દાંતીવાડા ,સિંપુ , મુક્તેશ્વર ડેમ તળીયા ઝાટક
- બનાસકાંઠામાં 10 ઇંચથી વધુ વરસાદ પરંતુ રાજસ્થાનમાં વરસાદ ન હોવાથી
પાલનપુર તા.30 જુલાઈ 2019, મંગળવાર
બનાસકાંઠાની જીવાદોરી સમાન ત્રણ ડેમોની સ્થિતિ વરસાદી વાતાવરણ વચ્ચે પણ વિકટ બની છે. સરહદી વિસ્તારમાં પડતાં વરસાદની કોઇ જ અસર આ ડેમો પર પડી નથી જેને લઇ બનાસકાંઠામાં ધીમેધીમે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિની ટાળવા લોકોએ શિવજીને પાણીમાં ડુબાડયા, ઢુંઢીયાબાપજી પર જળાભિષેક કરાયો તેમજ સત્યનારાયણની કથાઓ કરાઇ પરંતુ વરસાદ નથી વરસી રહ્યો જેને લઇ ડેમોના તળિયા ઝાટક થયા છે. સમગ્ર ઉત્તર ગુજરાતના ચાર ડેમોમાં પણ ૭૦૦ થી વધુ ગામો ચોમાસામાં પાણીની મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે.બનાસકાંઠાના વાવ, અંબાજી, અમીરગઢ સહિતના પંથકમાં સરેરાસ ૧૦ ઇંચ જેટલો વરસાદ પડયો છે. હજુ પણ અનેક ગામોમાં ગોઠણડુબ પાણી ભરાયા છે. પરંતુ રાજસ્થાનમાં વરસાદ ન હોવાથી આ ડેમોની સ્થિતિ કંગાળ છે.
બનાસકાંઠાના ગતવર્ષ ચોમાસામાં વરસાદ નહીવત પડતા જિલ્લામાં પાણીની તંગી જોવા મળી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણી મેળવવા દુર-દુર સુધી રઝળપાટ કરતા જોવા મળ્યા હતા. અને આશા રાખી રહ્યા હતા કે આ વર્ષે વરસાદ સારો રહેશે પરંતુ જુલાઇ માસ પુરો થવા આવ્યો હોવા છતા જિલ્લામાં આગામી સમયમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે. ચોમાસુ અડધું ચાલી ગયું હોવા છતાં જિલ્લાના ત્રણેય ડેમોના તળિયા ઝાટક થઇ રહ્યા છે. બનાસકાંઠાના દાંતિવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણી તળિયે આવ્યા છે. સમગ્ર બનાસકાંઠાને પાણી પુરૂ પાડતો દાંતીવાડા ડેમમાં સિંચાઇ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે સ્વરૂપ ગંજનો ડેમ ઓવરફલો થાય તો દાંતીવાડા ડેમ ભરાય બીજી બાજુ અંબાજી સહિતના વિસ્તારમાં વધુ વરસાદ પડે તો ભરાય પરંતુ હાલ વરસાદી પાણી ન આવતા બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના તળિયા દેખાયા છે. તો બીજી તરફ સિપુ ડેમની પણ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
અત્ર ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ચોમાસુ અત્યારે જામ્યું છે. જેમાં વાવ પંથકમાં જાણે વાદળ ફાટયું હોય તેમ ૧૦ ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો છે. ગામમાં બે દિવસ બાદ પણ ગોઠણડુબ પાણી છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. વાવ જેવી જ હાલત અમીરગઢ અને અંબાજીની છે. પરંતુ પાણી પુરૂ પાડતા ડેમોમાં એક ટીપુ પાણીની આવક થઇ ંનથી. જેનું મુખ્ય કારણે એ છેકે ડેમોના ઉપરવાસ એટલેકે રાજસ્થાનમાં સાબલેધાર વરસાદ પડે તો તે પાણી બનાસકાંઠાના ડેમોમાં આવે તેવી સ્થિતિ છે. હાલ રાજસ્થાનના ઉપર વાસમાં વરસાદ નથી. જે થી મહત્વના ડેમો કોરા રહી ગયા છે. રાજ્ય સરકાર ના સિચાઇ વિભાગની થોડીક અણઆવતર હોવાથી આ પાણી ડેમોમાં લઇ જઇ શકાય તેવી કોઇ વ્યવસ્થા કરાઇ નથી. કે આવી કોઇ વ્યવસ્થા થાય તેવી ભવિષ્યમાં કોઇ શકયતા દેખાતી નથી. આમ વરસાદે બનાસકાંઠાને ધમરોડીયું પરંતુ માનવીય ભુલાના લીધે સિચાઇ કે પીવાના પાણી માટે લોકોને હજુ પણ વલખા મારવા પડ શે.
ચોમાસુ અડધુ થવા આવ્યું છતાં પણ ડેમોમાં પાણી નથી ઃ સ્વરૂપ ગંજનો ડેમ ઓવરફલો થાય તો દાંતીવાડા ડેમ ભરાય ઃ ૭૦૦ ગામો ઉપર હજુ ખતરો
ચારથી પાંચ ફુટ પાણી ડેમમાં ભરાય તો સમસ્યા હલ થાય
બનાસકાંઠાના દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર આ ત્રણેય ડેમોમાં પાણી ચારથી પાંચ ફુટ ભરાય તો પીવાના પાણીની તકલીફ ઓછી થાય તેવું સિંચાઇ વિભાગે જણાવ્યું હતું.
એક મહિનામાં ડેમોમાં પાણી કેટલું ઘટયું?
મુક્તેશ્વર ડેમ-૧.૨૩૮ એમસીએમ
દાંતીવાડા ડેમ-૨૨.૫૭ એમસીએમ
સીપુ ડેમ- ૨.૨૫ એમસીએમ
દાંતીવાડા ડેમમાં પાણી ક્યાંથી આવે છે
રાજસ્થાનનો સ્વરૂપગંજનો ડેમ ભરાય ઓવરફલો થાય તો ત્યાંથી પાણી આબુરોડ અને આવે અને ત્યાંથી અમીરગઢ, ઇકબાલગઢ થઇને પાણી દાંતીવાડા ડેમમાં આવે તેજ પ્રમાણે બાલારામ નદી, અંબાજીમાં વધુ વરસાદ પડે તો પાણી આવે ઉત્તરમાં વરસાદ પડતાં વિષેશ્વર ચેકડેમ સુધી પાણી આવે તો દાંતીવાડા ડેમ ભરાઇ શકે છે.
ક્યાંથી ડેમમાં કેટલા ટકા પાણી બચ્યું
(મહીના પહેલા ડેમોમાં પાણી કેટલું હતું)
મુક્તેશ્વર ડેમ - ૩.૪૯૭ એમસીએમ
દાંતીવાડા ડેમ- ૨૬.૨૦૭ એમસીએમ
સીપુ ડેમ- ૧૧.૧૫ એમસીએમ
(હાલની સ્થિતિ)
મુક્તેશ્વર ડેમ - ૨.૨૫૯ એમસીએમ
દાંતીવાડા ડેમ-૨૨.૫૭ એમસીએમ
સીપુ ડેમ- ૮.૯ એમસીએમ