લાંબા હારે ટૂંકો જાય, મરે કાં અધમૂવો થાય... લોકોક્તિ તાજેતરની ચૂંટણીએ પુરવાર કરી
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
'છે રંગ આ જગતનો જ્યારે હવા ફરે છે, સાગર તરી જનારા કાંઠે ડૂબી મરે છે...' ગુજરાતી ભાષાના આગેવાન શાયર સિનિયર શયદાનો આ શેર શનિવારે ૨૩મી નવેમ્બરે બપોર પછી સતત યાદ આવ્યો. ત્રણ-ત્રણ વાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અને ત્રણથી વધુ વખત કેન્દ્રમાં પ્રધાનપદ ભોગવી ચૂકેલા શરદ પવારનો કરુણ રકાસ થયો.
આજની તારીખમાં કદાચ સિનિયરમોસ્ટ પોલિટિશિયન કહી શકાય એેવા શરદ પવારનો વિધાનસભાની ચૂંટણીમાં જે ભૂંડે હાલે પરાજય થયો એ ખરેખર ભલભલા પોલિટિકલ સમીક્ષકોને ચોંકાવી દે એવો હતો. ૨૮૮ બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં શરદ પવારને રોકડી દસ બેઠકો મળે એવું એમના સમર્થકોએ કદી સ્વપ્નેય કલ્પ્યું નહીં હોય. કાગ ને બેસવું ને ડાળને પડવું કહો તો એમ, ચમત્કાર ગણો તો ચમત્કાર. મતદારોએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું.
જ્યાં શરદ પવારનો ગજ ન વાગ્યો ત્યાં એમની સાથેના બાકીના બે પક્ષોનો ગજ ક્યાંથી વાગે? કેવી રીતે વાગે? પવાર અને એમના સાથીપક્ષો પાસે મતદારોને રીઝવી શકાય એવા કોઇ મુદ્દા જ નહોતા. એક સમય હતો જ્યારે બાળાસાહેબ ઠાકરેના વાઘની ત્રાડ ભલભલાને ધ્રૂજાવી દેતી. એ વાઘ બાળાસાહેબની સાથે ગયો. હવે નથી રહ્યો વાઘ કે નથી રહી વાઘની ત્રાડ. ન રહી એ શિવસેના જેને હૈયે ફક્ત અને ફક્ત હિન્દુ પ્રજાનું હિત વસેલું હતું. હિન્દુહૃદયસમ્રાટ શબ્દ પણ વિસરાઇ ગયો.
મહારાષ્ટ્રની વાત કરો ત્યારે દેશના આર્થિક પાટનગર મુંબઇને પણ ધ્યાનમાં લેવું પડે. પાંત્રીસથી ચાલીસ લાખ લોકોને રોજી રોટી આપતો મનોરંજન ઉદ્યોગ પણ મુંબઇના હાર્દ સમો છે. મુંબઇએ માત્ર ૪૮-૪૯ ટકા મતદાન કર્યું એવા અહેવાલો આવ્યા ત્યારે ઘણા સમીક્ષકોને થયેલું કે ખલાસ, હવે ભાજપ ગયો કામથી. પણ ના, ભાજપ એકલો નહોતો, એની પાછળ શિસ્ત, સમર્પણ અને દેશપ્રેમને વરેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હતો. સંઘના પીઠબળથી ભાજપે જે વિજય મેળવ્યો એ જોઇને શરદ પવાર રીતસર ડઘાઇ ગયેલા. કરાડની પત્રકાર પરિષદમાં એમણે એવો બચાવ રજૂ કર્યો કે એ તો છેને તે યોગી આદિત્યનાથનાં સૂત્રોએ બાજી બગાડી નાખી.
યોગી તો ખરેખર અભિનંદનના અધિકારી છે. ખુદ યોગીના પોતાના રાજ્યમાં ઉત્તરપ્રદેશમાં પણ નવ બેઠકની પેટાચૂંટણી હતી. આમ છતાં યોગી ચોતરફ દોડાદોડ કરી રહ્યા હતા. યોગીએ જે સૂત્રોચ્ચાર કર્યા એમાં કશું નવું નહોતું.
સરદાર વલ્લભભાઇ પટેલ જે અખંડ ભારતની સંક્લ્પનાના પ્રણેતા હતા એ વિચાર યોગી વાણી દ્વારા વ્યક્ત કરતા હતા. છેલ્લાં એક હજાર વરસનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે બહુમતી પ્રજા વેરવિખેર રહી છે ત્યારે ત્યારે વિધર્મી આક્રમણખોરો ફાવ્યા છે. એ યાદ રાખીને યોગીએ હાકલ કરેલી કે બટેંગે તો કટેંગે... દેશ આખાની બહુમતી પ્રજાએ આ વિચાર આત્મસાત કરી લેવા જેવો છે. આ સ્થળેથી એક કરતાં વધુ વખત લખ્યું છે કે ન્યાતજાતના અને ઊંચનીચના ભેદ ભૂલીને એક થવાનો સમય ક્યારનોય પાકી ગયો છે.
યોગીએ પોતાના રાજ્યની પેટાચૂંટણીમાં નવમાંથી સાત બેઠકો જીતી બતાવી. થોડા સમય અગાઉ આ સ્તંભમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું કે ભાજપમાં યોગીનું માન-સન્માન વધવાનું છે. મહારાષ્ટ્ર જેટલી જ મહત્ત્વની ઉત્તરપ્રદેશની ચૂંટણી હતી. યોગીની બુલડોઝર નીતિની સુપ્રીમ કોર્ટે ભલે ટીકા કરી હોય, પેટાચૂંટણીમાં ઉત્તર પ્રદેશની જનતાએ એને યોગ્ય ઠરાવતો ચુકાદો આપી દીધો. હાર પચાવવી અતિ કઠણ હોય છે.
નાસીપાસ થયેલા અખિલેશ યાદવે એવી કડવી વાણી ઉચ્ચારી કે ઉત્તરપ્રદેશના ઇતિહાસમાં આ સૌથી વિકૃત ચૂંટણી હતી. ભૂંડે હાલ પરાજિત થયેલા કોંગ્રેસ પક્ષને તો ઇવીએમમાં જ દરેક વખતે ગોલમાલ દેખાય છે. હકીકત એ છે કે હવે બહુમતી પ્રજાને મોડે મોડેય ખ્યાલ આવવા માંડયો છે કે અમારા ભોગે લઘુમતીની આળપંપાળ કરાય છે. એકવાર બહુમતી પ્રજા જાગે તો કોઇ રાજકીય પક્ષ ચૂંટણી જીતી નહીં શકે એ હકીકત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જનતાએ મૂગા મૂગા મતપત્રક દ્વારા પુરવાર કરી.