રાજકોટ સિવિલમાં ફાયર ઓડિટના બીજા દિવસે ઓપીડી વિભાગમાં આગ
- ઓ.પી.ડી.શરુ નહીં થઈ હોવાથી ઈજા કે નાસભાગ નહીં
- સિવિલ અધિક્ષકે રાત્રે 12 થી 2.30 હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું : ચોકીદારે મહિલા અધિક્ષકને ઉધ્ધતાઈથી પુછતા શિસ્તના પાઠ શિખવાડાયા
રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જ્યાં દૈનિક ૩થી ૪ હજાર દર્દીઓની ઓ.પી.ડી.રહેતી હોય છે ત્યારે આજે ઓ.પી.ડી.વિભાગના બીજા માળે સાઈકીયાટ્રીસ્ટ વિભાગમાં આવેલા વિન્ડો એરકન્ડીશનરમાં આગ ભભુકી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સિવિલમાં ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા સતત બે દિવસ ફાયર ઓડિટ કરવામાં આવ્યું હતું ત્યારે આજે જ વાસ્તવિક આગ લાગતા સ્ટાફની સજ્જતાની ચકાસણી થઈ હતી. બીજી તરફ, સિવિલમાં લાંબા સમય મધ્યરાત્રિના કામગીરીનું ચેકીંગ હાથ ધરાયું હતું.
ફાયરબ્રિગેડ અને હોસ્પિટલના સૂત્રો અનુસાર આગ લાગ્યાના ખબર મળતા ઓ.પી.ડી.વિભાગની બીજી બારીના કાચ તોડીને અંદર જઈને આગ બુઝાવાઈ હતી. હોસ્પિટલ સ્ટાફે ફાયર સાધનોનો ઉપયોગ કર્યો હતો. સવારે હજુ ઓપીડી શરુ થઈ નહીં હોવાથી કોઈ નાસભાગ કે ઈજા થઈ નથી તેમ જણાવાયું છે.
દરમિયાન, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મોનાલી માંકડીયા અને નાયબ અધિક્ષક ડો.હેતલ કિયાડા દ્વારા રાત્રિના ૧૨થી ૨.૩૦ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કેવી સ્થિતિ હોય છે તેનું ચેકીંગ કરતા મહિલા અધિક્ષકને નહીં ઓળખતા ચોકીદારે એ...ય બહેન ક્યાં જવુ છે તેમ ઉધ્ધત ભાષામાં પુછતા ચોકીદારોને શિસ્તના પાઠ ભણાવીને કોઈ પણ આંગતુક સાથે વિવેકથી વાત કરવા જણાવાયું હતું. હોસ્પિટલમાં કેટલાક સ્થળે ગંદકી જણાઈ હતી જે સફાઈ કરવા સૂચના અપાઈ છે. કેટલાક રેસીડેન્ટ તબીબો કે જેમને હોસ્ટેલ ફાળવાઈ છે તેઓ આશ્ચર્યજનક રીતે ત્યાં જ સુતેલા નજરે પડયા હતા જેમને નિયત સ્થળે જ સુવા જવા જણાવ્યું હતું.