મધ્યમ માર્ગનો ઉપદેશ ઘણા દેશોએ સ્વેચ્છાએ અપનાવ્યો છે !
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- મધ્યમ માર્ગનો મર્મ સમજાય તો અડધો અડધ સમસ્યા આપોઆપ વિદાય થઇ જાય
- સતત અજંપો, હાઇપર ટેન્શન, અનિદ્રા અને વાતે વાતે ચીડાઇ જવાના વધી રહેલા બનાવો પાછળ માનસિક કારણ છે
'તું તો વીણાવાદનમાં ધુરંધર છો. મને એ કહે વત્સ, વીણાના તાર ખૂબ તંગ હોય તો સ્વરો પ્રગટે ખરા ?' ભગવાન બુદ્ધે પોતાના એક શિષ્યને પ્રશ્ન કર્યો. એ સંન્યાસીએ ના પાડી. બુદ્ધે બીજો પ્રશ્ન કર્યો- 'તાર એકદમ ઢીલા હોય તો વીણા વાગે ખરી ?' ફરી પેલા સંન્યાસીએ ના પાડી. એણે કહ્યું, 'પ્રભુ, તાર એકદમ તંગ પણ નહીં અને એકદમ ઢીલા પણ નહીં એ રીતે ખૂંટી પર બાંધેલાં હોય તો સ્વરો પ્રગટે...'
તરત બુદ્ધે કહ્યું કે બસ, આ જ વાત છે વત્સ. તું રાજમહેલમાં હતો ત્યારે ભોગવિલાસનો અતિરેક કરતો હતો, હવે વૈરાગ્ય કે ત્યાગનો અતિરેક કરી રહ્યો છે. શરીરને તાવી તાવીને હાડપિંજર જેવું કરી નાખ્યું છે. પહેલાં ભોગનો અતિરેક હતો, હવે ત્યાગનો અતિરેક છે. સરળ માર્ગ એ છે કે સંતુલન જાળવવું. ન એક બાબતનો અતિરેક, ન બીજી બાબતનો અતિરેક. એને તમે સમતા કે મધ્યમ માર્ગ જે કહેવું હોય તે કહી શકો છો.
બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ..., ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ..., સંઘમ્ શરણમ્ ગચ્છામિ... નાભિમાંથી ઘુંટાઇને આવતા ખરજના સ્વરોમાં આ મંત્રો સમૂહગાન રૂપે સાંભળીએ ત્યારે અનાયાસે ધ્યાનમાં સરકી પડાય. વૈશાખ શુક્લ પૂર્ણિમા. એને બુદ્ધ પૂર્ણિમા પણ કહે છે. આવતી કાલે બુદ્ધ પૂર્ણિમા છે. મધ્યમ માર્ગનો બુદ્ધનો ઉપદેશ અમલમાં મૂકવો અત્યંત સરળ લાગવાથી બૌદ્ધ ધર્મ એશિયાના ઘણા દેશોમાં સહેલાઇથી પ્રસરી ગયો. જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, જપાન અને સૌથી ઘાતકી ગણાતા ચીનમાં પણ બૌદ્ધ ધર્મના લાખ્ખો અનુયાયીઓ છે.
બુદ્ધ પોતે પણ રાજપરિવારના નબીરા હતા. એક વિરલ પળે રજવાડી જીવન નિરર્થક લાગતાં પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છોડીને સંન્યાસ લઇ લીધો. એ ઘટના મહાભિનષ્ક્રમણના નામે જાણીતી છે. બુદ્ધે પેાતે પણ પહેલાં આકરી તપશ્ચર્યા કરી હતી. પરંતુ જેને કેવળ જ્ઞાાન કહે છે એ તો આકરા તપના પગલે મળ્યું નહીં. એ તો તદ્દન જુદા સંજોગોમાં પ્રાપ્ત થયું. ત્યારે બુદ્ધને પોતે મધ્યમ માર્ગનો મહિમા આત્મસાત થયો.
નિષ્ણાત ડોક્ટરો કહે છે કે પચાસ ટકા બીમારી માનસિક (સાઇકો-સોમેટિક) હોય છે. આજે સતત અજંપો, હાઇપર ટેન્શન, અનિદ્રા અને વાતે વાતે ચીડાઇ જવાના વધી રહેલા બનાવો પાછળ માનસિક કારણ છે. એવું એેક કારણ એ પણ છે કે આધુનિક માણસ મધ્યમ માર્ગ ભૂલી ગયો છે. મધ્યમ માર્ગનો મર્મ સમજાય તો અડધો અડધ સમસ્યા આપોઆપ વિદાય થઇ જાય. પ્રગતિ અને ટોચ પર પહોંચવાની લાહ્યમાં મધ્યમ માર્ગ વિસરાઇ જતો હોય છે. મધ્યમ માર્ગ સતત યાદ રહે તો જીવન જીવવું આકરું ન લાગે.
બૌદ્ધ ધર્મના બાકીના બે મંત્રો પણ ઊંડો સૂચિતાર્થ ધરાવે છે. ધર્મ એટલે તમે જે કામ કરતા હો તેને સંપૂર્ણપણે સમર્મિત થઇ જવું. જે વ્યવસાય કરતાં હો એને વફાદાર રહીને નિષ્ઠાપૂર્વક કામ કરતાં રહેવું એ ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ થયું.
સંઘમ્ શરણમ્ ગચ્છામિ એટલે જે સમાજમાં રહીએ છીએ એ સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેવું. સંકુચિત સ્વાર્થમાં રચ્યાપચ્યા ન રહેવું એટલે સંઘમ્ શરણમ્ ગચ્છામિ. આજે આ વિકરાળ કોરોના કાળમાં આ બે મંત્રો વધુ મહત્ત્વના છે. એનો અમલ કરીએ તો ઝડપભેર પરિસ્થિતિ નોર્મલ થઇ જાય.