For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષા આગામી 6 જાન્યુઆરી યોજાશે

- ઉમેદવારોને પરીક્ષામાં આવવા-જવા વિનામૂલ્યે ST મુસાફરી સુવિધા અપાશે

- લોકરક્ષક ભરતી બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોને નવા કોલ લેટર્સ ઇસ્યુ કરશે

Updated: Dec 6th, 2018

Article Content Imageગાંધીનગર, તા. 6 ડિસેમ્બર 2018, ગુરુવાર

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે તા. 2 ડિસેમ્બર 2018ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના 8.75 લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો. 

રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી રીતે-ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો. 

રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. 6 જાન્યુઆરી 2019 રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા જવા-આવવા ST બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જે જાહેરાત કરી હતી તેનો પણ આગામી તા.6 જાન્યુઆરી 2019ના યોજાનાર પરીક્ષામાં અમલ કરવામાં આવશે તેમ વિકાસ સહાયે ઉમેર્યુ હતું. 

મુખ્યમંત્રીએ પેપર લીક થવાના મામલે ગત તા. 2 ડિસેમ્બર 2018ના યોજાનાર પરીક્ષા મુલત્વી રાખીને હવે, નિર્દોષ-હોશિયાર-ઇમાનદાર યુવા ઉમેદવારોને પુરતી તક મળે અને સૌ ઉમેદવારો ખંતથી આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય તેવો ધ્યેય પણ આ નવી પરીક્ષા જાહેર કરવા પાછળ રાખેલો છે એમ પણ ભરતી બોર્ડ અધ્યક્ષે જણાવ્યું છે. 

વિકાસ સહાયે એમ પણ જણાવ્યું છે કે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇસ્યુ કરવામાં આવશે.

Gujarat