રાજકોટનાં બસ પોર્ટ પર જાહેરમાં રિક્ષા ચાલક પર ખૂની હુમલો
- અમારાં નામ પોલીસને કેમ આપ્યા તેમ કહી
- ભીસ્તીવાડમાં રહેતા ભાઇઓએ પાઇપ-બરફના સૂયા વડે હુમલો કર્યો, બંને આરોપીઓ ફરાર
રાજકોટ : રાજકોટમાં હુમલો, ખૂની હુમલા, સરાજાહેર મારામારી સહિતનાં શરીર સંબંધી ગુના પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે વધી ગયા છે. ગઇકાલે સવારે એસટી બસ પોર્ટ જેવા ધમધમતા વિસ્તારમાં રીક્ષા ચાલક ઉપર બે ભાઇઓએ ખૂની હુમલો કર્યો હતો. એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. જો કે આજ સાંજ સુધી બંને આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા નથી.
જામનગર રોડ પરના હુડકો ક્વાર્ટરમાં રહેતો રીક્ષાચાલક સલીમ આદમ જુણાચ (ઉ.વ.૩૩)ગઇકાલે સવારે રેલવે સ્ટેશનેથી પોતાની રીક્ષામાં પેસેન્જર ભરી બસ પોર્ટ ખાતે ઉતારવા ગયો હતો. બસ પોર્ટના એન્ટ્રી અને એક્ઝિટ ગેઇટની વચ્ચે પેસેન્જર ઉતારતો હતો ત્યારે ત્યાં ભીસ્તીવાડનો જાકીર હબીબ કયડા અને તેનો ભાઈ અનીસ રીક્ષામાં ધસી આવ્યા હતા.
બંને આરોપીઓએ આવીને સલીમને ગાળો ભાંડી કહ્યું કે તે અમારા બંને ભાઈઓના નામ પોલીસને કેમ આપ્યા. તે સાથે જ તેની સાથે ઝગડો કરી પાઇપ અને બરફના સૂયાના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ બંને આરોપીઓ ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં સલીમ રીક્ષામાં બેસી સિવિલ રવાના થયો હતો. જો કે સિવિલ ચોક પાસે જ તેને ચક્કર આવી ગયા હતા.જેને કારણે અન્ય રીક્ષાચાલક તેને સિવિલ લઇ ગયો હતો.
તેની ડાબી બાજુની પાંસળીમાં પાછળના ભાગે ફ્રેક્ચરની ઇજા થઇ હતી. છાતીમાં ઉંડો ઘા હોવાથી ફેફસામાં કાણું પડી જતાં હવા ભરાઇ ગઇ હતી. જે બહાર કાઢવા માટે તબીબોએ ઓપરેશન કર્યું હતું. આ અંગે સલીમના ભાઈ સુલેમાન (ઉ.વ.૩૯, રહે. હુડકો ક્વાર્ટર, જામનગર રોડ)ની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે ખૂનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.