દુનિયા આંખ ફાડીને આવતી કાલે નીરખશે, મૌની અમાવાસ્યાએ મહાકુંભનું શાહી સ્નાન!
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- પ્રયાગરાજની સિત્તેર એંસી લાખની વસતિ સામે કાલે થોડાક કલાકો માટે ચારથી પાંચ કરોડ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન માટે આવશે
કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સામાન્ય સંજોગોમાં પણ બુધવારે આવતી અમાસ ધાર્મિક કર્મકાંડની દ્રષ્ટિએ વિશિષ્ટ ગણાય છે. આપણે ત્યાં ગુજરાતમાં ચાણોંદ વગેરે સ્થળે નર્મદાતીરે કાળસર્પ દોષ, પિતૃદોષ વગેરેના નિવારણ માટે ક્રિયાકાંડ ધમધમે છે. બીજી બાજુ, આવતી કાલે બુધવારે આવતી મૌની અમાવાસ્યા તો ખગોળીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્ત્વની છે. પ્રયાગરાજ (જૂનું નામ અલાહાબાદ)ની સિત્તેર એંસી લાખની વસતિ સામે આવતી કાલે થોડાક કલાકો માટે ચારથી પાંચ કરોડ શ્રદ્ધાળુઓ પતિતપાવની ગંગા અને ત્રિવેણી સંગમમાં સ્નાન માટે આવશે. નગરના મૂળ રહેવાસીઓની ડે-ટુ-ડે લાઇફસ્ટાઇલને જરાય આંચ ન આવે એવી જડબેસલાખ વ્યવસ્થા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગોઠવી છે. જસ્ટ તમારી જાણ માટે કે યોગીજી ગોરખનાથ મઠના અધિાતા છે અને ગણિત મુખ્ય વિષય રાખીને બી.એસસી. (બેચલર ઓફ સાયન્સ ) ડિગ્રી ધરાવે છે. યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવવા માટે ગોલ્ડ મેડલ વિજેતા છે.
રેગ્યુલર અને સ્પેશિયલ એવી સેંકડો ટ્રેન છેલ્લા એક દોઢ મહિનાથી રોજ ચોવીસે કલાક શ્રદ્ધાળુઓને લઇને દેશના ખૂણેખૂણેથી આવે છે. લક્ઝરી બસો, પ્રાઇવેટ વાહનો અને ટેક્સી અલગ. વિદેશથી આવેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના માંધાતાઓ તો યોગીની આયોજન શક્તિ જોઇને ચકિત થઇ ગયા છે. એક સંન્યાસીએ આટલી વિરાટ વ્યવસ્થા કરી છે, એમ? દેશ-વિદેશથી આવતા લોકોની ઝીણામાં ઝીણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોગીએ દરેક બાબતની પૂરતી વ્યવસ્થા કરી છે. પોતે રોજ કેટલાક કલાક કન્ટ્રોલ રૂમમાં હાજરી આપીને ડ્રોન દ્વારા મહાકુંભના સ્થળ પર ચાંપતી નજર રાખે છે. કોઇ સેક્ટરમાં કંઇ તકલીફ દેખાય તો તરત યોગીજી પોતે સંબંધિત સેક્ટરના ૦વ્યવસ્થાપકનું ધ્યાન દોરે છે કે તમારા સેક્ટરમાં ફલાણી તકલીફ છે. નિવારણ કરો.
પ્રયાગરાજ રેલવે સ્ટેશને ઊતરો ત્યાંથી જ તમને યોગ્ય દિશાસૂચન મળવા માંડે. પ્રયાગરાજ એરપોર્ટથી મહાકુંભ ૨૨ કિલોમીટર અને રેલવે સ્ટેશનથી નવ-દસ કિલોમીટર દૂર છે. વાહનો અને પગે ચાલતા લોકોનો ધસારો એટલો બધો છે કે રેલવે સ્ટેશનથી મહાકુંભ પહોંચતાં પહોંચતાં દોઢથી બે કલાક નીકળી જાય. એનું મુખ્ય કારણ એ કે દરેકને ઉતાવળ હોય છે કે મોડું થશે તો અમે રહી જઈશું. એટલે ટ્રાફિક પોલીસના લાખ પ્રયત્નો છતાં વાહનચાલકો પોતે ટ્રાફિક જામ કરી નાખે છે.
એક સાથે સેંકડો લક્ઝરી બસો અને પાંચથી સાત હજાર મોટરકાર ઊભી રહી શકે એટલો મોટ્ટો તો પાર્કિંગ પ્લોટ છે. દર ચારસો ફૂટે એક પોલીસ અધિકારી ખડે પગે ઊભો હોય. જે યાત્રાળુ કોઇ સંઘ, સાધુ સંસ્થા કે અખાડા સાથે સંલગ્ન ન હોય એમને માટે સંખ્યાબંધ રૈનબસેરા ઊભા કર્યા છે. દરેક રૈનબસેરામાં પીવાના પાણીની વ્યવસ્થા, બાથરૂમ-જાજરૂ, સુવા માટે ગાદલું, તકિયો, ઓઢવા માટે ધાબળો. દરેક અખાડાએ સાધુઓ ઉપરાંત અન્ય યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર અને ચા કેન્દ્રો ખોલ્યાં છે જે ચોવીસે કલાક ચાલુ હોય છે. કોઇ પણ વ્યક્તિ વિના સંકોચે એનો લાભ લઇ શકે છે. એ જ રીતે ચોવીસ કલાક ચાલુ રહેતી ત્રણ હોસ્પિટલ છે. ચોવીસે કલાક પોલીસ અધિકારીઓ આંખમાં તેલ આંજીને હાજર રહે છે.
પતિતપાવની ગંગા હિમાલયથી ઊતરીને ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં વહે છે છતાં એની દિવ્ય શક્તિ યથાવત્ છે. તમે નહાવા ઊતરો ત્યારે એકબીજાનો હાથ ન પકડયો હોય તો સરકણી રેતી તમને પ્રવાહની દિશામાં સાથે ખેંચવા માંડે. જો કે યાત્રાળુઓ માટે જુદા જુદા ઘાટ ઊભા કર્યા છે. કમરબૂડ પાણીથી આગળ કોઇને જવા દેતા નથી, પછી ભલે ગમે તેવો તરવૈયો હોય. ઘાટની બીજી બાજુ પોલીસ, ડૂબકીમારો અને અર્ધલશ્કરી દળોની નૌકા હાજર છે જે ગમે તેવી દુર્ઘટના સમયે તત્કાળ સહાય કરી શકે.
આવતી કાલે ખરા અર્થમાં ઐતિહાસિક શાહી સ્નાનની ન ભૂતો ન ભવિષ્યતિ ઘટના બનશે જે ઇલેક્ટ્રોનિક મીડિયા પર જોઇને દુનિયા મોંમાં આંગળા નાખી જશે.