Get The App

ગણેશ ચતુર્થીના સપરમા દિને સિનિયર સિટિઝન્સને આરોગ્યવર્ધક સૂચન

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ગણેશ ચતુર્થીના સપરમા દિને સિનિયર સિટિઝન્સને આરોગ્યવર્ધક સૂચન 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- કેટલીક વાર સંતાનોનાં વાણી-વર્તનમાં પરિવર્તન જોઇને ડઘાઇ ગયેલા કેટલાક વડીલો મૌન સેવતા થઇ જાય છે. ઘરની વાત ઘરમાં રહે એવી એમની ભાવના સામાજિક દ્રષ્ટિએ ભલે સારી ગણાતી હોય, વ્યક્તિગત રીતે એ હાનિકારક છે      

આજે ભાદરવા શુક્લ ચતુર્થી. ગણેશ ચતુર્થી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આમ જનતાને સંગઠિત કરવા લોકમાન્ય ટિળકે શરૂ કરેલો આ ઉત્સવ આજે તો ઇન્ટરનેશનલ બની ચૂક્યો છે. ગણેશજીના જીવનનો એક સૌથી મહત્ત્વનો પ્રસંગ પૃથ્વીની સાત પ્રદક્ષિણા કરવાનો છે. માતાપિતાને બાજોઠ પર બેસાડીને ગણેશજીએ સાત પ્રદક્ષિણા કરી લીધેલી. બાળક માટે તો માતાપિતા જ પૃથ્વીનું-સર્વસ્વનું પ્રતીક ગણાય. આજના આ સપરમા દિવસે સાઠ-પાંસઠની વય વટાવી ચૂકેલા વડીલો જોગ એક સરસ વાત કરવી છે.

વાર્ધક્ય નિકટ આવે એ સમયે ઘણા વડીલોને એક યા બીજા વ્યાધિની તકલીફ શરૂ થાય છે. કોઇને સ્મૃતિદોષ થાય તો કોઇને અનિદ્રા સતાવે. કોઇ જાણે-અજાણે હતાશા અનુભવતા થઇ જાય તો કોઇ અકારણ ગમગીની અનુભવે. ગઇ કાલ સુધી સલામ કરતા લોકો અચાનક ઉપેક્ષા કરતા થઇ જાય. આવા સંજોગોમાં એક યા બીજા પ્રકારની દવાઓ લેવાની ફરજ પડે. આવા વડીલો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના એક મનોચિકિત્સકે સરસ સૂચનો કર્યાં છે. આ સૂચનો કોઇ પણ વડીલ તત્કાળ અમલમાં મૂકી શકે છે. આ નિષ્ણાત કહે છે કે તમે સમવયસ્ક વડીલો સાથે વધુમાં વધુ વાતો કરો. સિમ્પલી ટોક. બોલવાથી ત્રણ મોટા લાભ થાય છે.

પહેલો લાભ - ભાષા અને વિચાર વિનિમયથી મગજ સક્રિય રહે છે. મગજ સક્રિય રહે એટલે આપોઆપ યાદશંક્તિ પણ સતેજ રહે છે. આ વાત ખાસ કરીને અંતર્મુખ ગણાતા વડીલોને વિશેષ લાગુ પડે છે.

 જે વડીલો બોલતા નથી એમની સ્મૃતિને વાતચીત કરવાથી સર્જાતી સક્રિયતાનો લાભ મળતો  નથી. વાતો કરીએ ત્યારે આપોઆપ વિચારો પણ સર્જાતા જાય છે અને વિચારો વાતચીતમાં પરિણમે ત્યારે મગજની સક્રિયતા કુદરતી રીતે ચાલુ રહે છે.

બીજું, બોલવાથી બિનજરૂરી સ્ટ્રેસ આપોઆપ નષ્ટ થઇ જાય છે અથવા ઘટી જાય છે. કેટલીક વાર સંતાનોનાં વાણી-વર્તનમાં પરિવર્તન જોઇને ડઘાઇ ગયેલા કેટલાક વડીલો મૌન સેવતા થઇ જાય છે. ઘરની વાત ઘરમાં રહે એવી એમની ભાવના સામાજિક દ્રષ્ટિએ ભલે સારી ગણાતી હોય, વ્યક્તિગત રીતે એ હાનિકારક છે. માણસ અંદર ને અંદર હિજરાયા કરે એને લીધે માનસિક તનાવ વધી જતો હોય છે. એ માનસિક તનાવ પાર્કિન્સન, અલ્ઝાઇમર કે ડિમેન્શિયા જેવી બીમારીને નોતરે છે. મનમાં ને મનમાં મૂંઝાયા કરવાથી સમસ્યાનું નિરાકરણ થતું નથી અને વડીલના માનસિક આરોગ્યને નુક્સાન થાય છે જેની પ્રતિકૂળ અસર શરીર પર પણ પડે છે.

ત્રીજો અને સૌથી મહત્ત્વનો લાભ આ રહ્યો- બોલવાથી ચહેરાના સ્નાયુને નિયમિત કસરત મળે છે. ગળું અને સ્વરયંત્ર સક્રિય રહે છે. એને કારણે આંખ અને કાન પણ કામ કરતાં રહે છે. સતત મૂગા રહેવાથી ચહેરાના સ્નાયુને કોઇ પ્રકારની એક્સરસાઈઝ મળતી નથી. કુદરતી નિયમ છે કે જે અંગ વપરાય નહીં એ ધીરે ધીરે નિષ્ક્રિય થઇ જાય છે. એને સતત એક યા બીજા પ્રકારનું કામ મળતું રહેવું જોઇએ. 

સિનિયર સિટિઝન્સને થતી વિવિધ તકલીફો નિવારવા બીજાં પણ સૂચનો સતત થતાં હોય છે કે થોડું ચાલતા રહો નહીંતર પગ બંધાઇ જશે, થોડી એક્સરસાઈઝ કરતા રહો વગેરે. આ સૂચનોમાં હવે એક મહત્ત્વનું સૂચન ઉમેરાય છે કે સમવયસ્ક લોકો સાથે વાતો કરો. શક્ય તેટલું વધુ બોલતાં રહો. મંદિરમાં, દહેરાસરમાં, બાગ-બગીચામાં જ્યાં પણ શક્ય હોય ત્યાં વધુ વાતો કરો. બોલો અને સાજા સારા રહો.

અહીં એક લાલ બત્તી પણ છે. બોલો એમ કહેવાનો અર્થ એ નથી કે સંતાનોનો વાંક કાઢયા કરો, ઉપદેશ આપ્યા કરો. તમે બાળપણ કે યુવાનીમાં જે દિવસો જોયા હોય એ આજના સંતાનોએ નથી જોયા. પરંતુ આજે જે પરિસ્થિતિ છે એમાં પોતાની રીતે જીવી રહેલાં સંતાનોને એમની રીતે રહેવા દો. અમારા જમાનામાં આમ હતું ને તેમ હતું એવી વાતો કરવાનો કશો અર્થ નથી.


Google NewsGoogle News