Get The App

ઇઝરાયલને બસ કરો, બસ કરો કહેનારાઓ હમાસની હેવાનિયતને વિસરી જાય છે

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
ઇઝરાયલને બસ કરો, બસ કરો કહેનારાઓ હમાસની હેવાનિયતને વિસરી જાય છે 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

લગભગ છેલ્લા દોઢ મહિનાથી પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે ખૂનખાર જંગ ચાલી રહ્યો છે. યુનો અને મુસ્લિમ દેશો સતત ઇઝરાયલને અનુરોધ કરી રહ્યાં છે કે હવે ખમૈયા કરો. નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઇ રહ્યો છે. આવી અપીલ કરનારાઓ માનવતાની દુહાઇ આપી રહ્યા છે, પરંતુ તેઓ સાતમી ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ આચરેલી હેવાનિયતને ભૂલી જાય છે. વિદેશી મીડિયામાં પ્રગટ થયેલા અહેવાલો વાંચીએ તો આપણા પુરાણ પ્રસિદ્ધ રાક્ષસો પણ હમાસના આતંકવાદીઓની સરખામણીમાં સારા લાગે. નરકાસુર, મહિષાસુર, ભસ્માસુર કે બકાસુર જેવા રાક્ષસો પણ શરમાઇ જાય એવું અધમ કૃત્ય હમાસે કર્યું હતું. એની ઝલક આ રહી.

અમેરિકી વિદેશપ્રધાન એન્ટની બ્લીન્કને અમેરિકી સંસદીય સમિતિ સમક્ષ રજૂ કરેલા અહેવાલ મુજબ સાતમી ઓક્ટોબરે ઇઝરાયેલી વિસ્તારમાં અચાનક હુમલો કરનારા હમાસના આતંકવાદીઓએ નાનકડાં બાળકો સમક્ષ એમના પિતાની આંખો ધારદાર છરી વડે ખોતરી કાઢી હતી. એ જ વખતે માતાઓનાં સ્તન વાઢી નાખ્યાં હતાં અને બાળકોના હાથપગના આંગળા કાપી નાખ્યા હતા. એ પછી ચોમેર લોહી-માંસના લોચા વચ્ચે આતંકવાદીઓ કશું બન્યું ન હોય એમ ઠંડે કલેજે લંચ લેવા બેઠા હતા. આ આતંકવાદીઓએ ખરેખર કેટલા ઇઝરાયલીઓની કત્લેઆમ ચલાવી એનો સાચો આંકડો કોઇ કહી શકે એમ નથી. અમેરિકી વિદેશપ્રધાન કદાચ અતિશયોક્તિ કરી રહ્યા હોય તો પણ એ સત્યની અતિશયોક્તિ હતી.

બીજી બાજુ વિદેશી મીડિયા સાથે વાત કરતાં હમાસના વડા ઇસ્માઇલ હાનિયેએ કહ્યું કે પેલેસ્ટાઇનની ૮૦ ટકા વસતિ નિરાશ્રિતોની બનેલી છે. નિરાશ્રિતોનું  ભરણપોષણ કરવાની જવાબદારી યુનોની છે, અમારી નથી. સૌથી આઘાતજનક વાત એ છે કે અત્યારે ઇઝરાયેલનો જબરદસ્ત હુમલો થઇ રહ્યો છે ત્યારે મોટા ભાગના હમાસના નેતાઓ પોતાનો જાન બચાવીને કતારમાં અય્યાશી કરી રહ્યા છે.

જે પેલેસ્ટિનીયનો યુદ્ધગ્રસ્ત વિસ્તાર છોડી રહ્યા છે એમને હથિયારોના બળે રોકીને હમાસના લડવૈયાઓ ઇઝરાયલ બોંબમારા અને ગોળીબાર સામે આ નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. હોસ્પિટલો, સ્કૂલો અને ધર્મસ્થળોની નીચે પચાસ પોણોસો ફૂટ ઊંડે હમાસે સગવડદાયી બંકરો (વિદેશી મીડિયા ટનલ શબ્દ વાપરે છે) બનાવ્યાં છે. હમાસના આતંકવાદીઓએ ત્યાં બેફામ દારુગોળો અને હથિયારો છૂપાવ્યાં હતાં. ઇઝરાયલી લશ્કરે આવા બંકર્સને ઊડાવવા માંડયા ત્યારે હમાસના લડવૈયા જાન બચાવવા નાસવા માંડયા. એ વખતે પણ અલ સિફા નામની સૌથી મોટી હોસ્પિટલના દર્દીઓ તથા નિર્દોષ નાગરિકોને ઢાલ બનાવીને પોતાનો જીવ બચાવતા હતા.

સાતમી ઓક્ટોબરે હમાસે હુમલો કર્યો ત્યારે અસંખ્ય ઇઝરાયલી મહિલાઓ પર ગેંગ રેપ થયા હતા, એટલંર જ નહીં, આ મહિલાઓને ક્રૂર રીતે મારી નાખીને એમના નગ્ન મૃતદેહોને લાતો મારી હતી અને એ મૃતદેહો પર પેશાબ કર્યો હતો. મરઘીની ડોક મરડે એ રીતે કૂમળાં બાળકોની  ડોક મરડી નાખી હતી. એ સમયે એમને ખ્યાલ નહોતો કે ઇઝરાયલ આવો જંગી હુમલો કરશે અને દાયકાઓ સુધી યાદ રહી જાય એવો બદલો લેશે. હમાસના નેતાઓ એ પણ ભૂલી ગયા કે એડોલ્ફ હિટલર જેવો હિટલર પણ યહૂદીઓનો સંપૂર્ણ વિનાશ કરી શક્યો નહોતો.  

અત્યારે લગભગ આખી દુનિયા ઇઝરાયલને વિનંતી કરી રહી છે કે હવે બસ કરો. પરંતુ ઇઝરાયેલી વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું એમ ઇઝરાયલી મહિલાઓની હમાસે કરેલી બેઇજ્જતી ઇઝરાયેલી પ્રજા ભૂલવા તૈયાર નથી. અહીં ઔર એક વાત સમજવા જેવી છે. ખુદ પેલેસ્ટાઇનનાં સંખ્યાબંધ યુવક-યુવતીઓ આતંકવાદીઓનાં બેવડાં ધોરણથી ત્રાસીને ઇઝરાયેલી સેનામાં ભરતી થઇ ગયાં હતાં.કદાચ કોઇને એમ લાગે કે આ યુવક- યુવતીઓ ગમે ત્યારે ઇઝરાયલને દગો આપશે તો એ ધારણા ખોટી છે. આ યુવક યુવતીઓ  ઇઝરાયલ પ્રત્યેની પોતાની વફાદારી પુરવાર કરી ચૂક્યાં છે. હમાસના નેતાઓ કતાર નાસી જઇને મોજ કરી રહ્યા છે એ મુદ્દે પણ હવે હમાસમાં નારાજગી પ્રવર્તી રહી હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ યુદ્ધનો ક્યારે કેવી રીતે અંત આવશે એ કહેવું મુશ્કેલ છે. એક વાત સાચી કે આતંકવાદ કોઇ પણ હિસાબે નષ્ટ થવો જ જોઇએ.


Google NewsGoogle News