બોટાદ : કુટુંબીજનો સાથેના ઝઘડામાં લાગી આવતા મહિલાએ ફિનાઈલ પીધું

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News


- મહિલા ખરખરો કરીને ઘરની બહાર નિકળ્યા ત્યારે બનેલો બનાવ

- મહિલાને, બન્ને જેઠાણીને, ભત્રીજાને માર મારી ધમકી આપ્યાની મહિલા છ વિરૂદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ 

ભાવનગર : બોટાદમાં રહેતા મહિલા ખરખરાના કામે નણંદ-નણદોઈ સાથે ગયા હતા તે દરમિયાન તેમના કુટુંબીજનો સાથે બોલાચાલી થતા મહિલા સહિત ચારે માર મારી ગાળો આપી ધમકી આપતા આ વાતનું મહિલાને લાગી આવતા ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  

 આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર બોટાદના નાગલપરના દરવાજા પાસે આવેલ વાલ્મિકીવાસ ખાતે રહેતા સોનલબેન સુરેશભાઈ વાઘેલા તથા નણંદ પારૂલબેન અને નણંદોઈ કૃણાલભાઈ, કુટુંબી દીપકભાઈ ભવાનભાઈ વાઘેલાના ઘરે તેઓના મોટાભાઈ સોમાભાઈ અવસાન પામેલ હોય ત્યાં ખરખરો કરવા માટે ગયા હતા. ખરખરો કરીને ઘરની બહાર નિકળતા દિપકભાઈ વાઘેલા તથા તેના ભત્રીજા વિનોદ ઉર્ફે કાળુ કાંતિભાઈ વાઘેલાએ આવી સોનલબેનને કહેલ કે, 'કેમ મારા ઘરે આવો છો ? તમારે મારા ઘરે આવવું નહીં' તેમ કહી સોનલબેનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. સોનલબેનને બચાવવા તેમના જેઠાણી સજ્જનબેન તથા ભત્રીજો પ્રહર્ષી વચ્ચે પડતા દીપકભાઈએ સજ્જનબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ વિનોદે પ્રહર્ષીને સાથળના ભાગે પાઈપનો ઘા માર્યો હતો. આથી સોનલબેને દેકારો કરતા બચાવવા જેઠાણી ચંદ્રિકાબેન આવ્યા હતા. આ બનાવનું ઉપરાણું લઈ પાછળથી નિલેશ લાકડી લઈ તથા જીતુ તથા સાહિલ તથા રીટાબેન ત્યાં આવ્યા હતા. નિલેશે ચંદ્રિકાબેનને લાકડી વતી મારા મારવા લાગેલ અને અન્ય શખ્સોએ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વાતનું સોનલબેનને લાગી આવતા ઘરેથી ફિનાઇલ લાવી થોડું ફિનાઈલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ બનાવ સંદર્ભે સોનલબેને બોટાદ પોલીસ મથકમાં દીપકભાઈ ભવાનભાઈ વાઘેલા, વિનોદભાઈ ઉર્ફે કાળુભાઈ કાંતિભાઈ વાઘેલા, નિલેશભાઈ સોમાભાઈ વાઘેલા, જીતુભાઈ કાંતિભાઈ વાઘેલા, સાહિલભાઈ જીતુભાઈ વાઘેલા અને રીટાબેન જીતુભાઈ વાઘેલા સહિત છ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ.કલમ ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News