તમે કદી ઘરના ગાર્ડનમાં પ્લાન્ટ્સ સાથે વાત કરો છો ?
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- ઘરમાં કોઇ બીમાર હોય, કોઇનું મરણ થાય ત્યારે પણ પ્લાન્ટ લાગણી અનુભવે છે
સંખ્યાબંધ ફિલ્મોનાં શાીય રાગ પર આધારિત ગીતોમાં તબલાં વગાડનારા ઉસ્તાદ અબ્દુલ કરીમને પહેલીવાર મળવાનું ગોઠવાયું ત્યારે એક વિસ્મયજનક અનુભવ થયેલો. અગાઉથી સ્થળ-સમય નક્કી હતો. પરંતુ પત્રકાર અબ્દુલ કરીમના ઘરે પહોંચ્યો ત્યારે એ ઘરમાં નહોતા.
એમનાં પત્ની કહે કે નીચે સોસાયટીના બગીચામાં જાઓ. એ ઘેલો ત્યાં પ્લાન્ટ્સને તબલાં સંભળાવતો હશે. ધૂની છે, પાગલ જેવું વર્તન કરે છે.
અને ખરેખર સમજુ રસિકોની કોઇ મહેફિલમાં તબલાં વગાડતાં હોય એમ અબ્દુલ કરીમ પ્લાન્ટ્સ સામે બેસીને મોજથી તબલાં વગાડી રહ્યા હતા. આંખો મીંચેલી હતી.એ તાલસમાધિમાં હતા.
થોડીવાર પછી અકસ્માત આંખ ખોલી ત્યારે પત્રકારને જોયો. તરત ઉષ્માસભર આવકાર આપ્યો.... એ કહે, હું રોજ આ પ્લાન્ટ્સને તબલાં સંભળાવું છું. એ બહુ ખુશ થાય છે. ક્યારેક એમની સાથે વાતો પણ કરું છું.... ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા ઘણા સિનિયર સાજિંદા અબ્દુલ કરીમને પાગલ કહેતા. અબ્દુલ કરીમ પાગલ નહોતા, પ્રકૃતિપ્રેમી હતા. એમની વાત અત્યારે યાદ આવવા પાછળ નક્કર કારણ છે.
વૃક્ષ વનસ્પતિમાં પણ જીવ છે એવું આપણા વિજ્ઞાાની જગદીશચંદ્ર બોઝે કહેલું. સ્કૂલમાં ભણતાં બાળકોને એ વાત જરૂર યાદ કરાવવામાં આવે છે. અમેરિકામાં ક્લીવ બેક્સ્ટર નામનો બીજો એક વિજ્ઞાાની થઇ ગયો. બેક્સ્ટર જગદીશચંદ્ર બોઝથી થોડાં ડગલાં આગળ ગયો. એણે એક બે નહીં, પૂરાં છત્રીસ વર્ષ વિવિધ પ્લાન્ટ્સ સાથે વીતાવ્યાં. વૃક્ષ-વનસ્પતિ વિશે ગહન સંશોધન કર્યું.
આ બેક્સ્ટરે એક બેસ્ટ સેલર પુસ્તક પણ લખ્યું. એ પુસ્તકનું નામ પ્રાયમરી પર્સેપ્શન: બાયોકોમ્યુનિકેશન વીથ પ્લાન્ટ્સ, લિવિંગ ફૂડ્સ એન્ડ હ્યુમન સેલ્સ. આ પુસ્તકમાં એણે જગદીશચંદ્ર બોઝના વિચારોનું અનુસંધાન સાધ્યું છે. બેક્સ્ટર કહે છે કે પ્લાન્ટ્સમાં જીવ તો છે જ, મારા તમારા જેવાં સંવેદનો પણ છે. તમે રોજ એક પ્લાન્ટ પાસે ઊભા રહો. તમે ખુશ હો ત્યારે એ પ્લાન્ટ પણ ખુશ હશે. તમે ગમગીન હો ત્યારે પ્લાન્ટ પણ ગમગીન થઇ જશે. ઘરમાં બે ત્રણ પ્લાન્ટ્સનું નાનકડું ગાર્ડન હોય તો તમે કોઇ એક પ્લાન્ટ સાથે વાત કરી શકો છો. એ તમારી લાગણીનો પડઘો પાડશે.
આ સંદર્ભમાં એક બાળવાર્તા યાદ કરવા જેવી છે. રાજાની દાઢી કરવા જતા એક કેશ કર્તનકારે રાજાનો એક કાન કટ્ટો (કપાયેલો) જોયો. પોતે આ વાત જાણે છે એ બીજાને કહેવાની ઇચ્છા જાગી. પરંતુ કહેવું કોને ? વાત ફૂટી જાય તો જાનનું જોખમ થઇ જાય. કહ્યા વિના રહેવાય નહીં. જંગલમાં ગયો અને એક ઝાડ પાસે જઇને બોલી આવ્યો કે રાજા કાનકટ્ટો છે.
આ ઝાડના લાકડામાંથી કોઇ કારીગરે સારંગી બનાવી. રાજદરબારમાં એ સારંગી વગાડવામાં આવી ત્યારે સારંગી ગાઇ ઊઠી રાજા કાનકટ્ટો, રાજા કાનકટ્ટો...આખો દરબાર ચોંકી ઊઠયો. ખેર, બેક્સ્ટર તો એથી પણ આગળ વધીને કહે છે કે ઘરમાં કોઇ બીમાર હોય, કોઇનું મરણ થાય ત્યારે પણ પ્લાન્ટ લાગણી અનુભવે છે.
તમારી જેમ એ પણ વ્યથિત થાય છે. ક્યારેક તમે ગુસ્સે થઇને બૂમબરાડા પાડો ત્યારે પ્લાન્ટને ગમતું નથી. એ પોતાની નારાજી એક યા બીજી રીતે વ્યક્ત કરે છે. બેક્સ્ટરે આધુનિક ટેકનોલોજીની સહાયથી આ બધું રેકોર્ડ કર્યું. પછી પોતાના સંશોધનને રજૂ કરતું પુસ્તક પ્રગટ કર્યું. વૃક્ષ-વનસ્પતિ પણ ખુશમિજાજમાં હોય છે, ગમગીન હોય છે, વ્યથિત હોય છે. તમે ફૂલ તોડો ત્યારે તમને દોસ્ત ગણતો પ્લાન્ટ ડઘાઇ જાય છે કે આ શું, દોસ્ત થઇને મારું અંગછેદન કરે છે !
પ્લાન્ટ્સને સંગીત સંભળાવો ત્યારે એ ખુશ થઇને સરસ રીતે વિકસે છે, વૃદ્ધિ પામે છે. એનાં એ સંવેદનો પારખતાં તમને આવડવું જોઇએ. અત્યારે ચોમાસું જામી રહ્યું છે ત્યારે ઠેર ઠેર લીલી ચાદર પથરાશે. વૃક્ષ વનસ્પતિ મલકાશે. ક્યારેક કોઇ ગમતા પ્લાન્ટ સાથે દોસ્તી કરજો. એ પણ એક લ્હાવો છે.