી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ડભોડા પોલીસે વજાપુરા ગામમાં દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગાર વધુ જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણે ખાચરે જુગારની બદી વધી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વજાપુરા ગામમાં ભાગોળ ખાતે કેટલાક ઈસમો ભેગા મળીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી.
જોકે પોલીસ દ્વારા અહીં જુગાર રમતા ડભોડા ગામના સંજય ગાંડાજી ઠાકોર, સોનુ શૈલેષભાઈ કવિ, વલાદના ગિરીશ ફકીરજી ઠાકોર અને વીરા તલાવડીના મુકેશ અંબાલાલ ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નોંધવું રહેશે કે લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી પોલીસ દ્વારા દારૂ અને જુગારના કેસો વધારી દેવામાં આવ્યા છે અને હજી ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવતી રહેશે.