Get The App

દિલમાં દીવો કરવા માટે સૌથી યોગ્ય દિવાળી છે આ વરસે

- વિશ્વના દરેક ધર્મમાં મૂગા દાનનો અનેરો મહિમા કરવામાં આવ્યો છે

- ટુ ધ પોઇન્ટ : અજિત પોપટ

Updated: Nov 10th, 2020


Google NewsGoogle News
દિલમાં દીવો કરવા માટે સૌથી યોગ્ય દિવાળી છે આ વરસે 1 - image


દેશ આઝાદ થયા પછી કદાચ પહેલીવાર નિસ્તેજ દિવાળી આવી. છેલ્લા સાત આઠ મહિનાથી દુનિયા આખીને પજવી રહેલો કોરોના, અર્થતંત્રને કમરતોડ ફટકો અને આપણા પંચાંગ પ્રમાણે આવી પડેલો અધિક માસ... એક કરતાં વધુ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવામાંં આવ્યો છે. મીઠાઇ અને ફરસાણ ખરીદવાં કે નહીં એનો વિચાર મધ્યમવર્ગી પરિવારો કરતા થઇ ગયા. ઘરમાં દર વરસે બનતાં વ્યંજનો પણ આ વખતે કદાચ ઓછાં અથવા નહીં બને.

પરંતુ આ બધી વાતોની સાથોસાથ આ કદાચ પહેલી એવી દિવાળી છે જ્યારે જાત સાથે સંવાદ કરવાનો ઉત્તમ અવસર મળ્યો છે.  હજારો શ્રમિકોને મદદ કરનારા અભિનેતા સોનુ સૂદ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જેવી બધાંની ત્રેવડ ન પણ હોય. છતાં એક વિચાર અજમાવવા જેવો ખરો. ભગવાન બુદ્ધે એક સોનેરી સૂત્ર આપ્યું- અપ્પ દીપો ભવન... તું તારો દીવો થા ને.. દિલમાં દીવો કરવાની વાત છે. તમારી આસપાસ જરુરતમંદ લોકો હોઇ શકે. તમારો ડ્રાઇવર, તમારા ઘરમાં કચરાપોતાં કરતી વ્યક્તિ. ઘણા લોકો સ્વમાનના કારણે તકલીફમાં હોવા છતાં માગી શકતા નથી.

હું અને તમે યથાશક્તિ જરુરતમંદને મદદ કરી શકીએ. ઉપનિષદમાં તો કહ્યું જ છે. તેન ત્યક્તેન ભુંજિથાઃ ત્યાગીને ભોગવી જાણો. સુદામા ચરિત્રના એક પ્રસંગનું આગવું અર્થઘટન કરતાં ગાંધીવાદી કવિ કરસનદાસ માણેક કહેતા. કૃષ્ણે સુદામાને એક પોટલી તાંદુલના બદલામાં દોમદામ સાહ્યબી કેવી રીતે આપી દીધી એવું વિચારતા લોકોએ સમજવું જોઇએ કે તાંદુલની એ પોટલીજ સુદામા માટે સર્વસ્વ હતું. એના પોતાનાં બાળકો તો બે ત્રણ દિવસથી ભૂખ્યાં હતાં. આ તાંદુલ એની પત્ની પાડોશમાંથી માગી લાવેલી અને એ જ એની સમટોટલ એસેટ્સ હતી, એ જ એની આખરી મૂડી હતી. કૃષ્ણ એ મુદ્દો બરાબર સમજ્યા હતા. સુદામાએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું એની સામે કૃષ્ણે એને પોતાનું સર્વસ્વ આપ્યું નથી, વાજબી પ્રમાણમાં વળતર આપ્યું છે...

આપણે ચપટીક આપીએ તો આપણું ખૂટી પડવાનું નથી પરંતુ એનાથી જરુરતમંદ વ્યક્તિનું પેટ ભરાઇ પણ જાય. કીડીને કણ અને હાથીને મણ. ભક્ત કવિ રહીમના નામે એક ટચૂકડું સુભાષિત ચડયું છે- 'કુંજર મુખ સે ગીર પડયો ઘટયો નહીં આહાર, ચીંટી લેકર ચલી ગયી, પોષ લિયો પરિવાર...' આપણી પાસે જે કંઇ પર્યાપ્ત હોય- મિષ્ટાન્ન, ફરસાણ, વસ્ત્રો, રોકડ રકમ... જે પણ આપી શકો તે આપીને આપણો આનંદ બેવડો કરવાનો છે. આપ્યાનો આનંદ અનેરો છે. આ દિવાળીએ એવો અનુભવ પણ કરવા જેવો છે. બોલવાનું નથી, કરવાનું છે.

વિશ્વના દરેક ધર્મમાં મૂગા દાનનો અનેરો મહિમા કરવામાં આવ્યો છે. એમાંય આ તો પર્વાધિરાજ દીપોત્સવ છે. ચીન આપણી સાથે આડોડાઇ કરે છે માટે ચીની ફટાકડા ન લેવા એવો નિર્ણય કર્યો હોય તો ઉત્તમ. એ નિર્ણયમાં થોડો ઉમેરો કરીને જરુરતમંદને આપશો તો સોનામાં સુગંધ ભળશે. શક્ય છે, આપણે કશું ન પણ આપી શકીએ. કશો વાંધો નહીં. અન્ય એક સરસ વિકલ્પ છે. દેશમાં લાખો લોકો કોરોનાના ચેપનો શિકાર બન્યા છે. એ ઉપરાંત લાખો લોકો ડાયાબિટિસ, હાર્ટ પ્રોબ્લેમ, કેન્સર વગેરે વ્યાધિઓથી પીડાય છે. ભલે એમાં આપણા કોઇ સગાંસંબંધી ન હોય. એવા તદ્દન અજાણ્યા લોકો માટે પ્રાર્થના કરીએ કે એમની પીડામાં સર્જનહાર થોડોક ઘટાડો કરે, થોડીક રાહત આપે.

આપણા સંસ્કૃત સાહિત્યમાં ખૂબ સરસ શ્લોક છે- સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુઃખભાગ ભવેત્... કેટલાક લોકો છેલ્લા ચરણને મા કશ્ચિદ્ દુઃખમ્ આપ્નુયાત્ એમ ગાય છે. આટલી નાનકડી પાર્થના કરીને અજાણ્યાને ચપટીક રાહત આપ્યાનો આનંદ જરુર માણી શકીએ. એમાં કશું ગુમાવવાનું નથી. પાપ-પુણ્યમાં માનતા હો તો થોડુંક પુણ્ય આપણા ખાતામાં જમા કરાવવાનું છે.


Google NewsGoogle News