Get The App

ફિલ્મ સંગીત અને રાગ-સંગીત વચ્ચે સગ્ગા ભાઇબહેન જેવો સંબંધ છે એ હકીકત સ્વીકારવી રહી...!

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

ફિલ્મ સંગીત કોમન મેન માટે તૈયાર થાય છે, પંડિતો માટે નહીં

Updated: Nov 19th, 2018


Google NewsGoogle News
ફિલ્મ સંગીત અને રાગ-સંગીત વચ્ચે સગ્ગા ભાઇબહેન જેવો સંબંધ છે એ હકીકત સ્વીકારવી રહી...! 1 - image

શાસ્ત્રીય સંગીતના યુવાન કલાકારોમાં કદાચ સૌથી લોકપ્રિય એવી કૌશિકી ચક્રવર્તી એક સાંધ્ય પ્રોગ્રામમાં શૃંગાર પ્રધાન રાગ સોહની ગાઇ રહ્યાં હતાં. રાગની જમાવટ એવી થઇ કે જમાવે છે કે રસિકો સ્થળ-કાળનંબ ભાન ભૂલી ગયા.

આ રાગની હવા એવી તો જામી કે પછી જે ઠુમરી રજૂ કરવાની હતી એ પણ કૌશિકી સોહનીમાં રજૂ કરે છે.

ખયાલ કરતાં હવે સોહનીની હવા વધુ ઘટ્ટ થઇ ગઇ કારણ કે હવે એમાં સોહનીના સ્વરો ઉપરાંત શબ્દોનું સૌંદર્ય વધારતા અન્ય સ્વરો પણ ભળ્યા છે. સ્વાદિષ્ટ મસાલેદાર વાનગી જેવો ઘાટ થયો છે.

કૌશિકી ખયાલ ગાઇ રહી હતી ત્યારે શાસ્ત્રીય સંગીતના જે તે રાગને લગતા તમામ નિયમોનું બંધન સ્વીકારવું અનિવાર્ય હતું. રાગના વાદી (મુખ્ય ) સંવાદી (ગૌણ) સ્વરો, રાગની પકડ, રાગની રસ નિષ્પત્તિ વગેરે પૂર્વસૂરિઓએ ઠરાવેલાં તમામ ધારા-ધોરણને અનુસર્યા વિના ચાલે એમ નહોતું. પરંતુ એ જ રાગમાં ઠુમરી રજૂ થવા માંડી ત્યારે તમામ બંધનોથી મુક્તિ અને યથેચ્છ વિહારની સ્વતંત્રતા મળી. હાજર રહેલા સૌ કોઇ રસિકજન માટે આ મહેફિલ કાયમ માટે યાદગાર બની રહી....

તમે જણાવેલા શંકર જયકિસનના ફલાણા બંને ગીતોમાં વાદી-સંવાદી અને રાગની પકડ વગેરે ક્યાં છે ? એટલે એ ગીતોને રાગમાં બંધાયેલાં કહેવાય નહીં. એક વરિષ્ઠ સંગીતકારેે ફેસબુક પર આવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. કૌશિકીની મહેફિલમાં એ સવાલનો નમ્ર જવાબ મળી રહે છે.

શાસ્ત્રીય સંગીતની બેઠકમાં કલાકાર જે રાગમાં ખયાલ કે ધુ્રપદ રજૂ કરે ત્યારે સંબંધિત રાગને લગતા સંગીતના વ્યાકરણના તમામ નિયમો કલાકાર માટે બંધનકર્તા બની રહે છે. પરંતુ યોગાનુયોગે એ જ રાગમાં ત્યારબાદ ઠુમરી, ભજન કે ગઝલ રજૂ કરે ત્યારે એ બંધન આપોઆપ છૂટી જાય છે.

ઠુમરી, દાદરા, ભજન, ગઝલ, વગેરે ગાયન-પ્રકારોને એટલે જ પંડિતો 'ઉપશાસ્ત્રીય ગાયન પ્રકાર' તરીકે ઓળખાવે છે. ફિલ્મ સંગીત આ પ્રકારના ગાયન પ્રકારમાં આવે છે. કોઇ પણ ફિલ્મ સંગીતકાર મનગમતા રાગનો આધાર લઇને કોઇ ગીતની તર્જ એ રાગમાં બાંધે ત્યારે સંગીતના જાણકારો ઉપરાંત કોમન મેનને નજર સામે રાખીને તર્જ બનાવે છે. ફિલ્મ સંગીત કોમન મેન માટે તૈયાર થાય છે, પંડિતો માટે નહીં.

સાચી વાત ક્યારેક કડવી લાગે, પરંતુ ૧૯૪૭માં સરદાર વલ્લભભાઇ પટેલે રાજરજવાડાં નાબૂદ કર્યાં ત્યારે ક્લાસિકલ સંગીતના ટોચના કલાકારો ચોંકી ઊઠયા હતા કે હવે આપણા સંગીતનું શું થશે ? ખૂબ જ નમ્રતાપૂર્વક કહી શકાય કે ફિલ્મ સંગીતે આપણા સંગીતનું પોષણ અને જતન કર્યું.

આજે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા કે પંડિત શિવકુમાર શર્માની કોન્સર્ટને સંગીત નહીં જાણનારા હજારો કોમન મેન પણ માણી શકે છે. એનો યશ ફિલ્મ સંગીતને જાય છે. રંજયતિ ઇતિ રાગ એવી શાસ્ત્ર-વ્યાખ્યાને સ્વીકારીને આંગળીને વેઢે ગણાય એટલા રાગોમાં હજારો ફિલ્મ ગીતો આવ્યા એટલે કોમન મેન પણ કેટલાક રાગોને ઓળખતો અને માણતો થયો.

ઉસ્તાદ અમીર ખાન જેવા કલાકારોએ તો એટલે જ ફિલ્મ સંગીતકારોને મુક્ત કંઠે બિરદાવ્યા હતા. એમણે એટલી હદે કહ્યું હતું કે વરસોના રિયાઝ પછી પણ અમે કેટલીકવાર જે તે રાગની હવા એકાદ કલાક પછી પણ બાંધી શકતા નથી. એ કામ ફિલ્મ સંગીતકારો માત્ર અઢી-ત્રણ મિનિટમાં કરી દેખાડે છે. એ સર્જનકલા પર હું ઓવારી જાઉં છું.

૧૯૩૧માં પહેલી બોલતી ફિલ્મ (ટૉકી ) આવી ત્યારથી શરૂ કરીને ૨૦૧૪-૧૫માં સલમાન ખાનને હીરો તરીકે ચમકાવતી કીક ફિલ્મ આવી ત્યાં સુધીમાં શાસ્ત્રીય રાગ-રાગિણી આધારિત (અહીં મહત્ત્વનો શબ્દ 'આધારિત' છે) ચૌદ હજાર ગીતો આપણને મળ્યાં છે.

ફિલ્મ સંગીતે એ રીતે છેક સામવેદથી ચાલી આવતા શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહિત કર્યું છે, એનું પોષણ અને જતન કર્યું છે. કોમન મેન  ભૈરવી, યમન, પીલુ, માલકૌંસ, પહાડી, શિવરંજની વગેરે રાગોને સહેલાઇથી પિછાણતો અને માણતો થયો છે. ફિલ્મ સંગીતકારોના આ પ્રદાનને સો સો સલામું કરવી ઘટે છે. 

દેશ આઝાદ થયા પછી ફિલ્મ સંગીતમાં ક્રાન્તિ કરવામાં શંકર જયકિસને પાયાનો જે ફાળો આપ્યો એનો તો જોટો જડે એેમ નથી. એ પ્રદાન તો અમૂલ્ય ગણાય. ગુણગ્રાહી સંગીત રસિક તરીકે ફિલ્મ સંગીતના સુવર્ણયુગ (૧૯૪૫-૪૬થી ૧૯૭૦ વચ્ચેના સમયગાળા)ના સંગીતકારોને બિરદાવવા જ રહ્યા. દેશના કરોડો સંગીત રસિકો આ સંગીતકારોના ઓશિંગણ છે.


Google NewsGoogle News