હવે આરટીઆઈ હેઠળ માહિતી આપવા માટે પણ લાંચની માંગણી
- સુરેન્દ્રનગરમાં એસીબીની ટ્રેપ, સરકારી બાબુ ઝબ્બે
- ખાણ ખનીજ વિભાગના ક્લાર્કે આરટીઆઈ હેઠળ ખૂટતી માહિતી આપવા માટે રૃા. 10 હજારની લાંચ માગી હતી
રાજકોટ : સરકારી તંત્રોના વહીવટમાં પારદર્શિતા રહે અને ભ્રષ્ટાચાર અટકે તેવા હેતુથી ૨૦૦૫માં આરટીઆઈ લાગુ કરવામાં આવ્યો હતો. તે વખતે કોઇને કલ્પના નહીં પણ હોય કે આરટીઆઈમાં માહિતી આપવા માટે જ ભ્રષ્ટાચાર કરાશે. સુરેન્દ્રનગરના બહુમાળી ભવનમાં આવેલી ખાણ ખનીજ કચેરીના જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ મકવાણાને આરટીઆઈ અંગે માહિતી આપવા માટે રૃા. ૧૦ હજારની લાંચ લેતા આજે એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા.
એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ સીલીકા રેતીની લીઝની માગણી કરી હતી. જે લાંબા સમયથી પેન્ડિંગ હતી. તેના માટે જરૃરી માહિતી મેળવવા માટે ફરિયાદીએ આરટીઆઈ કરી હતી. જે સંદર્ભે કચેરી દ્વારા અધૂરી માહિતી આપવામાં આવી હતી.
બાકી રહેલી માહિતી આપવા માટે કચેરી ખાતે માહિતી આપવાની પ્રક્રિયા કરતાં આરોપીએ રૃા. ૧૦ હજારની લાંચની માંગ કરી હતી. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. આર.એન. વિરાણીએ ટ્રેપ ગોઠવી હતી.
જે દરમિયાન આરોપી સુરેન્દ્રનગરના બહુમાળી ભવન ખાતે આવેલી ખાણ ખનીજ વિભાગની કચેરીના ગેઇટ પાસેથી જ ફરિયાદી પાસેથી રૃા. ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ એસીબીની ઝપટે ચડી ગયા હતા. એસીબીએ આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.