પહેલગામની કરુણાંતિકાએ સમજાવેલા સૂચિતાર્થો સદા યાદ રાખવા ઘટે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- માણસો બસો કિલોમીટર દૂર પાકિસ્તાનથી આવીને રેકી કરી ગયા ત્યારે તમને કેમ જાણ ન થઇ? તમારા બાતમીદારો શું કરતા હતા?
પૃથ્વી પરના સ્વર્ગ સમા જમ્મુ કશ્મીરના પ્રવાસે ગયેલા લોકોના ધર્મ પૂછીને, તેમનાં ઓળખપત્ર જોયા પછી, હિન્દુ છે એવી ખાતરી કર્યા પછી તેમને ઠાર કરનારા આતંકવાદીઓએ આપણને મૂઢમાર માર્યો હોય એમ સ્તબ્ધ કરી દીધા. થોડી ક્ષણો માટે કેન્દ્ર સરકારમાં સન્નાટો છવાઇ ગયો અને લઘુમતીને થાબડતા વિપક્ષોની પણ થોડીવાર માટે બોલતી બંધ થઇ ગઇ. આ ઘટનાએ બે-ત્રણ બાબતો તરફ ફરી એકવાર આપણા સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનાના સૂચિતાર્થો હવે સદાને માટે યાદ રાખવા જેવા છે.
નંબર એક, એપ્રિલના પહેલા સપ્તાહમાં આતંકવાદીઓ આવીને કેટલાંક પર્યટન સ્થળોની રેકી કરી ગયા હતા એવું ઘટના બની ગયા પછી જાહેર કરાયું. તો આપણે સૌએ જમ્મુ-કશ્મીર પોલીસના અને ભારતીય લશ્કરના ગુપ્તચર વિભાગને પૂછવું જોઇએ કે આ ત્રણ કે ચાર માણસો બસો કિલોમીટર દૂર પાકિસ્તાનથી આવીને રેકી કરી ગયા ત્યારે તમને કેમ જાણ ન થઇ? તમારા બાતમીદારો શું કરતા હતા? દુશ્મન દેશના આતંકવાદીઓ દેશની અંદર આવીને રેકી કરી જાય ત્યાં સુધી તમે ઊંઘતા હતા? દેશની જનતાને જવાબ આપો.
નંબર બે, આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જમ્મુ કશ્મીરના કેટલાક લોકો ગદ્દાર છે. સ્થાનિક લોકોના સાથ-સહકાર વિના છેક બસો કિલોમીટર દૂરથી આવનારા આતંકવાદીઓને અગાઉથી કેવી રીતે જાણ હોય કે કયા સ્થળે સિક્યોરિટી ઓછી છે, એ લોકો બેધડક આવીને આડેઘડ ગોળીબાર કરીને પાછા ગણતરીની પળોમાં નાસી જાય ? સ્થાનિક ગદ્દારોના સાથ વિના આવું કોઇ કાળે બની ન શકે. નિર્દોષ પર્યટકોનું લોહી વહી ગયા પછી સ્થાનિક રહેવાસીઓને ખ્યાલ આવ્યો કે અરરર, આ તો ખોટું થયું. અબજો રૂપિયાના પ્રવાસ-પર્યટન ઉદ્યોગને કમરતોડ ફટકો પડયો. હવે અમારી રોજીરોટીનું શું એ વિચારે જમ્મુ-કશ્મીરમાં ચારે બાજુ લોકોએ રેલીઓ યોજી. આ રેલીબાજોને કહો કે તમારામાં રહેલા ગદ્દારોને પહેલાં ઓળખો. એમને ખુ્લ્લા પાડો, યોગ્ય શિક્ષા કરાવો.પછી પર્યટકોને કહેજો કે યુ આર વેલકમ.
આ સંદર્ભમાં આપણા એક લશ્કરી અધિકારીએ થોડાં વરસ પહેલાં કરેલો અનુરોધ યાદ કરવા જેવો છે. તેમણે કહેલું કે હિન્દુ બહુમતીએ બે-ત્રણ વર્ષ માટે વૈષ્ણોદેવી અને અમરનાથની યાત્રા તથા જમ્મુ-કશ્મીરની ટુર ન કરવી જોઇએ. આ સ્થળો ક્યાંય ભાગી જવાનાં નથી. આ સ્થળોના રહેવાસીઓના ઘરમાં ચૂલો સળગતો બંધ થઇ જશે ત્યારે આ લોકોને ખ્યાલ આવશે કે જિહાદના નામે આચરેલા આતંકવાદનું કેવું માઠું પરિણામ આવી શકે છે. આ લશ્કરી અધિકારીનું સૂચન માથે ચડાવવા જેવું હતું, પરંતુ આ લખનાર સહિત આપણે સૌ ચાર દિવસ આંસુ સારીને પછી આખી વાત ભૂલી જઇએ છીએ.
નંબર ત્રણ. સૌથી મહત્ત્વની વાત એ છે કે હજુય મોડું થયું નથી. ન્યાતજાતના વાડા અને ઊંચનીચ ભૂલીને બહુમતી હિન્દુઓ અર્થાત્ આપણે સૌએ સંગઠિત રહેવાનું છે. જૂની ગુજરાતીના પાઠયપુસ્તકમાં એક સાવ ટૂંકી વાર્તા આવતી. અંદરઅંદર ઝઘડતા ચાર પુત્રોને બોલાવીને પિતાએ વાંસની એક સોટી તોડવાનું કહ્યું. છોકરાઓએ હસતાં હસતાં તોડી નાખી. પછી પિતાએ વાંસની સોટીનો ભારો આપ્યો કે હવે તોડી બતાવો. ભારો છોડવાનો નથી. ભારો તૂટયો નહીં. પિતાએ કહ્યું, આ વાંસની સોટીના આ ભારાની જેમ સંગઠિત રહેશો તો કોઇ તમારું કશું બગાડી નહીં શકે. આ વાત આજે આપણને સૌને લાગુ પડે છે. (ના)પાકિસ્તાને ઇસ્લામ શબ્દનો અર્થ તોડીમરોડીને વિકૃત કરી નાખ્યો છે. હવે એ લોકો પર જરાય ભરોસો રાખી શકાય નહીં. આપણે સૌ સંગઠિત થઇએ એમાં જ આપણું હિત છે,
આપણી સલામતી છે, આપણા જાનમાલની સલામતી છે. વાંચીને શાંતિથી વિચારજો. નહીંતર ભવિષ્યની પેઢી આપણને માફ નહીં કરે.