માનવ સ્વભાવની કેટલીક વિશિષ્ટતા ખરેખર વિસ્મયજનક હોય છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- રમતગમતમાં પણ ખેલાડીઓમાં અંદર અંદર સ્પર્ધા, એકબીજાથી ચઢિયાતું કરી બતાવવાની ભાવના, મહત્ત્વાકાંક્ષા અને ઇર્ષા-અદેખાઇ હોય છે
મનોચિકિત્સકોની જેમ કવિઓ પણ માનવ સ્વભાવના અભ્યાસી હોય છે? કોણ જાણે, પરંતુ કેટલાક કવિઓએ અનાયાસે માણસના સ્વભાવને કાવ્યમાં વણી લીધો છે. 'રમતાં રમતાં લડી પડે, ભૈ, માણસ છે, હસતાં હસતાં રડી પડે, ભૈ, માણસ છે...' અથવા 'માનવીના હૈયાને નંદવામાં વાર શી?' જેવાં કાવ્યો આ વાતની સાક્ષી પૂરે છે. તાજેતરમાં કેટલીક ઘટનાઓ બની ગઇ. એના વિશે વિચારતાં એમ લાગે કે કવિએ સાચું લખ્યું છે.
એવી પહેલી ઘટના ક્રિકેટની છે. ધુંઆધાર બેટ્સમેન વિરાટ કોહલીએ જે બોર્ડને એવી હૈયાધારણ આપી કે હું ગંભીર સાથે સમાધાનકારી વલણ રાખીને રમીશ. આવી હૈયાધારણ કેમ આપવી પડી એ આપણે સૌ જાણીએ છીએ. આપણી ટીમમાં પણ અંદર અંદર અહંક્લેશના બનાવો અવારનવાર બનતા રહ્યા છે. એક સમયે ક્રિકેટને સજ્જનોની રમત (જેન્ટલમેન્સ સ્પોર્ટ) કહેવાની પરંપરા હતી. ગુજરાતી ભાષામાં ખેલદિલી જેવો સરસ શબ્દ છે. ખેલાડીઓમાં ખેલદિલી શોધવી પડે એ કેવું વિચિત્ર કહેવાય! રમતગમતમાં પણ ખેલાડીઓમાં અંદર અંદર સ્પર્ધા, એકબીજાથી ચઢિયાતું કરી બતાવવાની ભાવના, મહત્ત્વાકાંક્ષા અને ઇર્ષા-અદેખાઇ હોય એ આવા પ્રસંગે સમજાય છે. સફળતાથી છકી ન જાય એવા ખેલાડી મળવા મુશ્કેલ છે.
બીજી બે ઘટના ભારતીય રાજકારણની છે. 'અબ કી બાર ચારસો કે પાર...'ની ડંફાસ લોકસભાની ચૂંટણીમાં સાકાર ન થઇ એટલે સૌથી શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપમાં પણ યાદવાસ્થળી જેવું વાતાવરણ સર્જાઇ ગયું. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓ ધાર્યું પરિણામ ન મેળવી શકવા બદલ એકબીજા પર માછલાં ધુવે છે. નિષ્ફળતાનું સગું કોઇ નહીં એ વાત ઉત્તર પ્રદેશના ભાજપી નેતાઓ પુરવાર કરી રહ્યા છે. જો કે એક વાત સાચી કે અયોધ્યામાં રામમંદિર તરફ જવાનો ખાસ માર્ગ તૈયાર કરવાની લાહ્યમાં કેટલાંક રહેઠાણો અને દુકાનો ધરાશાયી કરી નાખવાની રાજ્ય સરકારની ઉતાવળ લોકસભાની ચૂંટણીમાં ભારે પડી ગઇ. હવે દોષનો ટોપલો એકબીજા પર ઢોળીને દરેક નેતા પોતે નિર્દોષ હોય એવું પુરવાર કરવા મથે છે.
ત્રીજી ઘટના પણ ભાજપની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી એ પ્રસંગ હોય કે ચૂંટણી પ્રચારની રેલીઓ હોય, તટસ્થ રીતે વિચારો તો એમના વ્યક્તિત્વમાં એક પ્રકારનો અહં અને આત્મવિશ્વાસનો અતિરેક વર્તાતો હતો. સિંહને મોઢે તો કોઇ કહી શકે નહીં કે ભાઇ, તારું મોઢું ગંધાય છે... લોકસભાની ચૂંટણીનાં પરિણામો ધાર્યાં મુજબ ન આવ્યાં એ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કોથળામાં પાંચશેરી ભરીને ફટકારી કે સેવકમાં અભિમાન ન હોવું જોઇએ. ખરેખર તો એમ કહેવાની જરૂર હતી કે અભિમાન હોય તો ભલે હોય, પણ જાહેરમાં એ દેખાવું ન જોઇએ. ૧૯૭૦ના દાયકામાં એવુ ગુમાન ઇન્દિરા ગાંધીનાં વાણી વર્તનમાં અનુભવાયું હતું. મોહન ભાગવતની મણિપુરની પરિસ્થિતિ વિશેની ટકોર પણ શાસક પક્ષને રુચિ નહીં.
હકીકત એ છે કે ભાજપનાં છેલ્લાં દસ વરસના શાસનમાં જાણે અજાણે સંઘ અને શાસક પક્ષ વચ્ચે એક પ્રકારની તિરાડ સર્જાઇ ગઇ. સંઘને એવું લાગ્યું કે ભાજપ અમારી અવગણના કરે છે. ભાજપના કેટલાક લોકો એમ માનતા થયા કે અમે સંઘ વિના ચૂંટણી લડી અને જીતી શકીએ છીએ. બંને પોતપોતાની રીતે સાચા હતા, પરંતુ એક વાત ભૂલાઇ ગયેલી કે સંઘ અને ભાજપ એકમેકના પૂરક છે. એક સિક્કાની બે બાજુ છે. એને તમે નોખા પાડી શકો નહીં.
મૂળ વાત એ હતી કે માણસ માત્ર અપૂર્ણ છે. એકબીજાને તમામ ખૂબી-ખામી સાથે સ્વીકારી લેવામાં જ વ્યવહારુ ડહાપણ છે. એકસરખા દિવસ સુખના કોઇના જાતા નથી.. સબ કો સન્મતિ દે ભગવાન...!