યુવા સશક્તિકરણ પ્રોજેક્ટના નામે ભરતીની ખોટી જાહેરાતઃગુનો દાખલ
- બેરોજગાર યુવાનોને ખંખેરવા માટે
ગાંધીનગર, તા.19 ફેબ્રુઆરી 2020, બુધવાર
હાલમાં બેરોજગાર યુવાનોને ખંખેરવા માટે ઠગ ટોળકી દ્વારા સરકારની એજન્સીઓના ભળતાં નામ વાળી ભરતીની જાહેરાતો આપીને ઓનલાઈન ફોર્મ ભરાવી લાખો રૂપિયા પડાવી લેવામાં આવતાં હોય છે ત્યારે તાજેતરમાં જ ભારત યુવા સશક્તિકરણ પ્રોજેકટના નામે ત્રણ હજારથી વધુ યુવાનોને ભરતી કરવાની જાહેરાત આપી ફોર્મ ભરાવાનું શરૂ કરાયું હતું. ત્યારે આ બાબત સરકારના ધ્યાને આવતાં ગાંધીનગર જિલ્લા રોજગાર અધિકારી દ્વારા આ સંદર્ભે સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બેરોજગારો યુવાનો નોકરી શોધવા માટે હાલ ઠેકઠેકાણે ફરી રહયા છે ત્યારે તેમને છેતરવા માટે કોઈ ઠગ ટોળકીએ ભારત યુવા સશક્તિકરણ પ્રોજેકટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે ભરતી અંગેની વેબસાઈટ દ્વારા જાહેરાત મુકી હતી અને ઉંચુ પગારધોરણ અને ત્રણ હજાર કરતાં વધુ જગ્યાઓ ભરવાની હોવાનું જણાવ્યું હતું. આ જાહેરાત સોશ્યલ મીડીયામાં ફરતી થતાં યુવાનોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી હતી. ત્યારે આવી કોઈ જાહેરાત રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા નહીં અપાઈ હોવાનું બહાર આવતાં લોકો સાથે છેતરપીંડી કરતાં આવા તત્ત્વોને પકડવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા સે-૭ પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ અપાઈ છે.