લો બોલો, હાર્ટ પ્રોબ્લેમ અને કેન્સર પછી સૌથી વધુ મરણ પ્રિસ્ક્રાઇબ્ડ દવાઓથી થાય છે...
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- વરસો સુધી પાકન્સનની સારવાર રૂપે ડોપામાઇન નામનું રસાયણ ઔષધિ રૂપે અપાતું રહ્યું. આ દવાની કિડની પર માઠી અસર થાય છે તે વાત છુપાવવામાં આવી હતી
આ વખતે શિયાળો થોડો આકરો રહ્યો. ડિસેંબર અને જાન્યુઆરી વચ્ચે જોરદાર ઠંડી પડી. આ રીતે મોસમ પલટો મારે ત્યારે ઘણા લોકો માંદા પડી જાય છે. એક તરફ ઠંડી અને બીજી બાજુ હવામાં પ્રદૂષણ એટલે શરદી, ઊધરસ અને તાવના કેસ વધી જાય. ડોક્ટરો કહેશે, આ તો વાયરો છે. તમે આ દવા લઇ જાઓ. બે-ત્રણ દિવસમાં સારું થઇ જશે. વૈદો કહેશે, નિયમિત સુદર્શનની ગોળી લેવાનું રાખો. ચામાં સૂંઠ નાખો. એટલે સારું લાગશે. પોતાના કાયમી દર્દીને સારું કરવા ડોક્ટર સારી ભાવનાથી અમુક તમુક દવા આપે અને પેશન્ટ પણ પોતાના ફેમિલી ડોક્ટર પર પૂરેપૂરો વિશ્વાસ રાખીને એ દવા લે.
પરંતુ કોઇ આપણને એમ કહે કે એકલા અમેરિકામાં હાર્ટ પ્રોબ્લેમ અને કેન્સર પછી સૌથી વધુ મરણ ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાથી થાય છે, તો? અને આવું કહેનાર વ્યક્તિ કોઇ અનુભવી ફિઝિશ્યન અને બાયોલોજિસ્ટ હોય તો? માનવું પડે ને? એક ડેનિસ સ્કોલર ડોક્ટર પીટર ગ્યોત્ઝેએ એક પુસ્તક લખ્યું છે- ડેડલી મેડિસિન્સ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ'. આ પુસ્તકે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જબરદસ્ત ખળભળાટ મચાવી દીધેલો. આ પુસ્તકમાં ડોક્ટર પીટરે એવો દાવો કર્યો હતો કે વિશ્વવિખ્યાત દવા કંપનીઓ દર્દીઓ તો ઠીક, ડોક્ટરોને પણ જે-તે દવાનાં ઘટક તત્ત્વોની સંપૂર્ણ એટલે કે એકસો ટકા સાચી માહિતી આપતી નથી. ઘણીવાર તમારા પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ રાખીને તમને અમુક દવા આપનારા ડોક્ટર પોતે પણ જાણતા હોતા નથી કે આ દવાની આડઅસર કેવી થશે?
ડોક્ટર પીટર પોતાના પુસ્તકમાં આ વાત ભાર મૂકીને કરે છે કે અમેરિકા પૂરતી વાત કરીએ તો કેન્સર અને હાર્ટ પ્રોબ્લેમ પછી સૌથી વધુ મરણ ડોક્ટરો દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાતી દવાઓથી થાય છે. લેખકના આ પુસ્તકે યુરોપિયન દવા કંપનીઓમાં ચકચાર જગાડી હતી. અબજો રૂપિયા સંશોધન અને એનાથી પણ વધુ રકમ જાહેરખબરો તથા ડોક્ટરોને વિવિધ લાભ આપવા પાછળ ખર્ચતી દવા કંપનીઓ નગ્ન સત્ય સહન કરી શકે ખરી? આંતરરાષ્ટ્રીય દવા કંપનીઓએ ડોક્ટર પીટર ગ્યોત્ઝેને સામ-દામ-દંડ-ભેદ ચારે નીતિ દ્વારા ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા હતા. ડોક્ટર પીટર એકલા અને સામી બાજુ કૌરવોની અઢાર અક્ષૌહિણી સેના જેવી ફાર્માસ્યુટિકલ કંપનીઓ. ડોક્ટરે એક કરતાં વધુ નોકરીઓ ગુમાવી. જોકે પીટર હિંમત હાર્યા નહીં. એ સતત પોતાની વાત કોમન મેન સુધી પહોંચાડવા લડતા રહ્યા. સભાઓ, અખબારી લેખો, સોશિયલ મીડિયા વગેરે દ્વારા ડોક્ટર પીટર પોતાની વાત લોકો સુધી પહોંચાડતા રહ્યા. એમની એક જ દલીલ હતી કે દવા કંપનીઓ જે દવા બનાવે એના ગુણદોષ બંનેની પૂરેપૂરી વિગતો કંપનીએ જાહેર કરવી જ જોઇએ. દવા કંપનીઓ લોકોના જાનમાલ સાથે રમત કરી શકે નહીં.
દાખલા તરીકે ૫૦ વર્ષથી વધુ વયના કેટલાક લોકોને કંપવા (પાકન્સન) થાય છે. વરસો સુધી પાકન્સનની સારવાર રૂપે ડોપામાઇન નામનું રસાયણ ઔષધિ રૂપે અપાતું રહ્યું. એ સમયે આ દવા બનાવનારી કંપનીએ આડકતરોય નિર્દેશ કર્યો નહોતો કે આ દવાની આડઅસર લાંબે ગાળે કિડની પર થાય છે. એ જ રીતે પેઇન કીલર તરીકે અપાતી દવાઓની આડઅસર પણ કિડની પર થાય છે. પરિણામે આ દવાઓ લેનારા દર્દીની સ્થિતિ બકરું કાઢતાં ઊંટ પેસી ગયા જેવી થાય છે.
આંતરરાષ્ટ્રીય દવા કંપનીઓએ ડોક્ટર પીટરના પુસ્તકના વિરોધમાં યુરોપ-અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારો અને તબીબી વિષયના સામયિકોમાં ઢગલાબંધ લેખો લખાવ્યા અને પુસ્તકને ઉતારી પાડતાં વિવેચનો પણ પ્રગટ કરાવ્યાં. જોકે આ પગલું બૂમરેંગ થયું. આમ થવાથી ઊલટું પુસ્તક વધુ લોકપ્રિય થયું અને આજે પણ એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી સંસ્થા દ્વારા જિજ્ઞાાસુ લોકો પુસ્તક મંગાવીને વાંચે છે. આવાં પુસ્તકો લોકજાગૃતિ માટે પ્રગટ થતાં રહે એ ઇચ્છનીય ગણાય.