ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા 1260 લાભાર્થીઓને 8 કરોડના સહાય ચેક વિતરણ
- ભાજપા સરકારે આયુષ્યમાન ભારત, સૌભાગ્ય, ઉજવલાથી કરોડો પરિવારોમાં આર્થિક ઊજાસના દિવા પ્રગટાવ્યા
ગાંધીનગર, તા. 27 ફેબ્રુઆરી 2019, બુધવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાજના નબળા વર્ગોના આર્થિક ઉત્કર્ષ સહિત સામાજીક સમરસતાનો ધ્યેય સાકાર કરવા રાજ્ય સરકારની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, છેવાડાના માનવીનો વિચાર કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક યોજના ઘડે છે અને તેનું વ્યાપક અમલીકરણ પણ સાચ અર્થમાં કરે છે.
રૂપાણીએ ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપક્રમે યોજીત સાધન-સહાય વિતરણ કાર્યક્રમમાં 1260 લાભાર્થીઓને રૂ. 8 કરોડના સહાય ચેક ડીબીટી તહેત લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરાવવાનો પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અગાઉ કોંગ્રેસની સરકારોએ અન્ય પછાતવર્ગો ઓ.બી.સી.ના ઉત્કર્ષ ઉત્થાન માટે કોઇ ધ્યાન જ ન આપીને ઉપેક્ષિત રાખ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય પછાત વર્ગોના ઉત્કર્ષ માટે ઓ.બી.સી. આયોગની રચના કરવાની પહેલ કરીને અટલ બિહારીજીના ‘ચલો જલાયે દિપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ’ને સાકાર કર્યુ છે તેવો મત તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે ‘ગરીબી હટાવો’ના માત્ર નારા આપનારી કોંગ્રેસે ગરીબોને ઠેરના ઠેર રાખ્યા. ભારતીય જનતા પાર્ટીએ સાચ અર્થમાં ગરીબ વર્ગોની ચિંતા કરીને આયુષ્યમાન ભારત, કિસાન સન્માન નિધિ, સૌભાગ્ય યોજના, ઉજજવલા યોજનાથી કરોડો પરિવારોના ઘરમાં આર્થિક ઊજાસના દિવડા પ્રગટાવ્યા છે.
મુખ્યમંત્રીએ ગરીબોને પોતીકું ઘર મળે અને 2022 સુધીમાં હરેકને આવાસ મળી રહે તે માટે PMAY, ઘર ઘર શૌચાલય સાથે બચ્ચોકો પઢાઇ, બૂર્ઝૂગો કો દવાઇ અને કિસાનો કો સિંચાઇનો વિકાસ પથ ગુજરાતે કંડાર્યો છે તેની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ નિગમના ઉપક્રમે લોન-સાધન સહાય મેળવીને આત્મનિર્ભર-પગભર થઇ રહેલા લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે, અગાઉના સમયમાં આવી લોન-સાધન સહાય મેળવવામાં કે નાનકડું અમથું સિલાઇ મશીન લોનથી લેવામાં વચેટિયાને ભોગ ધરાવવો પડતો. આ સરકારે જડબેસલાક વ્યવસ્થા ગોઠવીને એક પણ ખોટો લાભાર્થી લઇ ન જાય અને સાચો રહી ન જાય તેની તકેદારી સાથે ઓનલાઇન અરજી, ઓનલાઇન એપ્રુવલ અને ઓનલાઇન બેન્ક એકાઉન્ટ પેમેન્ટની પારદર્શી વ્યવસ્થા વિકસાવી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત સૌ જરૂરતમંદ વ્યકિત-પરિવારોની આંગળી ઝાલી આધાર આપવા પ્રતિબધ્ધ છે. તેમણે ગરીબ કલ્યાણ મેળાની સફળતા વર્ણવતા એમ પણ કહ્યું કે, ગરીબોને સાધન-સહાય અમે લાખો લોકોની વચ્ચે જાહેરમાં આપીને વચેટિયા પ્રથા નાબૂદ કરી છે.