વિકાસનો અર્થ આ જ થતો હોય તો નથી જોઇતો આવો વિકાસ
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
કદાચ પ્રાથમિક શાળાની ઘટના હશે. કદાચ માધ્યમિક શાળામાં પણ બન્યું હોઇ શકે. બાળકોને રૂઢિપ્રયોગ અને કહેવતો ભણાવી રહેલી શિક્ષિકાએ લખ્યું કે પછી કોઇ બોઘા બાળક પાસે લખાવ્યું હશે- 'હાથ પગ ધૂ્રજવા' રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાળા પાટિયા પર જવાબ લખાયો- 'સમયસર શરાબ ન મળે ત્યારે હાથપગ ધૂ્રજે છે.' લો કરો વાત. સમયસર પેગ ન મળે તો હાથ પગ ધૂ્રજે. બીજો રૂઢિપ્રયોગ- 'કાળજે ટાઢક થઇ.' જવાબ- 'એક પેગ પેટમાં પડયો...' શાસક પક્ષ ભાજપના ભાઇબંધ નીતિશ કુમારના બિહારની વાત છે. બિહારના મોતીહારી વિસ્તારના જામુઆ વિદ્યાલયની ઘટના છે. સંબંધિત શિક્ષિકાએ બચાવમાં કહ્યું કે આ તો છ માસ પહેલાંની વાત છે. વાત ક્યારની છે એ મહત્ત્વનું નથી. તમે શું ભણાવો છો એ મહત્ત્વનું છે.
એમ તો સો સવાસો વરસ પહેલાં ગુજરાતની એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું ત્યારે પણ શિક્ષકે આવું કંઇક કરેલું. મોહનદાસ કરમચંદ ગાંધી નામના ઠોઠ નિશાળિયાને કેટલા શબ્દની જોડણી આવડતી નહોતી. સમજદાર શિક્ષકે પગથી ઠેબું મારીને ઇશારો કર્યો કે બાજુવાળામાં જોઇને લખી લે, પણ મોહન ખરેખર બોઘો નીકળ્યો. એ સમજ્યો કે મને ચોરી કરવાની ના પાડે છે.
શાસક પક્ષ સતત વિકાસની ગુલબાંગો મારે છે. કયો વિકાસ, કોનો વિકાસ, કેવો વિકાસ? બિહાર અને ગુજરાત બંને રાજ્યોમાં એક બાબત સરખી છે. બંનેમાં દારૂબંધી છે. ખરેખર છે દારૂબંધી? સહેજ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે ચોરે ને ચૌટે જોઇએ તેટલો દારૂ મળે છે. દારૂની ક્યાં વાત કરો છો, ગુજરાતમાં રોજ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. શરાબ તો પોલીસ સ્ટેશનની સામે વેચાય છે અને બેધડક પોલીસ પોતે પીતા હોય એવા સમાચાર અને તસવીરો પ્રગટ થાય છે. ખબરદાર, હવે કોઇએ ગાંધીનું ગુજરાત એવો વાક્ય પ્રયોગ કર્યો છે તો! અહીં રોજ લાખો રૂપિયાનો શરાબ પીવાય છે અને એટલી જ રકમનું ડ્રગ્સ ટીનેજર્સ લેતાં થયા છે.
કેવો દાટ વાળ્યો છે રાજકારણીઓએ એનો આ જીવંત પુરાવો છે. કોઇ કહેતાં કોઇ રાજકીય પક્ષના વખાણ હવે કરી શકાય તેમ નથી. દરેકે સંખ્યાબંધ દૂષણોનો જથ્થાબંધ વિકાસ થવા દીધો છે. દારૂબંધી શબ્દ આજે રમૂજનું નિમિત્ત બની રહ્યો છે. માત્ર બિહાર કે ગુજરાત પૂરતી વાત નથી. દેશના લગભગ દરેક રાજ્યમાં શરાબીઓની અને નશેડીઓની સંખ્યા વધતી ચાલી છે.
હવે તો ગરવી ગુજરાતણો પણ બેધડક શરાબ પીવે છે. વિદેશ પ્રવાસે જાય ત્યાંથી અસલી માલ લઇ આવે છે અને અહીં ઘરમાં બેસીને કે અમુક તમુક ક્લબમાં ટેસથી પીવે છે. ન પીવે એ યુવતી મણીબેન તરીકે હાસ્યનું પાત્ર બને છે. જે દૂષણ પોલીસે અટકાવવાનું છે એની જોડે ખુદ પોલીસ સંકળાયેલી હોય છે. શરાબની પોટલી વેચતાં પકડાય ત્યારે એ ખેપિયાઓ જે-તે પોલીસ કોન્સ્ટેબલ કે એના સાહેબનો માણસ હોવાનો એકરાર કરે છે. વાડ થઇને ચીભડાં ગળતી હોય તો ફરિયાદ કરવી કોને?
શરાબ કે ડ્રગને કારણે વ્યક્તિ વાતવાતમાં ઉશ્કેરાઇ જાય છે અને ન કરવાનું કરી બેસે છે. ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સા વધી રહ્યા છે એનું કારણ પણ નશાની આદત છે. ઘરના ગદ્દાર એવા દાઉદ ઇબ્રાહિમે દેશને ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય બજાર બનાવી દીધો. ટીનેજર્સની એક આખી પેઢી ખુવાર થઇ રહી છે એવું ડોક્ટરો કહે છે. મા-બાપ બંને નોકરી કરતાં હોય અને મોંઘવારીને પહોંચી વળવા પેટે પાટા બાધતાં હોય ત્યારે દેખાદેખીથી સ્કૂલ ચિલ્ડ્રન ડ્રગ્સના રવાડે ચડી જાય છે. બાળમાનસને બરાબર સમજતા ટપોરીઓ ટીનેજર પાસે પૈસા ન હોય ત્યારે બે-ચાર વાર ઉધાર ડ્રગ આપીને પેલાને બંધાણી બનાવી દે છે. એકવાર ટીનેજરને ડ્રગની ટેવ પડી જાય પછી ક્યારેક ઘરમાં જ ચોરી કરતો થઇ જાય છે. માબાપને ખબર પડે ત્યારે તો બહુ મોડું થઇ ગયું હોય છે.
આ વિકાસ નથી, દોસ્તો! આ તો વિકાસનો ભ્રમ છે. વિકાસના નામે થઇ રહેલું છળ છે. કદાચ આ વિકાસ હોય તો પણ આવો વિકાસ કોઇ કામનો નથી. શરાબ અને ડ્રગ બધી રીતે ટીનેજરને બરબાદ કરી નાખે છે. તનમનથી એ ટીનેજર ખોખલો થઇ જાય છે. એનો માનસિક વિકાસ ખોરવાઇ જાય છે. હજુય સમય છે. આપણે સૌ તાબડતોબ ખડા થઇને આ બંને દૂષણો સામે લડવા અને ખાસ તો આપણાં બાળકોના ભવિષ્યને અંધકારમય થતું રોકવા કટિબદ્ધ થઇએ.