કોઇ મહિલા શાસકની ખાલ આટલી હદે જાડી હોઇ શકે ખરી?

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
કોઇ મહિલા શાસકની ખાલ આટલી હદે જાડી હોઇ શકે ખરી? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

છેલ્લાં થોડાં વરસોનાં મહિલા શાસકો પર અછડતી નજર નાખીએ તો, ભારતનાં ઇંદિરા ગાંધી, શ્રીલંકાનાં સિરિમાવો ભંડારનાયક, પાકિસ્તાનનાં બેનઝીર ભુટ્ટો, ઇઝરાયેલના ગોલ્ડા મીર, આર્જેન્ટિનાનાં ઇસાબેલ પેરોન, ન્યુઝીલેન્ડના જેસિન્દા આર્ડર્ન, ઇંગ્લેન્ડના માર્ગરેટ થેચર... આમાંનાં કોઇ પણ મહિલા શાસક કરતાં આ મહિલા નકારાત્મક દ્રષ્ટિએ જુદાં તરી આવે છે.  આ મહિલા વધુ જાડી ચામડીની છે. ન માનતા હો તો આ વર્ષના છેલ્લા છ મહિનામાં બની ગયેલી અને દેશ આખાને સ્તબ્ધ કરી દેનારી બે ઘટના યાદ કરવા જેવી છે. સંખ્યાબંધ હિન્દુ મહિલાઓ પર જબરદસ્તી કરનારા અપરાધી શાહજહાંની વાત લ્યો. એના અપરાધોની તપાસ સીબીઆઇને સોંપવાની વાત આવી ત્યારે આ મહિલા નામે મમતા બેનરજીએ એવો દાવો કર્યો હતો કે બંગાળની પોલીસ અત્યંત કાર્યક્ષમ છે. તો પછી સીબીઆઇની જરૂર શી છે ?

દેશની સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને તપાસ સોંપવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે શાહજહાંને બચાવવા મમતા બેનરજીએ રીતસર હવાતિયાં માર્યા હતા. ખુદ સુપ્રીમ કોર્ટે એમને જાહેરમાં ધધડાવ્યાં હતાં કે અપરાધીને બચાવવા તમે આટલા બધાં ધમપછાડા કેમ કરો છો ? હવે એક બીજી ઘટનાની વાત. 

તાજેતરની એ ઘટના પહેલી કરતાં પણ વધુ આઘાતજનક છે. કોલકાતાની એક હોસ્પિટલના સેમિનાર હોલમાં જુનિયર ડોક્ટર પર રેપ થયો, જે ગેંગરેપ હોવાની શક્યતા પૂરેપૂરી છે. ત્યારબાદ પોતે ઓળખાઇ જશે એવા ડરે અપરાધીએ એ યુવતીની હત્યા કરી નાખી. એ પછી ડોક્ટરો હડતાળ પર ઊતર્યા ત્યારે જાણે કશું બન્યું હોય એવી સ્વસ્થતાથી (ખરેખર તો નીંભરતાથી) મમતા ડોક્ટરોને મળવા આવ્યાં અને કહ્યું કે બંગાળ પોલીસ તપાસ કરી રહી છે છતાં તમે ઇચ્છો તો હું આ ઘટનાની તપાસ સીબીઆઇને સોંપવા તૈયાર છું. હવે ધ્યાનથી વાંચજો.  

શાહજહાંના કેસ વખતે સીબીઆઇને તપાસ સોંપવાના મુદે મમતાએ ગલ્લાંતલ્લાં કર્યા હતાં. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે સીબીઆઇને તપાસ સોંપવાની તેમને ફરજ પડી હતી. મહિલા ડોક્ટર પર ગેંગરેપ અને હત્યાના કેસમાં એમણે ડોક્ટરોને સામેથી એવી બાંહેધરી આપી કે તમે ઇચ્છો તો હું સીબીઆઇને તપાસ સોંપી દેવા તૈયાર છું. પણ જેવો કોલકાતા હાઇકોર્ટે બંગાળ પોલીસને આ કેસ સીબીઆઇને સોંપી દેવાનો આદેશ આપ્યો એના ગણતરીના કલાકોમાં આ ઘટના બનેલી એ હોસ્પિટલ પર પાંચ સાત હજાર ગુંડાઓ ધસી ગયા અને ઘટનાના સ્થળે ભાંગફોડ કરી જેથી રહ્યાસહ્યા પુરાવા પણ નષ્ટ થઇ જાય. માત્ર દેશની અદાલતો જ નહીં, આખો દેશ આ ઘટનાથી વ્યથિત થઇ ગયો. ગુંડાઓ હોસ્પિટલ પર ધસી ગયા ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં હિન્દી ફિલ્મની જેમ પોણો કલાક, કલાક સુધી પોલીસ દોડી ન ગઇ, જાણે ગુંડાઓને એમનું કામ પૂરું કરવા દેવાનો ઉપરથી હુકમ મળ્યો હોય. એ પછી ઠંડે કલેજે મમતાએ એવો આક્ષેપ કર્યો કે ભાજપના ગુંડાઓએ હોસ્પિટલમાં ભાંગફોડ કરી. કેવી હાસ્યાસ્પદ વાત. ભાજપના ગુંડાઓએ કરી હોય તો તો તમારે આંખના પલકારામાં પોલીસ દોડાવવાની જરૂર હતી, મેડમ ! આટલું ઓછું હોય તેમ એમણે રસ્તા પર ઉતરીને જાહેરમાં રૅલી કાઢી, વિરોધ પ્રદર્શન કર્યું. મમતાદીદી, તમે પોતે રાજ્યનાં ચીફ મિનિસ્ટર છો, ગૃહખાતું અને સ્વાસ્થ્ય ખાતું તમારા હાથમાં છે, પોલીસ તમારી છે... તો તમે કોનો વિરોધ કરી રહ્યા છો? આવાં નાટક શા માટે?   

સૌથી વધુ આઘાતજનક વર્તન મમતા બેનરજીનું પોતાનું છે. મમતા પોતે એક સ્ત્રી છે, મહિલા છે. પરંતુ કોઇ મહિલામાં હોય એવા પ્રકૃતિદત્ત ગુણો એમના વ્યક્તિત્વમાં ગોત્યા જડે એમ નથી. સ્ત્રી સહજ લજ્જા, સ્નેહ, શાલીનતા, પરગજુ વૃત્તિ, પીડિતાને સહાયરૂપ થવાની ભાવના.... આમાંનો એક પણ ગુણ એમનામાં દેખાતો નથી. રીઢા પોલિટિશ્યન અને તદ્દન લાગણીહીન વર્તન એમનું રહ્યું છે. ગેંડા જેવી ખાલના બનેલા હોય એવાં એમનાં વાણી-વર્તન છે. છેલ્લાં એકસો વર્ષમાં દેશ અને દુનિયામાં થઇ ગયેલાં કોઇ મહિલા શાસક સાથે તેમની તુલના થઇ શકે એમ નથી. ગમે ત્યારે જુઓ. એમનો ચહેરો કોઇ પણ ભાવ કે સંવેદન વિનાનો જ જોવા મળે. ખરેખર આ મહિલા મુખ્ય પ્રધાન 'અજોડ' અને 'વિરલ' વ્યક્તિત્વ ધરાવે છે. એમના પક્ષનું નામ ભલે તૃણમૂલ હોય, એ તરણા ઓથે ડુંગર જેવાં છે. 


Google NewsGoogle News