Get The App

ઉત્તરપ્રદેશ ભાજપનો વિવાદ વિપક્ષી શંભુમેળાને ફળશે કે ઘીના ઠામમાં ઘી સમાઇ જશે એ જોવાનું છે

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશ ભાજપનો વિવાદ વિપક્ષી શંભુમેળાને ફળશે કે ઘીના ઠામમાં ઘી સમાઇ જશે એ જોવાનું છે 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

મને ખબર નથી, 

કયા એ  ભવના બંધન હશે, 

કે પછી ચાલબાજ થઇ 

ગયા  સંબંધ હશે, 

હશે જો દુશ્મનો તો

 સામે પડી  કહેશે બધું, 

કરે છે પીઠ પાછળ ઘા, 

એ નક્કી ભાઇબંધ હશે.

ભારતીય રાજકારણ અને ખાસ તો ઉત્તરપ્રદેશ ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળીનો સાર આ શેરમાં અદ્ભુત રીતે વ્યક્ત થયો છે. શાયરે જ્યારે લખ્યો હોય ત્યારે, પરંતુ વર્તમાન સ્થિતિને એ તાદ્રશ રૂપે રજૂ કરે છે. લોકસભાની ચૂંટણીનાં પરિણામો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથે કલ્પ્યા મુજબનાં આવ્યાં હોત તો વાત જુદી હતી. 

પરંતુ એવું બન્યું નહીં. કેમ ન બન્યું એની પિષ્ટપિંજણ અહીં કરવી નથી, પણ ઉત્તરપ્રદેશમાં ધાર્યાં પરિણામો ન આવ્યાં એટલે વિપક્ષો તો ઠીક, ભાજપના અસંતુષ્ટો પણ હવે યોગી સામે દાંતિયાં કરી રહ્યા છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહે જે રીતે દૌડી જવું પડયું એ દેખાડે છે કે ઉત્તરપ્રદેશ ભાજપમાં પરિસ્થિતિ કેટલી હદે વણસી ચૂકી હતી. કેશવ પ્રસાદ મૌર્ય ગમે ત્યારે ગમે તેવાં વિવાદાસ્પદ વિધાનો કરવા માટે જાણીતા છે. મીડિયા સમક્ષ એમણે દાવો કર્યો કે સબ કુછ ઠીક હૈ, પક્ષમાં બધું બરાબર છે, ક્યાંય કશી તકલીફ નથી. યહ હમારે ઘર કા મામલા હૈ...

તો પછી અમિતભાઇએ કેમ દોડી જવું પડયું એનો જવાબ મૌર્ય પાસે નથી. હોઇ શકે પણ નહી. ગઇ કાલ સુધી શિસ્તબદ્ધ અને સમર્પિત પક્ષ હોવાનો દાવો કરનારા ભાજપનો અસલી ચહેરો ધીમે ધીમે માસ્ક હેઠળથી ખુલ્લો થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના દાગી સભ્યોને આવકારીને ભાજપે પોતે પણ અન્ય રાજકીય પક્ષ જેવો જ છે એ દર્શાવ્યું હતું. હવે ઉત્તરપ્રદેશ ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે. દેખીતી રીતે જ અખિલેશ યાદવના મોંમાં પાણી છૂટયું છે. ઉત્તરપ્રદેશ ભાજપની આંતરિક પરિસ્થિતિનો લાભ લઇને એ ભાજપના અસંતુષ્ટોને ફોડીને પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા થનગની રહ્યા છે. ઇન્ડિ ગઠબંધનનો દરેક ઘટક પક્ષ સ્વાર્થી છે. દરેક પોતાનું હિત જુએ છે. એમાંય મમતા બેનર્જી તો અખિલેશ અને રાહુલ ગાંધી બંનેને ભૂ પાય એવાં ભરાડી છે. 

આવા વિકટ સંજોગોમાંય યોગીની સ્વસ્થતા સમજવા જેવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે યોગી ગણિતના મુખ્ય વિષય સાથે ગ્રેજ્યુએટ થયા છે. માત્ર ગ્રેજ્યુએટ થયા નથી, યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. રાજકારણના ઊંડા અભ્યાસી અને વિવિધ ગણતરીમાં જરાય ઓછા ઊતરે એમ નથી. આ તો એમની શૈક્ષણિક યોગ્યતાની વાત થઇ. એમનાં ભગવાં વસ્ત્રોનો મહિમા પણ સમજવા જેવો  છે. દશનામ સાધુ સંપ્રદાયમાં આકરી તપશ્ચર્યા અને અધ્યાત્મ સાધના બાબતમાં સૌથી વધુ પંકાયેલા ગોરખનાથ મઠના વડા છે. પૌરાણિક કથાઓ મુજબ સ્ત્રીયારાજમાં તપોભંગ થયેલા પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને સાધના ક્ષેત્રે પાછા લાવવા ગોરખનાથ ગયા ત્યારે મૃદંગ અને પખાવજ જેવાં વાદ્યોમાંથી 'ચેત મછંદર ગોરખ આયા' જેવાં સૂત્રો પ્રગટયાં હતાં. યોગી આદિત્યનાથ એ ગોરખનાથ મઠના વડા છે. સંજોગો એમને રાજકારણમાં લઇ આવ્યા. એને લઇને એમની સાધના કે તપસ્યામાં કશો ફેર પડયો નથી. 

તમે જ્યોતિષવિદ્યામાં માનતા હો કે ન માનતા હો, એ જુદી વાત છે, પણ એક વાત નક્કી છે. અત્યારે યોગીની ચડતીનો કાળ ચાલી રહ્યો છે. સત્તાની ધુરા સંભાળતાંની સાથે જ યોગીએ વિધર્મી ભાઇલોગ અને અંધારી આલમ સામે જે સપાટો બોલાવ્યો હતો એ પછી આમ આદમીની નજરમાં યોગી વેંત ઊંચા નેતા પુરવાર થયા હતા. યોગીએ ગજબની નિર્ભયતા દાખવીને કેટલાક દાદાઓનાં બેધડક એન્કાઉન્ટર કરાવ્યાં હતાં.

 અત્યારે યોગીને ઘેરીને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકી દેવાનો પ્રયત્ન કરનારા આવનારા સમયમાં પસ્તાવાના છે એ હકીકત નજીકના ભવિષ્યમાં પુરવાર થશે. રાજકીય સમીક્ષકો તો ભવિષ્યમાં યોગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન લેશે એવી દ્રઢ માન્યતા ધરાવે છે. ભાજપના અસંતુષ્ટો અને અખિલેશ જેવા તકસાધુઓ આ વાત જેટલી જલદી સમજી લે એટલું તેમના માટે સારું છે.


Google NewsGoogle News