કોબીનો સંભારો કે શાક તો આપણે સૌ ખાઇએ છીએ : કોબીના આ ચમત્કાર વિશે જાણી લો
- ટુ ધ પોઇન્ટ- અજિત પોપટ
- દુખતા ગોઠણની ઢાંકણી પર આ પાન પાથરીને એક સાદો પાટો બાંધી દો. રાતભર એ પાન ત્યાં રહેવા દેવું. સવારે એ પાન ફેંકી દેવું
શિયાળો બરાબર જામ્યો છે, ઉત્તર ભારતમાં અને ખાસ તો જમ્મુ-કશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઇ રહી છે. એની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં વર્તાય છે. ૨૦૨૪ના નવેંબર-ડિસેંબરથી આકરી ઠંડીનો અનુભવ આપણને થવા માંડયો હતો. ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોરદાર વર્તાયો. કેટલેક સ્થળે માવઠાં પણ થયાં. આવી ઠંડીમાં ઘણાને હાથપગના સાંધામાં અસહ્ય પીડા થતી હોય છે. ડોક્ટરો કે વૈદ્યો આવી પીડાને એક પ્રકારના 'વા' તરીકે ઓળખાવે છે. કેટલાક લોકોને સાંધામાં થતી પીડા સંધિવા (આર્થરાઇટિસ)ને કારણે છે એવું નિદાન કરવામાં આવે છે. બજારમાં જાતજાતનાં તેલ અને ઓઇનમેન્ટ વેચાય છે. આ તેલ કે ઓઇનમેન્ટ વાની પીડાને ઘટાડવામાં જાદુઇ અસર કરે છે એવો ભ્રામક પ્રચાર ટીવી ચેનલ્સ પર થતો રહે છે. કેટલાક ફિલ્મી ગીતકારો આવા તેલને જાદુઇ ગણાવતી જાહેરખબરોમાં મોડેલિંગ કરીને સારી એવી કમાણી કરી લે છે. તેલ-ઓઇનમેન્ટ બનાવનારા પણ તગડી કમાણી કરી લે છે. સારો એવો ખર્ચ કર્યા પછી તમને સાંધામાં થતી પીડા તો રહે જ છે. એમાં રાહત મળતી નથી.
પણ વેઇટ અ મિનિટ. કુદરત ખરેખર ખૂબ દયાળુ છે. માણસ ભલે બેફામ બનીને જંગલો ખતમ કરે, ખેતરો ઉજ્જડ થવા દે, કુદરતે વિવિધ વૃક્ષ વનસ્પતિ અને શાકસબ્જી કે ફળોમાં ઔષધીય તત્ત્વો ભરી દીધાં છે. આપણને એની પૂરતી જાણ હોય એ જરૂરી છે. સાંધાના ગમે તેવા દુઃખાવામાં રાહત આપે એવા એક શાકની વાત અહીં કરવી છે. એ શાક લગભગ બારે માસ મળે છે. એને આપણે કોબી કહીએ છીએ. હિન્દીમાં ગોભી કહે છે. અંગ્રેજીમાં કોલીફ્લાવર કહે છે. એમાં ખૂબ ખનિજો (મિનરલ્સ), વિટામીન સી અને કે, ભારોભાર ફાઇબર વગેરે હોય છે. આપણી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારવા ઉપરાંત એ આરોગ્ય માટે ખૂબ મદદગાર છે. કુદરતે કોબીમાં અત્યંત પોષક પાંદડાનો ગોટો વાળીને આપણને આપી છે. હવે કોબીની મદદથી સાંધાના દુઃખાવામાં કેવી રીતે રાહત મેળવવી એ જાણવા જેવું છે.
કુદરતે આપણા શરીરમાં જ્યાં જ્યાં સાંધા છે ત્યાં એક પ્રકારનું ઊંજણ (તૈલી પદાર્થ) પહેલેથી મૂકેલું છે. વરસો સુધી આ ઊંજણ સાંધાને સતત પોષણ આપતું રહે છે. કેટલાક લોકોના શરીરમાં આ ઊંજણ વહેલું ખૂટી પડે છે એટલે ત્યાં પીડા અનુભવાય છે. એ પીડામાંથી કોબી ચમત્કારી રીતે રાહત આપે છે. રાહત મેળવવાની પદ્ધતિ અહીં સરળ રીતે વર્ણવી છે.
કોબીના પાનને છૂટા પાડી, સાદા પાણીથી ધોઇ લેવા. એ પછી એક તપેલીમાં પાણી ગરમ કરવું. આ ગરમ પાણી શક્ય હોય તો એક કાચના (કોઇ પણ ધાતુના નહીં) વાસણમાં રેડીને એમાં કોબીના પાનને થોડીવાર બોળી રાખવા. થોડીવાર ભલે આ પાન ગરમ પાણીમાં પડયા રહે. ત્યારબાદ પાનને સ્વાભાવિક રીતે સુકાઇ જવા દેવા. હવે આ પાન સાંધાની પીડામાં રાહત આપવા માટે તૈયાર છે. રાત્રે સુતાં પહેલાં તમને જે સાંધામાં પીડા હોય ત્યાં એક પાનને પાથરી દેવું. ધારો કે તમને ગોઠણના સાંધામાં પીડા છે. તો ગોઠણની ઢાંકણી પર આ પાન પાથરીને એક સાદો પાટો બાંધી દો. રાતભર એ પાન ત્યાં રહેવા દેવું. સવારે એ પાન ફેંકી દેવું. એક પાન એક કરતાં વધુ વખત વાપરવું નહીં.
થોડા દિવસ આ રીતે કોબીનું ગરમ પાણીમાં પલાળેલું પાન પીડાવાળા સાંધા પર બાંધી જુઓ. તમારી પીડામાં જબરદસ્ત રાહત મળશે.
આ ઉપાય સાવ સહેલો છે, મોટા મોટા ડોક્ટરની ફી અને જાતજાતની દવાના ખર્ચમાંથી મુક્તિ મળે છે. સાથોસાથ પીડામાં પણ ખૂબ રાહત થઇ જાય છે. આ એક કુદરતી ઉપાય છે. એની કોઇ આડઅસર થતી નથી. અજમાવી જોવામાં કશું ગુમાવવાનું નથી. લાભ ચોક્કસ થશે. આવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો ગામડાંના ખેડૂતો જાણતા હોય છે. અગાઉ જ્યારે એલોપથી જેવાં આધુનિક સાધનો નહોતાં ત્યારે ગામડાંના લોકો આવા ઘરગથ્થુ ઉપાય દ્વારા સાજાસારા રહેતા.