Get The App

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : અમદાવાદ જિલ્લાની 2,70,000 ચો.મી. જમીન સંપાદિત

Updated: Mar 21st, 2022


Google NewsGoogle News
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : અમદાવાદ જિલ્લાની 2,70,000 ચો.મી. જમીન સંપાદિત 1 - image


- ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદન પેટે 7,279 કરોડ ચૂકવાયા

- હજી 7,203 ચો.મી. જમીન સંપાદન બાકી, જમીનધારકોને રેલવે વિભાગે 1,108 કરોડ વળતર ચૂકવ્યું છે

ગાંધીનગર : અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લાના પાંચ તાલુકાની જમીન સંપાદન કરવામાં આવી છે. આ જમીનનું ક્ષેત્રફળ ૨૭૧૫૧૭ ચોરસમીટર જેટલું થાય છે. જો કે હજી ૭૨૦૩ ચોરસમીટર જમીન સંપાદન કરવાની બાકી છે.

બુલેટ ટ્રેનમાં જે તાલુકાઓની જમીન સંપાદન થઇ છે તેમાં ઘાટલોડિયા, દસક્રોઇ, સાબરમતી, વટવા અને અસારવાનો સમાવેશ થાય છે. સૌથી વધુ ૧૦૪૪૩૯ ચોરસમીટર જમીન સંપાદન ઘાટલોડિયામાં થયું છે. આ જમીન પેટે જમીન ખાતેદારોને રેલવે વિભાગે ૧૧૦૮.૪૫ કરોડ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે.

આજે વિધાનસભામાં પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નો પૈકી બુલેટ ટ્રેન માટે વડોદરા જિલ્લાના વડોદરા, પાદરા, વડોદરા શહેર અને કરજણ તાલુકામાં કુલ ૧૦૪૫૪૬૨૨ ચોરસમીટર જમીન સંપાદન કરવામાં આવી છે. આ રકમ પૈકી ૮૮૨.૭૯ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

ખેડા જિલ્લાના ખેડા, મહેમદાવાદ, નડીયાદ, વસો અને માતર તાલુકાની ૯૯૦૦૯૭ ચોરસમીટર જમીન સંપાદન થઇ છે. આ જમીન પેટે ખાતેદારોને ૩૦૬.૦૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એવી જ રીતે નવસારી જિલ્લાના નવસારી, ગણદેવી, જલાલપોર અને ચીખલી તાલુકાની ૮૧૩૮૨૫ ચોરસમીટર જમીન સંપાદન કરવામાં આવી છે. આ જમીન પેટે ૪૧૬.૦૨ કરોડ વળતર આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદન પૂર્ણ...

ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ થયું છે પરંતુ મહારાષ્ટ્રમાં હજી અધુરૂં છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી એવી ૯૯૩.૪ ટકા જમીન સંપાદન કરવામાં આવી છે. રાજ્યમાં કુલ ૭૩૬ હેક્ટર ખાનગી જમીન સંપાદન કરવાની હતી. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે ૩૧મી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં પ્રોજેક્ટ અફેક્ટેડ ૬૧૧૦ લોકોને જમીન વળતર તરીકે ૫૭૦૭ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

ગુજરાતની જેમ દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશમાં ૭.૯ હેક્ટર જમીન સંપાદનનું કામ ૧૦૦ ટકા પૂર્ણ થયું છે પરંતુ મહારાષ્ટ્રમાં હજી ૨૪ ટકા જમીન સંપાદન કાર્ય બાકી છે. પાડોશી રાજ્યમાં આ પ્રોજેક્ટ માટે ૩૩૬ હેક્ટર ખાનગી અને સરકારી જમીન પૈકી ૩૧મી જાન્યુઆરી સુધીમાં કુલ ૨૫૬ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. આ જમીનમાં ૫૬.૧૩ હેક્ટર સરકારી જમીન છે. મહારાષ્ટ્રના ૧૫૭૨ અસરગ્રસ્તોને ૨૦૧૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે.


Google NewsGoogle News