ભારતીય સંગીત સંજીવની છે એવું પ્રાચીન ઋષિ-મુનિઓનું મંતવ્ય યથાર્થ છે

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
ભારતીય સંગીત સંજીવની છે એવું પ્રાચીન ઋષિ-મુનિઓનું મંતવ્ય યથાર્થ છે 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

ગરવા ગુજરાતી ફિલ્મ સર્જક વિજય ભટ્ટની ૧૯૫૦ના દાયકામાં રજૂ થયેલી ફિલ્મ 'બૈજુ બાવરા'માં એક અદ્ભુત દ્રશ્ય હતું. તાનસેનના ગુરુ, ભારતીય સંગીતના અજોડ સાધક સ્વામી હરિદાસ અવસ્થા અને વ્યાધિના કારણે પથારીવશ છે. એમના આશ્રમમાં આવેલો ટીનેજર બૈજુ 'મન તડપત હરિ દર્શન કો આજ' એટલો ભાવવિભોર થઇને ગાય છે કે નાના બાળકની જેમ ડગુમગુ થતા પગે સ્વામી હરિદાસ પથારીમાંથી ઊઠીને ઉપલા મજલે રહેલી પોતાની કુટિરમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં નીચે આવે છે. બૈજુ એમને પગે પડે છે... પચાસ-પંચાવન વર્ષની પોતાની કારકિર્દીમાં સરોદ અને મેંડોલીનવાદન દ્વારા અસંખ્ય ગીતોને યાદગાર બનાવનારા કિશોર દેસાઇના જીવનમાં પણ તાજેતરમાં આવો એક પ્રસંગ બની ગયો. સી. રામચંદ્રના સહાયક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પ્રદીપજીના અમર ગીત 'અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની'ના મ્યુઝિક એરન્જર રહી ચૂકેલા કિશોરભાઇ અત્યારે આવરદાના નવમા દાયકામાં છે.

ગયા મહિને પોતાના જ ઘરમાં ચાલતાં ચાલતાં શરીરની સમતુલા ન રહેતાં કિશોરભાઇ પછડાઇ ગયા. માથામાં ગંભીર ઇજા થઇ. ધડાધડ લોહી વહેવા માંડયું. ઘરમાં મગજના વ્યાધિનો શિકાર થવાથી સ્લો લર્નર બની ગયેલી આશરે અઠ્ઠાવન વર્ષની પુત્રી અદિતિ હાજર હતી. એની બૂમાબૂમથી પાડોશીઓ દોડયા. કિશોરભાઇના માનદ્ સેક્રેટરી-કમ-શિષ્ય સુનીલ પરીખને જાણ કરવામાં આવી. એ દોડી આવ્યા. તત્કાળ કિશોરભાઇને એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં દાખલ કર્યા. ડોક્ટરે તપાસ્યા અને કહ્યું કે ઇજા ગંભીર છે. કદાચ મગજને નુકસાન થયું હોઇ શકે.

સારવાર શરૂ થઇ. કિશોરભાઇની વાચા હણાઇ ગઇ હોય એવું લાગ્યું. કુદરતી હાજતો પરનો કાબુ પણ લગભગ જતો રહ્યો. થોડા દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો. એમનાં પત્ની તો થોડાં વર્ષ પહેલાં જ બ્રેઇન સ્ટ્રોકમાં દેવલોક થયાં હતાં. હવે કેમ કરવું. મુંબઇના કાંદિવલી ઉપનગરમાં વાત્સલ્યસૃષ્ટિ નામે એક સિનિયર સિટિઝન કેર સેન્ટર છે. કિફાયતી દરે અહીં વડીલોને રાખે છે. ડોક્ટર-નર્સ અને દરેક રૂમ દીઠ એક સેવક એવી સરસ વ્યવસ્થા છે. સવાર-સાંજ ચા-કોફી, ડોક્ટરની સલાહ મુજબ બંને સમય પૌષ્ટિક ભોજન. પિતાપુત્રી બંનેને ત્યાં રાખવામાં આવ્યાં. 

'ગુજરાત સમાચાર'ના પ્રતિનિધિ એમને જોવા ગયા ત્યારે આંખો નિસ્તેજ હતી. ચહેરા પર ઘેરી ગમગીની લીંપાયેલી હતી. પોતાની મેળે પડખું પણ ફેરવી શકતા નહોતા. મળવા આવેલા પત્રકારનો હાથ પકડી રાખ્યો. કંઇક કહેવા માગતા હતા પરંતુ વાચા સાથ આપતી નહોતી. અત્યંત કરુણાજનક સ્થિતિમાં હતા. 

દરમિયાન, એમના સહાયક  સુનિલ પરીખને એક વિચાર આવ્યો. કદાચ 'બૈજુ બાવરા'ના દ્રશ્ય પરથી સૂઝયું હશે. વાત્સલ્યસૃષ્ટિના સંચાલકોની પરવાનગી લઇને ૧૬મી જૂનના રવિવારે બપોર પછી કિશોરભાઇના બે ચાર શાગિર્દોને મેંડોલીન સાથે કેર સેન્ટરમાં બોલાવ્યા. આ લોકોને જોયા ને કિશોરભાઇના ચહેરા પર ચમક આવી. છેલ્લા એકાદ મહિનાથી વેજિટેબલ જેવી સ્થિતિમાં હતા. શાગિર્દો અને પોતાના માનસસંતાન જેવા વાજિંત્રને જોઇને પલંગમાં બેઠા થઇ ગયા. ખુરસી મંગાવી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરવાની સાથે સાથે થોડું મેંડોલીન વગાડયું. પછી જોકે અશક્તિને કારણે થાકી ગયા. હાજર રહેલા સૌની આંખના ખૂણા ભીના થઇ ગયા. 

અહીં આવો જ એક ઐતિહાસિક કિસ્સો યાદ આવે છે. બનારસ ઘરાનાના તબલાસમ્રાટ પંડિત કંઠે મહારાજ (સ્વર્ગીય કિસન મહારાજના કાકા)ને એકવાર ગંભીર તાવ આવ્યો. લગભગ ત્રણ સાડા ત્રણ ડિગ્રી તાવ હતો. એ સમયે આજના જેવી આધુનિક એન્ટિબાયોટિક્સ કદાચ ઉપલબ્ધ નહીં હોય. વડાંપ્રધાન ઇંદિરા ગાંધીને જાણ કરવામાં આવી. દરમિયાન, કંઠે મહારાજે ઇશારાથી કહ્યું કે મારાં તબલાં મંગાવો. થોડીક આનાકાની સાથે તબલાં મંગાવવામાં આવ્યાં. પંડિતજી બિછાનામાં બેઠાં થયા. પ્રભુની પ્રાર્થના કરીને આંખો મીંચીને શરૂમાં હળવે હાથે તબલાંવાદન શરૂ કર્યું. ધીમે ધીમે વાદનમાં લીન થઇ ગયા. એક-દોઢ કલાકમાં એમનું આખુંય શરીર અને વસ્ત્રો પરસેવાથી લથબથ થઇ ગયાં. તાવ અલોપ થઇ ગયો. આ છે ભારતીય સંગીતની દિવ્ય શક્તિ!


Google NewsGoogle News