સાત-સાત દાયકા પછી પણ આપણે લોકશાહીને લાયક થયા નથી કે શું?
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- દેશને અસ્થિરતા કે અરાજકતા તરફ ધકેલી દેવાનું ષડયંત્ર કેટલાંક પરિબળો આચરી રહ્યા છે. એ પરિબળો દેશી હોય કે વિદેશી, આપણા માટે ખતરનાક છે
ગયા ગુરુવારે, ૧૯ ડિસેમ્બરે સાંજે વિવિધ ન્યૂઝ ચેનલ પરનાં દ્રશ્યો તમે જોયેલાં કે? કોઇ પણ સમજદાર નાગરિક ચોંકી ઊઠે એવાં એ દ્રશ્યો હતાં. સંસદ ભવન પર જે રીતે આપણા કહેવાતા લોકસેવકો બાથંબાથી કરી રહ્યા હતા એ જોઇને આપણું મસ્તક શરમથી ઝુકી જાય! આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવડાવીએ છીએ એ કેટલો પોકળ દાવો છે એ ગુરુવારે જોવા મળ્યું. જે સંસદનું સત્ર ચલાવવા માટે મિનિટ દીઠ લાખ્ખો રૂપિયા ખર્ચાય છે એ સંસદની બહાર જે રીતે સાંસદોએ ધમાચકડી મચાવી એ કલ્પી ન શકાય એવું અભદ્ર દ્રશ્ય હતું. પાછા આ જ લોકો મારા તમારા જેવા કરદાતાઓના પૈસે આજીવન પેન્શન લેતાં ખંચકાશે નહીં.
આ દ્રશ્યો જોઇને સહજ એવો સવાલ જાગ્યો હતો કે રાજકીય આઝાદીના સાત સાત દાયકા પછી પણ આપણે પરિપક્વ થયા નથી. લોકશાહીને લાયક બન્યા નથી. લોકશાહી બોલતાં રહેવું અને લોકશાહી જીવવું એ બંને અલગ બાબત છે. આપણે જાણ્યે-અજાણ્યે લોકશાહીને બદલે ગોકીરાશાહી તરફ ધકેલાઇ રહ્યા હોઇએ એવું થઇ રહ્યું છે. ગયા સપ્તાહે સૌથી વધુ આઘાતજનક વર્તન એકસો ચાલીસ વરસના થવા આવેલા કોંગ્રેસ પક્ષના નેતાઓનું હતું. વિરોધ પક્ષના અન્ય પક્ષો હવે કોંગ્રેસથી કંટાળ્યા છે, પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીને વિપક્ષોનું સુકાન સોંપવાની વાતો થઇ રહી છે એવા સમયે, કોંગ્રેસ નેતાગીરી રઘવાયી થઇ ગઇ હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ટીવી કેમેરાઓ પર દેખાતા રાહુલ ગાંધીના ચહેરા પરનું ઝનૂન તમે જુઓ તો ડઘાઇ જાઓ. મમતા બેનરજી તો ક્યારનાં જ કહે છે કે રાહુલ ગાંધી દેશનું સુકાન સંભાળવા માટે યોગ્ય નથી. સાંસદોની અથડામણ વખતના રાહુલને જુઓ તો તમે પણ મમતા સાથે નિઃસંકોચ સંમત થઇ જાઓ.
એમ લાગે છે કે દેશને અસ્થિરતા કે અરાજકતા તરફ ધકેલી દેવાનું ષડયંત્ર કેટલાંક પરિબળો આચરી રહ્યા છે. એ પરિબળો દેશી હોય કે વિદેશી, આપણા માટે ખતરનાક છે. સરહદ પર છમકલાં, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સંવનન, કહેવાતા ખેડૂતોનું આંદોલન, સંભલની હિંસા, લઘુમતી કોમના કેટલાક (યસ, કેટલાક જ) નેતાઓ અને મુલ્લાઓ દ્વારા વિષવમન, આર્થિક મોરચે ચડાવ-ઉતાર, ખાડે જઇ રહેલી આરોગ્ય અને શિક્ષણ સેવા, કોમી ભાઇચારાને ખતમ કરી નાખવાના આયોજનપૂર્વકના પ્રયાસો... આ બધું જોતાં દેશના ભાવિ વિશે ચિંતા ન થાય તો જ નવાઇ!
દિવસે દિવસે કોંગ્રેસ પક્ષનું વર્તન વધુ બેહૂદું થઇ રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં જબરદસ્ત પરાજય મળ્યા પછી કોંગ્રેસના નેતાઓ બહાવરા બની ગયા હોય એમ વર્તે છે. બંધારણની નકલ હાથમાં રાખીને હો-હા કરવાથી તમે બંધારણના ભક્ત કે સમર્થક બની જતા નથી એ હકીકત કોંગ્રેસના નેતાઓને કોણ સમજાવે? તમે હાલના શાસક પક્ષના સમર્થક ન હો તો પણ એટલું તો જાણતા હશો કે છેક પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને મનમોહન સિંઘની સરકાર સુધી બંધારણ જોડે સૌથી વધુ ચેડાં કોંગ્રેસ સરકારોએ કર્યા છે. એ દરેક ચેડાએ સૌથી વધુ નુકસાન પણ બહુમતી પ્રજાને કર્યું છે.
પોતાનો ચહેરો દર્પણમાં નીરખવાને બદલે હાલની સરકાર બંધારણ નષ્ટ કરવા માગે છે એવો ગોકીરો કરવાથી તમે કોમન મેનને ભરમાવી શકો નહીં. લોકો હવે બધું સમજે છે. વિરોધ પક્ષોના શંભુમેળાનો દરેક ઘટક એક યા બીજી રીતે લોકો સમક્ષ ખુલ્લો પડી ગયો છે. હવે ડરવાનો વારો રાજકીય પક્ષો અને બની બેઠેલા નેતાઓનો છે. બહુમતી પ્રજાનો રોષ ફાટી નીકળશે તો દુનિયાની કોઇ લશ્કરી તાકાત એને કચડી નહીં શકે એ વાત આ નેતાલોગે સમજી લેવાની તાતી જરૂર છે. સહનશીલતાની પરાકાષ્ઠા આવી રહી છે. પલટાતા પવનને નહીં પારખનારા નેતાઓ ગમે ત્યારે કાળગ્રસ્ત થઇ જશે. સમજુને ઇશારો, ગર્દભને ડફણાં!