Get The App

પૂર્વ પત્નીનું અપહરણ કરનાર શખ્સ સહિત કુલ આઠ આરોપી ઝડપાયા

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
પૂર્વ પત્નીનું અપહરણ કરનાર શખ્સ સહિત કુલ આઠ આરોપી ઝડપાયા 1 - image


- ભાડલાના કમળાપુર ગામમાંથી ત્રણ દિવસ પહેલા

- ગુનામાં વપરાયેલી બે કાર, છરી અને મોબાઇલ પણ કબ્જે, પાંચ આરોપી રાજકોટના નીકળ્યા

રાજકોટ : ભાડલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કમળાપુર ગામમાંથી પૂર્વ પત્નીનું અપહરણ કરનાર શખ્સ અને તેને મદદ કરનારા સહિત કુલ આઠ આરોપીઓને એલસીબી અને ભાડલા પોલીસે સંયુક્ત રીતે ઝડપી લઇ ગુનામાં વપરાયેલી બે કાર, બે છરી અને મોબાઇલ ફોન વગેરે કબ્જે કર્યા હતાં.

ગઇ તા. ૧૫ના રોજ રાત્રે કમળાપૂર ગામે આરોપી કિરણ તેની પૂર્વ પત્નીના ઘરમાં ધસી ગયો હતો. છરીઓ સાથે કિરણ અને તેના મળતિયાઓ વંડી ટપી, ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યાર પછી કિરણે તેની પૂર્વ પત્નીને ઉપાડી જવાનું શરૃ કરતાં તેની માતા અને ભાઈએ પ્રતિકાર કરતાં બંનેને છરીના હાથા વડે ઇજા કરી હતી.

જે અંગે ભાડલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તપાસમાં ભાડલા પોલીસ સાથે એલસીબીએ પણ ઝૂકાવ્યા બાદ સૌથી પહેલા ગુનામાં વપરાયેલી અર્ટિગા અને બાદમાં વપરાયેલી હોન્ડા સિટી કાર શોધી કાઢી આરોપી કિરણ મનસુખ રામાણી (રહે. કમળાપુર)ને ઝડપી લીધો હતો. 

તેની પૂછપરછના આધારે તેની સાથે સંડોવાયેલા અને મદદગારી કરનારા અન્ય સાત આરોપીઓને પણ ઝડપી લીધા હતા. જેમાં મોહીત ઉર્ફે બન્ની સુરેશ પરમાર (રહે. આંબેડકરનગર, રાજકોટ), રોહીત ઉર્ફે ટકો ગોરધન વાલાણી (રહે. ગંજીવાડા, રાજકોટ), દશરથ જીવરાજભાઈ ગોહીલ (રહે. પાયડી, તા. ગોંડલ), આશિષ ઉર્ફે કાનો ભરત નિમાવત (રહે. કોઠારીયા મેઇન રોડ, રાજકોટ), ભરત મનોજભાઈ વાઘેલા (રહે. ખોડાપીપર, તા. પડધરી), રણછોડ મધાભાઈ સોહલા (રહે. રૈયાધાર, રાજકોટ) અને વૈભવ દિલીપભાઈ પીપરીયા (રહે. મોરબી રોડ, રાજકોટ)નો સમાવેશ થાય છે.

એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે આરોપી કિરણના અપહૃત યુવતી સાથે લગ્ન થયા હતા. બાદમાં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. અપહૃત યુવતીના લગ્ન માટે હાલ બીજે વાત ચાલતી હતી. જેની જાણ થતાં આરોપી કિરણ મળતિયાઓ સાથે તેના ઘરે ધસી ગયો હતો અને અપહરણ કરી લીધું હતું. આરોપીઓને અમદાવાદ અને રાજકોટ ખાતેથી ઝડપી લેવાયા છે. 


Google NewsGoogle News