શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઈ
- કારમાં દારૂનો વેપલો ચલાવનાર શખ્સ ફરાર
- ઇંગ્લિશ દારૂ અને કાર સહિત રૂા. 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી એલસીબી
ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઇંગ્લિશ દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી જ્યારે કારમાં દારૂનો વેપલો ચલાવનાર શખ્સ નાસી છૂટયો હતો. પોલીસે વિદેશી દારૂ અને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન કુંભારવાડાના કૃષ્ણનગર સરોડવાસ ખાતે રહેતો પ્રવીણ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ પોતાના રહેણાંકના મકાન પાસે કારમાં ઇંગ્લીશ દારૂનો વેપલો ચલાવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી દરોડો કર્યો હતો. જે દરમિયાન કાર નંબર જીજે ૧૮ એ ૭૯૩૫ ની તલાસી લેતા પાછળની સીટ અને ડીકીમાંથી વિદેશી દારૂની ૭૩૨ બોટલ મળી આવતા પોલીસે વિદેશી દારૂની બોટલ અને કાર મળી કુલ રૂપિયા ૨,૬૩,૦૨૦ નો મુદ્દામાલ કબજે કરી પ્રવિણ ઉર્ફે દાઉદ વિરુદ્ધ બોર તળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જોકે, કારમાં દારૂ રાખી વેપલો કરનારા પ્રવીણ ઉર્ફે દાઉદ ફરાર થઈ ગયો હતો.