તલોદના નમસ્કાર મંડળીના થાપણદારોએ રકમ પરત મેળવવા માટે સાંસદને આવેદન
- ન્યાય માટે રઝળપાટ કરતા થાપણદારો, કૌભાંડીઓ બિન્દાસ
- એલસીબીએ 34 પૈકી 2 જ આરોપીની ત્રણ મહિનામાં ધરપકડ કરતા રોષ : એલસીબીની તપાસ સામે સવાલો
તલોદ, તા. 26 સપ્ટેમ્બર,
2020, શનિવાર
તલોદની નમસ્કાર સહકારી
શરાફી મંડળીમાં રૂ. ૧૩ કરોડથી વધુની ગેરરીતિ મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ
નોંધાયા બાદ એલસીબીને તપાસ સોંપાઈ હતી. એલસીબીએ ૩૪ પૈકી બે આરોપીની ધરપકડ કરી હતી.
બાદમાં તપાસ મંથરગતિએ ચાલતા થાપણદારો મુંઝવણમાં મુકાયા હતા.
જેના પગલે થાપણદારોએ રકમ પરત મેળવવા અને ન્યાય
આપવા માટે સાબરકાંઠા સાંસદને આવેદનપત્ર આપ્યું છે. જોકે સાંસદે રાજ્ય અને રેન્જ
આઈજીને રજૂઆત કરવાની હૈયાધારણ આપી હતી.
૧૪ ડિસેમ્બર ૧૯૯૬માં
અરમાનો સાથે પ્રસ્થાપિત કરવામાં આવેલી તલોદ ખાતેની ધી નમસ્કાર સહકારી શરાફી
મંડળીના શટર તા. ૩-૧૧-૨૦૧૮ના રોજ પાડી દેવાની નોબત આવતાં થાપણદાર ગ્રાહકો નોંધારા
બની ગયા છે. આખા જીવનની, આખા
પરીવારની લોહી-પસીનાની કમાણી આ મંડળીમાં મુકીને ડબલ વ્યાજ મેળવવાની લાલચ આજે તેમને
અને તેમના પરિવારજનોને નિરાંતની ઉંઘ પણ લેવા દેતી નથી. આ રોકાણકારોમાં રાજકીય
હસ્તીથી માંડીને પાઈ પાઈ એકઠી કરી બચત કરનારો ગરીબ, મધ્યમ
અને શ્રમજીવી વર્ગ છે. ભણેલા-ગણેલા થાપણદારો અને વેપારી-નોકરીયાત થાપણદારો પણ અહીં
નાણાં મુકીને ભારે થાપ ખાઈ ગયા છે. જેઓ નમસ્કાર મંડળીમાં મુકેલા નાણાં પરત મળે
તેવી આશા સાથે ચાતક આંખે મીટ માંડીને બેઠા છે. જેને બે વર્ષ જેટલો સમય થવા આવ્યો
છે... !
નમસ્કાર મંડળીના
વહિવટમાં 'વાળ ચીભડાં ગળે'
અને 'દલા તરવાડીની દંતકથા' જેવો વહિવટ કેટલાક લોકોએ કરીને કંઈ કેટલાય પરીવારના હોઠ પાસેથી કોળીઓ
છીનવી લીધો છે. નાણાંકીય કૌભાંડ બાદ મંડળીએ શટર પાડી દીધા પછી લાંબા સમયે જિલ્લા
રજીસ્ટ્રારએ મંડળીના વહિવટદાર તરીકે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની
નિમણૂક કરતાં આ બેંક તરફથી આર.કે. પટેલ એ નમસ્કારનો ચાર્જ સંભાળી લઈને તપાસ જારી
રાખતાં અનેક ગોટાળા સપાટી ઉપર તરી આવતાં આખરે મંડળીના મનાતા કેટલાક કસૂરવારો સામે
પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં રીઢા બાકીદારો અને જે તે સમયના મંડળીના
ચેરમેન - વા.ચેરમેન, એમ.ડી. અને ડિરેક્ટરો તથા મેનેજર સામે
આરોપો મુકવામાં આવેલ છે.
૩૪ પૈકીના ૨ આરોપી મહેશ
મહેતા અને પ્રતિક (પૂનમ) મહેતા (બાપ-દિકરા)ને તલોદ પોલીસે ફરિયાદ બાદ તરત જ તલોદ
ખાતેના તેઓના નિવાસ સ્થાનેથી અટકાયત કરી લીધી હતી. અન્ય માત્ર એક આરોપી ચિન્મય
શાહને અમદાવાદ ખાતેથી એલસીબીએ અટકાયત કરી હતી. બાદ લાંબા સમયગાળાથી એક પણ સાચા
આરોપીની ધરપકડ સાબરકાંઠા એલસીબીએ નહીં કરતાં એલસીબી અનેક આશંકાના દાયરામાં આવી ઉભી
છે. અદ્યતન ટેકનોલોજીના આ યુગમાં કસૂરવારોને જિલ્લા કક્ષાની પોલીસ પકડવામાં નિષ્ફળ
રહે ? તે વાત આસાનીથી લોકોના ગળે ઉતરતી નથી. આમ
કેમ બન્યું ? તે તટસ્થ તપાસનો વિષય બની ચૂક્યું છે.
હાલ તો બધી બાજુથી
થાપણદારોની હાલત 'બાઈ બાઈ
ચાયણી' જેવી કફોળી અને દયનીય બની છે. તંત્ર તાકીદે તપાસ કરી
કસુરવારને ઝડપી લઈ, ન્યાયીક પ્રણાલી અન્વયે મિલ્કતો જપ્ત
કરીને કે અન્ય રીતે નાણાં મેળવી નાના બચતકારો, ગરીબ-મધ્યમવર્ગના
બચતકારો અને મહિલા બચતકારોના નાણા પરત મળે તે દિશામાં યોગ્ય કરે તે માટે સાંસદ,
ધારાસભ્ય, ડીએસપી, મામલતદાર
અને એલસીબી સમક્ષ ન્યાય માટેની રાવ નાંખી છે.