રાજકોટના સોની પરિવારના 9 સભ્યોએ એક સાથે ઝેર પી લીધું
- મુંબઈના વેપારીઓએ રૃ।.પોણા ત્રણ કરોડ નહીં ચૂકવી ધમકી આપ્યાનું કહી
- રાત્રે ઘરના વડીલે દવા પીતા પરિવારના 8 વર્ષના બાળક સહિત તમામે ઉંંદર મારવાની દવા પીધી,ઉલ્ટીઓ થતા સવારે હોસ્પિટલે
રાજકોટ : રાજકોટમાં ગુંદાવાડી મેઈનરોડ પર ગોવિંદપરા-૨માં રહેતા અને સોનીબજારમાં કેતન હાઉસ નામની દુકાન ધરાવતા લલિતભાઈ આડેસરા નામના સોનાના દાગીનાના વેપારીએ આપેલા માલના રૃ।.પોણા ત્રણ કરોડ મુંબઈના ચાર શખ્સો પાસે ફસાતા આ સોની પરિવારના પિતા, બે પુત્રો અને તેમના પત્ની, સંતાનો સહિત ૯ સભ્યોએ એક સાથે ઝેરી દવા પી લીધાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે. તમામની હાલત આજે રાત્રે ભયમુક્ત જણાવાઈ છે. રાજકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોનીબજારમાં વોરાની શેરીમાં આ પરિવારની કેતન હાઉસ નામની દુકાન આવેલી છે અને અન્ય દુકાનો બની રહી છે. આ પરિવારના સભ્યએ જણાવ્યા પ્રમાણે તેમણે મુંબઈના વિજય કૈલાસજી રાવલ, મહેન્દ્ર, પ્રશાંત અને નિર્મલ નામના વેપારીઓને સોનાના દાગીના બનાવીને આપતા હતા. મુંબઈના આ મારવાડી વેપારીઓએ અગાઉ સમયસર નાણા ચૂકવતા બાદમાં પોલીસ સૂત્રો અનુસાર કૂલ ૬ કિલો સોનાના દાગીના આપ્યા તેમાં ૩ કિલો દાગીનાના નાણાં ચૂકવ્યા પણ બાકીના ૨૨ કેરેટના દાગીનાના આશરે રૃ।.૨.૭૫ કરોડ ચૂકવ્યા ન્હોતા તે કારણે આ વેપારી આર્થિક ભીંસમાં આવી ગયા હતા.
વધુમાં પરિવારે જણાવ્યા પ્રમાણે આ રકમ ૧૧ માસથી મુંબઈના વેપારીઓએ ચૂકવી ન્હોતી અને પંદર પંદર દિવસના વાયદા આપતા હતા અને ઉપરથી પોલીસમાં નહી જવા માટે મીઠી ધમકીઓ આપતા હતા.આમ છતાં ત્રણ દિવસ પહેલા પોલીસને અરજી કરાઈ હતી.
ઉધઈ મારવાની દવા પીને આત્મહત્યાની કોશિષ કરનારામાં વેપારી કેતન લલિતભાઈ આડેસરા (ઉ.વ.૪૫) તેમના પત્ની (૨) દિવ્યાબેન કેતનભાઈ (ઉ.૪૨) (૩) માતા મીનાબેન લલિતભાઈ (ઉ.૬૭) (૪) કેતનના પિતા લલિતભાઈ વલ્લભભાઈ આડેસરા (ઉ.વ.૭૬) (૫) કેતનના નાનાભાઈ વિશાલ (ઉ.૪૦), તેમના પત્ની (૬) સંગીતાબેન વિશાલભાઈ (ઉ.૩૯), (૭) કેતનભાઈના પુત્ર જય (ઉ.વ.૨૧) અને ભત્રીજા (૮) વંશ વિશાલભાઈ તથા (૯) ભત્રીજી હેતાંશી વિશાલભાઈ (ઉ.વ.૮) નો સમાવેશ થાય છે.
પોલીસ સૂત્રો અનુસાર ગત રાત્રિના અગિયારેક વાગ્યેઆ પરિવારના મુખ્ય માણસે દવા પીતા તેને જોઈને કુટુંબના તમામ લોકોએ તેને અનુસરીને દવા પી લીધી હતી અને દવા પીને સુઈ ગયા હતા. બધાને ઉલ્ટીઓ થઈ હતી. આજે સવારે અગિયારેક વાગ્યે ૧૦૮ને જાણ કરાતા એક જ પરિવારના ૯ સભ્યોને હોસ્પિટલે ખસેડયા હતા. દવા પીનારામાં જેમાં ૮ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આપઘાતની કોશિષ કરવાના બનાવ અંગે ભક્તિનગર પી.આઈ.સરવૈયાના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરાઈ છે જ્યારે સોનાના દાગીનાની લેવેચ એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં થઈ હોય ત્યાં તપાસ થશે.
એક જ પરિવારના તમામ ૯ સભ્યોએ ઝેરી દવા પીતા સોનીબજાર તથા શહેરભરમાં આ બનાવથી ભારે ચકચાર જાગી હતી.