તિરુપતિના લાડુ, અંબાજીનો મોહનથાળ, મંદિરોમાં વહેંચાતી મગસની લાડુડી...!
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
આંધ્ર પ્રદેશના ભારાડી નેતા ચંદ્રાબાબુએ પોલિટિકલ બોંબ વિસ્ફોટ કર્યો. એમણે એવો દાવો કર્યો કે તિરુપતિ બાલાજી મંદિરના લાડુમાં શુદ્ધ ઘીના સ્થાને મટન ટેલો અને માછલીનું તેલ વપરાય છે.
અગાઉ ગુજરાતના અંબાજી મંદિરના મોહનથાળનો પણ વિવાદ સર્જાયો હતો. આજે જ્યારે બનાવટી દૂધ, બનાવટી માવો, રસોડાના મસાલા હળદર, મરચું, ધાણાજીરું વગેરેમાં ભેળસેળ થતી હોય તો ભગવાનના પ્રસાદમાં પણ ભેળસેળ સ્વાભાવિક ગણાવી જોઇએ.
માણસ પોતે જે ખાય એ જ ભગવાનને પીરસે ને ! તકસાધુ નેતાલોગે ભગવાનના મંદિરોમાં વહેંચાતા પ્રસાદમાં ગોલમાલ થતી હોવાના આક્ષેપો વહેતા કર્યા. વાસ્તવમાં જ્યાં જ્યાં પોલિટિશ્યનો હાથ નાખે છે ત્યાં આવા વિવાદો રાતોરાત સર્જાઈ જાય છે.
ચંદ્રાબાબુને ગુજરાત માટે પણ પૂર્વગ્રહ હોવો જોઇએ. તિરુપતિના લાડુનો લેબોરેટરી ટેસ્ટ ગુજરાતમાં શા માટે કરાવ્યો એવો પ્રશ્ન ગુજરાતના કોઇ રાજકીય પક્ષના નેતાએ કર્યો નહીં. દક્ષિણના વિવાદો દક્ષિણમાં રાખો, ગુજરાત અને ગુજરાતી પ્રજાને એમાં શા માટે સંડોવો છો, ભૈ ? ગુજરાત વિશે દક્ષિણની પ્રજામાં નારાજી પ્રવર્તે એવું ન કરો ભૈ !
તિરુપતિ બાલાજીના લાડુ વિશેનો વિવાદ દુનિયાભરના શ્રદ્ધાળુના હૈયામાં ફાળ પડે એવો છે. તિરુપતિ બાલાજીના ભક્તોમાં વિશ્વવિખ્યાત સેલેબ્રિટીઝનો સમાવેશ થાય છે. ગ્રેટેસ્ટ શો મેન ગણાતા રાજ કપૂર પોતાની દરેક ફિલ્મની પ્રિન્ટ સૌ પ્રથમ તિરુપતિને અર્પણ કરતા એવી લોકવાયકા છે.
ચન્દ્રાબાબુએ ગમે તે કારણે આ વિવાદ સર્જ્યો હોય, એનાં દૂરગામી પરિણામો આવી શકે છે. અહીં અન્ય એક મુદ્દો વિસરાવો ન જોઇએ. દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતમાં ઘણાં સ્થળે બ્રાહ્મણ પરિવારો બિનશાકાહારી હોય છે. દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં બ્રાહ્મણ પરિવારો માછલીની વિવિધ વાનગીઓ ખાય છે. એમને ભગવાનના પ્રસાદમાં આવો કોઇ ખાદ્ય પદાર્થ હોય એમાં કશું અજુગતું ન લાગે એ સમજી શકાય. એવું જ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં સૈકાઓથી થતું રહ્યું છે. બ્રાહ્મણ પરિવારો રોજિંદા આહારમાં માંસાહારી વાનગીઓ ખાય છે. એ ત્યાંની પરંપરા છે. દક્ષિણમાં ધર્મ સાથે કર્મકાંડ વધુ જોડાયેલો છે.
થોડા સમય પહેલાં દક્ષિણ ભારતમાં જ અને ફોડ પાડીને કહીએ તો તામિલનાડુમાં એક નેતાપુત્રે સનાતન ધર્મ ને નષ્ટ કરો એવી હાકલ કરી હતી. એ મુદ્દે સારો એવો હોબાળો થયો હતો. સમયના વહેવા સાથે એ વાત કોરાણે મૂકાઇ ગઇ. વરસો પહેલાં એક વિદ્વાનના મોઢે સાંભળેલું- પૂરબ કો પંડિત ભલો, જ્ઞાાની કો પંજાબ, કર્મકાંડી કો દખ્ખન ભલો, ઢોંગી કો ગુજરાત... ખરી ખોટી એક માન્યતા છે કે એક સો ટકા શુદ્ધ ભારતીય સંગીત અને ધાર્મિક ક્રિયાવિધિ (કર્મકાંડ) દક્ષિણ ભારતમાં છે કારણ કે મુઘલ સામ્રાજ્ય ત્યાં સુધી પહોંચ્યું નહોતું.તિરુપતિના લાડુ જેવો જ વિવાદ અંબાજીના મોહનથાળ વિશે થયો હતો. આ મોહનથાળ બનાવવા માટે વપરાતા ઘીમાં ઘાલમેલ થઇ હોવાના આક્ષેપ થયા હતા. ખરું પૂછો તો બજારમાં વેચાતા તૈયાર મિષ્ટાન્નોમાં વપરાતા ઘી વિશે પણ વપરાશકારોમાં કાયમ શંકા રહેતી હોય છે.
દેશી ઘી એવો શબ્દપ્રયોગ થાય ત્યારે મોટે ભાગે વેજિટેબલ ઘી એવો અર્થ કરવામાં આવે છે. તહેવારોના દિવસોમાં બે ચાર મીઠાઇવાળાને ત્યાં દરોડા પાડીને મ્યુનિસિપાલિટી પોતાની ફરજ પૂરી થઇ એવો મિથ્યા સંતોષ માની લે છે. અગાઉ ડાલ્ડા જેવો શબ્દ વપરાતો હતો.
હવે વેજિટેબલ ઘી કહેવાય છે. તો શું નોન-વેજિટેબલ (માંસાહારી) ઘી પણ હોઇ શકે ? અગાઉ ગામડાંમાં ઘરે ઘરે વલોણાનું ઘી બનતું જે ખાનારના આરોગ્યને ઉપકારક હતું. આજે એવું ઘી ભાગ્યે જ કોઇ બનાવે છે.
ખેર, મુદ્દો તિરુપતિ અને અન્ય મંદિરોમાં વહેંચાતા પ્રસાદનો હતો. પોતાના સંકુચિત સ્વાર્થ અને ટૂંકા ગાળાના રાજકીય લાભ ખાતર કરોડો શ્રદ્ધાળુઓની લાગણી દૂભાવવાનો અધિકાર લેભાગુ નેતાઓને હોઇ શકે નહીં. આવા નેતાઓનો ખુદ લોકોએ જોરદાર વિરોધ કરવો જોઇએ.