Get The App

એક પછી એક બધું નકલી બહાર આવી રહ્યું છે... વ્હોટ નેક્સ્ટ?

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
એક પછી એક બધું નકલી બહાર આવી રહ્યું છે... વ્હોટ નેક્સ્ટ? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

ઘી નકલી, તેલ નકલી, દૂધ નકલી, માવો નકલી, પોલીસ નકલી, વડાપ્રધાનના કર્મચારી નકલી, અદાલત નકલી, જજ સુદ્ધાં નકલી... દિવાળીના સપરમા પર્વની પૂર્વસંધ્યાએ અખબારો વાંચીને આમ આદમી વિસ્મય સહિત આંચકા અનુભવે છે. હવે એવો વિચાર આવે છે કે નકલી વડા પ્રધાન અને નકલી રાષ્ટ્રપતિ ક્યારે જાહેરમાં આવશે? એમ કહેવાય છે કે સરમુખત્યારો જાહેરમાં નીકળે ત્યારે મૂળ સરમુખત્યાર સાથેનાં અન્ય વાહનોનાં એમના હમશકલ હોય છે. કોઇ વ્યક્તિ સરમુખત્યાર પર હુમલો કરવા ઇચ્છતી હોય તો એક સાથે ત્રણ ચાર હમશકલ જોઇને અસલી સરમુખત્યાર કયા એનો ખ્યાલ ન આવે.

દાયકાઓથી મરીમસાલામાં તો ભેળસેળ થતી જ હતી. એ વિશે અખબારોમાં અહેવાલો પણ પ્રગટ થતા હતા. એ પછી યુરિક એસિડ અને ડિટર્જન્ટની મદદથી નકલી (ખરેખર તો ઘાતક) દૂધની વિગતો આવી. એક નીડર અંગ્રેજી અખબારે તો ફોટોગ્રાફ સહિત એવો અહેવાલ પ્રગટ કર્યો હતો કે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદો પર કેટલેક સ્થળે ખાદ્યતેલમાં જાનવરની ચરબી ભેળવવામાં આવતી હતી.

દર વરસે તહેવારોની આસપાસ જે-તે શહેરની મ્યુનિસિપાલિટી કુંભકર્ણની નિદ્રામાંથી જાગે છે. ફરસાણવાળા અને કંદોઇઓને ત્યાં દરોડા પાડે છે. અમુક તમુક માલના નમુના મેળવે છે. થોડો સમય હો-હા થાય છે. 

તહેવાર પૂરા થઇ જાય એટલે મ્યુનિસિપાલિટી ફરી કુંભકર્ણની નિદ્રામાં. વચ્ચે વચ્ચે થોડો સમય સડક પર ઊભેલા શાકવાળા કે મંદિરોની બહાર ફૂલ વેચતા ફેરિયાને કનડે છે - પ્લાસ્ટિકના ઝભલાં કેમ વાપરે છે સાલ્લા, લાવ પાંચસો રૂપિયા! પણ પ્લાસ્ટિકના ઝભલાં બનાવતા કારખાનાંના માલિકને કોઇ પૂછતું નથી.

ન્યાયની દેવીની આંખો પરની પટ્ટી છોડી નાખવામાં આવી. એનો કશો અર્થ ખરો? ન્યાયની દેવીની આંખો પર પટ્ટી જ બરાબર હતી. દુનિયાભરના કાનૂનવિદો કહે છે કાયદો ગધેડો છે. લૉ ઇઝ એન એસ. ન્યાયની દેવી અંધ છે. તમે એની આંખો પરની પટ્ટી છોડી નાખો તેથી વાસ્તવિકતામાં કશો ફેર પડતો નથી. 

સાધુસંતો જેને કળિયુગ તરીકે વર્ણવે છે એ સમયગાળો શરૂ થઇ ગયો જણાય છે. ૯૨ વર્ષના ડોહા ત્રણ-ચાર વર્ષની બાળકીની છેડછાડ કરતાં પકડાયા એવા સમાચાર વાંચીએ ત્યારે ઊબકા આવી જાય. બે કે ત્રણ વર્ષની બાળકી એટલે ખીલું ખીલું થઇ રહેલી કળી. એના પર તૂટી પડનારા પુરુષ, પછી ભલે યુવાન હોય કે ડોહો હોય, એને માણસ શી રીતે કહેવો કે ગણવો? છેલ્લાં ચાલીસ-પચાસ વર્ષમાં નહોતા કલ્પ્યા એવા અપરાધો ટેકનોલોજીની સાથોસાથ વિકસતા રહ્યા છે. સાઇબર ક્રાઇમ અને ડિજિટલ એરેસ્ટ વિશે રોજ નવી નવી વાતો પ્રગટ થાય છે. આમ આદમીની સહનશીલતાની કસોટી થઇ રહી હોય એવું લાગ્યા કરે છે.

એક બાજુ અપરાધખોરી વધી રહી છે તો બીજી બાજુ બેકારી, ભૂખમરો અને ગરીબી વધી રહ્યાં છે. પોલિટિશિયનોને એકમેકની ટાંગ ખેંચવા સિવાય બીજો કોઇ કામધંધો નથી. પ્રજાનું જે થવાનું હોય તે થાય. અમે જેવા છીએ તેવા છીએ. અમને ચૂંટણી આવે એ સિવાય પ્રજાની કશી જરૂર નથી. આ માનસિકતા વિકાસને અવરોધે છે, અપરાધખોરીને પ્રોત્સાહન આપે છે. 

હમણાં કોઇ મૌલવીએ દાવો કરેલો કે નવી સંસદનું મકાન જ અમારા વકફ બોર્ડનું છે. કેન્દ્ર સરકાર મોઢામાં મગ ભરીને બેસી રહી. લોકોમાં તેમજ નેતાઓમાં એક પ્રકારની ઉદાસીનતા જોવા મળી રહી છે. એનું કારણ સમજાતું નથી. 

૨૦૧૪માં મનમોહન સિંહની સરકારે વકફ બોર્ડને બેમર્યાદ સત્તા આપતી વખતે નાગરિકોને પૂછયું નહોતું તો પછી અત્યારે નાગરિકોનો મત શા માટે માગવામાં આવ્યો? ૨૦૧૪ની સરકારે જેમ સ્વૈચ્છિક નિર્ણય લીધો હતો એમ અત્યારે ૨૦૨૪માં તમે સ્વૈચ્છિક નિર્ણય લઇ લો. કેન્દ્ર સરકાર એવું નહીં કરે, કારણ કે એમને પણ લઘુમતીના મતો જોઇએ છે. આમાં હું કે તમે અર્થાત્ દેશના નાગરિકોનું સ્થાન ક્યાં છે એ કોઇ સમજાવશે?


Google NewsGoogle News