- પેટ્રોલ, ડીઝલ, ડામરનું ગેરકાયદે વેંચાણ, 34 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝબ્બે
- રાજુલા-પીપાવાવ ચોકડી નજીક રાજધાની હોટલના ગ્રાઉન્ડમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો
રાજુલા : રાજુલા-પીપાવાવ ચોકડી નજીક રાજધાની હોટલ ગ્રાઉન્ડમાંથી ગેરકાયદેસર ડીઝલ, પેટ્રોલ અને ડામર સહિત ગેરકાયદેસર વેંચાણ થતું હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલ (એસ.એમ.સી.)ના એસપી નિર્લિપ્ત રાયને માહિતી મળતા તેમની ટીમ દ્વારા મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો. એસ.એમ.સી.ની ટીમ દ્વારા ઘટનાસ્થળ પરથી પેટ્રોલ, ડીઝલ અને ડામરનો ચોરાઉ જથ્થા સાથે ૩૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મહુવાના શખસ સહિત બે ઝડપાયા ઃ મુખ્ય સૂત્રધાર અને હોટલની જગ્યા ભાડે આપનાર સહિત ચાર શખ્સ ફરાર ઃ અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં સન્નાટો
આ અંગેની વિગતમાં પીપાવાવ નજીક આવેલી રાજધાની હોટલના ગ્રાઉન્ડમાંથી એસએમસીની ટીમે ૧૨,૫૫૦ લીટર ડીઝલ, ૩૦૦ લીટર પેટ્રોલ અને ૧૯ ટન ડામરનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળ પરથી ટેન્કર, ફોરવ્હિલ, ઈલેક્ટ્રિક મોટર બ્લોર અને રોકડ સહિત ૩૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ. સી.એન.પરમાર દ્વારા રેડ કરતા આ ગેરકાયદેસર ધંધામાં ભાગીદાર આરોપી દિગ્વિજય ભુપતભાઇ ખુમાણ (રે.મેવાસા, તા.સાવરકુંડલા), ટેન્કર ડ્રાયવર સલીમ અનવરખાન પઠાણ (રે. મહુવા) બંને ઇસમોને સ્થળ ઉપરથી દબોચી લીધા હતા. જ્યારે વોન્ટેડ મુખ્ય સુત્રધાર આરોપી જયરાજ બીસુભાઈ વાળા (રે. રાજુલા) દિપક ઘનશ્યામભાઈ જીજાળા (રે. રાજુલા), હોટલ રાજધાની જગ્યા ભાડે આપનાર જાલમ ભગુભાઈ બાબરીયા (રે.કડીયાળી, રાજુલા) અને ડામર લઈ જનાર મહેશ મારવાડી (વતન રાજસ્થાન) આ ચાર આરોપીઓ ફરાર છે તેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાય.એસ.પી.કે.ટી.કામરીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પીપાવાવમાંથી આ લોકો ગેરકાયદેસર રીતે ડીઝલના ટેન્કર અને ડામર રાજસ્થાન સપ્લાય કરતા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ પડતા સ્થાનિક પોલીસમાં સન્નાટો ગેરકાયદેસર ડીઝલ પેટ્રોલ ડામર સાહિતનો મોટો જથો સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા દરોડો પાડી ઝડપી પાડતા અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં સન્નાટો વ્યાપી ગયો હતો. મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો. રાતભર સવાર સુધી કામગીરી હાથ ધરવામાં આવી હતી.