Get The App

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ 1 - image


Ambaji Temple Devotees Number Drop Reality Check : શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું સમાપન થયું. જેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા. પરંતુ આ વર્ષે એવી વાત સામે આવી છે કે, ગત વર્ષની સરખામણીએ યાત્રિકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે અંદાજિત 18 લાખ જેટલા યાત્રિકો ઘટ્યા છે.  યાત્રિકોની સાથે ધ્વજા રોહણની સંખ્યા, ભોજન પ્રસાદ, મોહનથાળ પ્રસાદ પેકેટ, ચીકી પ્રસાદ પેકેટના વેચાણ અને ભંડાર-ગાદી અને સોનાની આવક પણ ઘટી છે. પરંતુ તેના કારણોની તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ 2 - image

યાત્રિકોના આંકડો તો માત્ર દેખાડો!

આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ થઈ ગઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં કંઈક નવી જ માહિતી સામે આવી છે. સૂત્રોના અનુસાર, ગત વર્ષે 45 લાખ યાત્રિકો પૂનમના મેળામાં આવેલા જ નહોતા. માત્ર આંકડા વધારીને દર્શાવાયા હોવાનો દાવો છે. આ આંકડા માત્ર પ્રચાર-પ્રસાર હતો. અંબાજી માત્ર 20 હજારની વસ્તી ધરાવતું ગામ છે. અંબાજીમાં અંદાજિત 250 જેટલી હોટલ અને ગેસ્ટહાઉસ આવેલા છે. ત્યારે ગત વર્ષે 45 લાખ અને આ વર્ષે 27 લાખ યાત્રિકો માટે આટલા નાના ગામમાં રહેવાની સગવડ કઈ રીતે થઈ શકે તે એક મોટો સવાલ છે. બીજી માહિતી એવી પણ સામે આવી રહી છે કે, આ વર્ષે પહેલીવાર ઉમિયાધામ ઉંઝામાં પણ ભાદરવી પૂનમના મેળાની તારીખો દરમિયાન જ એટલે કે 12થી 18 સપ્ટેમ્બર દરમિયાન મેળાનો અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેના કારણે પાટીદારો મોટી સંખ્યામાં ઉંઝા ગયા હોવાથી અંબાજીમાં યાત્રિકોની સંખ્યામાં અસર જોવા મળી.

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ 3 - image

મંદિરની મુખ્ય આવક દાન કે પ્રસાદ?

જગવિખ્યાત મા અંબાના ધામમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે અને તેઓ માતાજીના ચરણોમાં દિલ ખોલીને દાન ધરતા હોય છે. તો કેટલાક ભક્તો માતાજીના ચરણોમાં સોનાનું દાન પણ કરે છે. પરંતુ મંદિરની મુખ્ય કમાણી આ દાન નથી. સૂત્રોના દાવા પ્રમાણે, અંબાજી મંદિરની મુખ્ય આવક ભક્તોના દાન કરતાં પ્રસાદથી થતી કમાણી છે. એક અંદાજ લગાવીને સમજીએ તો જો મંદિરને 10 કરોડની આવક થઈ હોય તો તેમાં 7 કરોડ પ્રસાદના હોય છે, જ્યારે 3 કરોડની આવક દાન પેટીમાંથી થતી હોય છે. 

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ 4 - image

દાન ઘટવા પાછળ અનોખું કારણ

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દાનમાં ઘટાડો જોવા મળ્યો છે. દાન ઘટવા પાછળ એવો દાવો કરાઈ રહ્યો છે કે, ભક્તોની ભીડમાં દાન પેટીઓ લોકોની નજરમાં આવી ન હતી. મુખ્ય અને મોટી દાન પેટીઓની પાસે પાટ કે બેરિકેડ મૂકાયા હતા, જેના કારણે લોકો દાન ભંડાર સુધી પહોંચી શકતા જ નહોતા. વીવીઆઈપી લોકો આવતાં-જતાં હોવાથી મૂકાયેલા બેરિકેડના કારણે દાન ભંડાર લોકોથી દૂર થયા. મહત્ત્વનું છે કે, ગત વર્ષે રૂપિયા 6.89 કરોડની આવક ભંડાર-ગાદી-ભેટ કાઉન્ટરથી થયેલી હતી જ્યારે આ વખતે છ દિવસમાં રૂપિયા 2.28 કરોડની આવક થઈ છે. સોનાનું દાન ગત વર્ષે 520 ગ્રામ હતું જ્યારે આ વખતે અત્યાર સુધી 29 ગ્રામ છે. 

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ 5 - image

'વિવાદિત પ્રસાદ'નું વેચાણ પણ ઘટ્યું

શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી હોવાનો અહેસાસ થતાં તંત્રએ ગઈકાલથી એટલેકે 17 સપ્ટેમ્બરથી જ પ્રસાદ બનાવવાનું બંધ કરી દીધું હતું. એક અંદાજ પ્રમાણે, એક ઘાણમાં 325 કિલો પ્રસાદ બને છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટાભાગે એક હજાર ઘાણ જેટલો પ્રસાદ બને છે. એટલે કે 3 લાખ 25 હજાર કિલો પ્રસાદ તૈયાર થાય છે. પરંતુ આ વર્ષે માત્ર 731 ઘાણ જ પ્રસાદ બન્યો છે. એટલે કે બે લાખ 37 હજાર 575 કિલો પ્રસાદ જ બન્યો છે. જણાવી દઈએ કે, આ વર્ષે મંગળવાર સુધીમાં અંબાજીમાં ભોજન પ્રસાદ કરનારા કુલ યાત્રિકો 4.41 લાખ થયા છે. 16.61 લાખ મોહનથાળ પ્રસાદ પેકેટનું જ્યારે 30366 ચીકી પ્રસાદ પેકેટનું વિતરણ થયું છે. આમ, મોહનથાળ પ્રસાદ કરતાં ચીકી પ્રસાદ પેકેટ વિતરણનું પ્રમાણ પાંચ ગણું ઓછું છે. ગત વર્ષે 18.41 લાખ મોહનથાળ પેકેટ પ્રસાદ પેકેટનું વિતરણ થયેલું હતું.  

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ 6 - image

અંબાજીના પ્રસાદને લઈને ભૂતકાળમાં વિવાદ થઈ ચૂક્યો છે. મોહનથાળ બનાવનાર કોન્ટ્રાક્ટર, તેનું ટેન્ડર સહિતનો વિવાદ ચર્ચામાં રહ્યો હતો. ગત વર્ષે અંબાજી યાત્રાધામમાં ભાદરવી પૂનમના મેળા માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવા માટે જે ઘી મંગાવવામાં આવ્યું હતું તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું. ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ કરતાં ઘીમાં ભેળસેળ હોવાનું સાબિત થયું હતું. જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો. લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ વિવાદ બાદ મોહિની કેટરર્સનુ ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું.

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ 7 - image

આ વખતે કેમ સંખ્યા ઓછી બતાવાઈ?

ગત વર્ષના યાત્રિકોની સંખ્યાનો આંકડો તો સાવ ખોટો જ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ આ વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા યાત્રિકોની સંખ્યા શા માટે વધારે ના દર્શાવાઈ તેની માહિતી પણ સામે આવી રહી છે. તેની પાછળનું એ કારણ હોઈ શકે કે, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે રાજ્યના મહત્ત્વના અને પ્રતિષ્ઠિત મંદિરોના આંકડાં જાહેર કર્યા હતા જેને લઈને વિવાદ થયો હતો. રાજ્યના અંબાજી સહિતના 12 જેટલા પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી એવું જાહેર કરાયું હતું. તો બીજી તરફ યાત્રાધામ વિકાસ બોર્ડ પાસે પણ યાત્રાળુઓની સંખ્યાની ગણતરી માટે કોઈ સિસ્ટમ નથી. ત્યારે પ્રવાસન વિભાગે આ આંકડાની ગણતરી કઈ પદ્ધતિથી, ક્યાંથી અને કયા આધારે કરવામાં આવી છે, તેની કોઈ સચોટ અધિકૃત માહિતી પૂરી પાડવામાં આવી ન હોવાથી સવાલો ઊભા થયા હતા. આ વિવાદ બાદ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોનો સાચો આંકડો મેળવવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. આમ, ગત વર્ષ કરતાં આ વર્ષે અંબાજી મંદિરે આવેલા યાત્રિકોનો સાચો આંકડો સામે આવ્યો હોઈ શકે છે.

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ 8 - image

અત્રે ઉલ્લેખનીય છે કે, શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મેળામાં મંગળવાર સુધી કુલ યાત્રિકોનો આંક 26.92 લાખ નોંધાયો છે. મંગળવારે વઘુ 280 સાથે કુલ 2781 ધ્વજારોહણ થયા છે. ગત વર્ષે કુલ 3377 ધ્વજારોહણ થયેલા હતા. એસ.ટી. બસમાં કુલ 4.39 લાખ મુસાફરો નોંધાયા છે. જેમાં મંગળવારના 81682 મુસાફરોનો સમાવેશ થાય છે. બસની કુલ સંખ્યા 10036 નોંધાઈ છે. આમ, પ્રત્યેક બસ ટ્રીપમાં સરેરાશ 44 મુસાફરો હોય છે. 

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યાની સાથે દાનમાં પણ ઘટાડો, જાણો શું છે તેના કારણ 9 - image


Google NewsGoogle News