Get The App

રાજકોટના ડેપ્યુટી મેયર પર છરી વડે હુમલો, બંને પક્ષો વચ્ચે સમાધાન

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
રાજકોટના ડેપ્યુટી મેયર પર છરી વડે હુમલો, બંને પક્ષો વચ્ચે સમાધાન 1 - image


- જામનગર રોડ પર આવેલા સન્ની પાજી દા ઢાબામાં માથાકૂટ

- સન્ની પાજીએ નિવેદનમાં પોતાને મારકૂટ કરાયાનું અને રેસ્ટોરન્ટમાં તોડફોડ કરાયાનું જણાવ્યું હતું

રાજકોટ : રાજકોટના વોર્ડ નં. ૩ના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા કે જે ટીકુભા તરીકે પણ ઓળખાય છે, તેના અને તેના ભાઈ ઉપર ગઇકાલે રાત્રે જામનગર રોડ પર આવેલા સન્ની પાજી દા ઢાબાના માલિક સન્ની પાજીના જૂથ સાથે થયેલી માથાકૂટમાં છરીથી હુમલો થયાના સમાચારો વહેતા થયા હતાં. જે અંગે શરૃઆતમાં રદિયો અપાયા બાદ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ સ્વીકાર્યું કે તેને છરીથી સામાન્ય છરકા જેવી ઇજા થઇ હતી.  બંને પક્ષોએ પોલીસને સમાધાન થઇ ગયાનું જણાવ્યું છે. 

ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે સન્ની પાજી દા ઢાબાની જગ્યા તેના કૌટુંબિક પિતરાઇની છે. જેને ગઇકાલે રાત્રે સન્ની પાજી સાથે કોઇ બાબતે માથાકૂટ થઇ હતી. જેથી માણસો ભેગા થઇ ગયા હતા. જે અંગે જાણ થતાં તે સ્થળ પર પહોંચ્યા હતા અને મામલો થાળે પાડયો હતો. આ દરમિયાન કોઇની છરીથી છરકા જેવી સામાન્ય ઇજા થઇ હતી. જેથી ખાનગી હોસ્પિટલમાં જઇ સારવાર લીધી હતી. 

ત્યાર પછી ભાણેજના લગ્ન હોવાથી અમદાવાદ જવા રવાના થઇ ગયા હતા. આ નિવેદન સાથે જ સન્ની પાજી દા ઢાબામાં રાત્રે માથાકૂટ થયાનું સ્પષ્ટ બની ગયું છે. જ્યારે સન્ની પાજી દા ધાબાના માલિક અમનવીરસિંગ ઉર્ફે સન્ની પાજી તેજેન્દ્રસિંગ ખેતાન (ઉ.વ.૩૨, રહે. રેલવે સ્ટેશન મેઇન રોડ, ગુરુદ્વારાની બાજુમાં)એ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ તે પોતાની રેસ્ટોરન્ટ ખાતે હતો ત્યારે ત્રણ  વ્યક્તિ જમવા આવ્યા હતા. જેનું બીલ લીધું હતું. 

આ પછી વિજય ગઢવીનો કોલ આવ્યો હતો. જેણે તેને કહ્યું કે આ ત્રણ વ્યક્તિનું બીલ લેવાનું નથી. બાદમાં તેણે કહ્યું કે તે ત્રણેય વ્યક્તિ બીલ આપી જતાં રહ્યા છે. આ દરમિયાન નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજાનો તેને કોલ આવ્યો હતો. જેણે તેને કહ્યું કે હું તારી હોટલે આવું છું, અને હોટલ બંધ કરાવી દેવી છે.

થોડીવાર બાદ નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા, રવિરાજસિંહ, હરદીપસિંહ, વિશ્વરાજસિંહ ઉર્ફે કાનો અને વિજય ગઢવી ઉપરાંત અન્ય માણસો તેની હોટલે આવ્યા હતાં. જેમાં સામસામે ઝપાઝપી થઇ હતી. તેની  સાથે બોલાચાલી પણ કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં તેની હોટલમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન કોઇએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતાં પોલીસ આવી પહોંચી હતી. જેમાં તે ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ નિવેદન આપ્યું હતું. 

નિવેદનમાં વધુમાં તેણે જણાવ્યું કે  ઝપાઝપીમાં તેના શરીરે અને માથાના ભાગે મૂંઢ ઇજા થઇ છે. પરંતુ તેને કોઇ સારવાર લેવી નથી. સામાવાળા તેના મિત્ર હોવાથી સમાધાનની વાત થઇ ગઇ છે. 

ગાંધીગ્રામના પીઆઈ કરપડાએ જણાવ્યું કે સન્ની પાજીએ નિવેદનમાં સમાધાનની વાત થઇ ગયાનું જણાવ્યું છે જ્યારે સામા પક્ષે ફરિયાદ નોંધાવવા માગતા નહીં હોવાનું જણાવ્યું છે. જેને કારણે આ કેસમાં કોઇ પક્ષે હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી.

આજ સવારથી એવા અહેવાલો વહેતા થયા હતા કે આ માથાકૂટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ , તેના ભાઈ રવિરાજસિંહ સહિત ત્રણ ઉપર હુમલો થયો છે. 


Google NewsGoogle News