ઉવારસદ ગામે જમીનની તકરારમાં પિતરાઈ ભાઈનો ભાઈ ઉપર હુમલો
- ગાંધીનગર શહેર નજીક આવેલા
- યુવાનની માતાને પણ મારી : ઝઘડો જોવા વચ્ચે આવેલી મહિલાને છુટું કુકર વાગ્યું : અડાલજ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં ગઈકાલે સાંજના સમયે જમીન મામલે ચર્ચા કરવા બોલાવીને પિતરાઈ ભાઈએ ભાઈ અને તેની માતા ઉપર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં ઝઘડો જોવા વચ્ચે આવેલી મહિલાનો છુટું કુકર પણ વાગ્યું હતું. આ મામલે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક વાવોલ પુન્દ્રાસણ રોડ ઉપર ઉવારસદ ગામની સીમમાં રહેતા મનીષજી રમણજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના સમયે તેમના કાકાના દીકરા અક્ષયજી બુધાજી ઠાકોરનો ફોન આવ્યો હતો અને તું અમારી હોટલ ઉપર આવ આપણે જમીન બાબતે ચર્ચા કરવાની છે તેમ કહ્યું હતું. જેના પગલે મનીષજી તેના માતા-પિતા ભાઈ અને પત્ની સાથે લગ્ન પ્રસંગ પૂરો કરીને અક્ષયજી ઠાકોરના ઘરે ગયા હતા. આ દરમિયાન અક્ષયજી અને તેની પત્ની ઘરે હાજર હતા. અક્ષયજીએ જમીન બાબતે વાતચીત કરી હતી અને એકદમ ઉશ્કેરાઈ જઈને મનીષજીના માતા પિતા સાથે ગાળા ગાળી કરી હતી અને કહ્યું હતું કે જમીનની મેટરમાં તમો પહેલા ટાઈટલમાં સહી કરો નહીં તો જોવા જેવી થશે. જેથી મનીષજીએ કરારમાં વિભાજન પહેલા પૈસા આપવાની અને પછી સહી કરવા કહ્યું હતું. જોકે અક્ષયજીએ મનીષની માતા સાથે ઝપાઝપી કરી હતી અને તે વચ્ચે છોડાવવા પડતા મારામારી થઈ હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા કૈલાસબેન કાંતિજી ઠાકોર ઝઘડો જોવા આવ્યા હતા તે દરમિયાન અક્ષયજીએ હાથમાંથી કુકર છૂટું મારતા આ કૈલાસબેનને વાગ્યું હતું તેણે ધમકી આપી હતી કે, આજે તો જીવતા જવા દઉં છું પણ જમીનની મેટરમાં કોઈ મગજમારી કરી તો જીવથી હાથ ધોવા પડશે. હાલ આ મામલે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.