Get The App

બુલડોઝર અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો નિર્દોષ નાગરિકોને અન્યાય નહીં કરે ને?

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
બુલડોઝર અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો નિર્દોષ નાગરિકોને અન્યાય નહીં કરે ને? 1 - image


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

કહેવાતાં અસામાજિક પરિબળો, નામચીન ગુ્ંડાઓ, રાજકીય ટેકાથી મનમાની કરતા લઘુમતી દાદાઓ અને જામીન પર છૂટેલા તથા પોલીસના ચોપડે અસંખ્ય અપરાધો નોંધાયેલા હોય એવા અપરાધીઓની માલમિલકત પર બુલડોઝર ફેરવવાના પગલાને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ઠરાવ્યું. સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિઓએ બુલડોઝરના મુદ્દે રાષ્ટ્રવ્યાપી કેટલાંક પગલાં જાહેર કર્યા. સારી વાત છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે.

ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાય દાયકાથી અમુક માફિયાઓ બેફામ થઈને ફરતા હતા. માત્ર ઉત્તરપ્રદેશ નહીં, સમગ્ર દેશના અખબારોમાં આ માફિયાઓનાં કાળાં કરતૂતો વિશે અહેવાલો પ્રગટ થયા હતા. એક્કેય માફિયાનો વાળ વાંકો થતો નહોતો. એનું કારણ એ કે વોટબેંકના લાલચુ રાજકારણીઓ એમને જોઇતું પીઠબળ પૂરું પાડતા હતા. યોગી આદિત્યનાથની સરકાર સ્થપાઇ ત્યારે યોગીએ સ્પષ્ટ શબ્દોમાં આવા માફિયાઓને ચેતવણી આપી હતી કે હવે તમે મર્યાદામાં રહેજો. અહીં એક વાત વિચારવા જેવી છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગમે તેવો અપરાધી હોય એને રાજ્ય સરકાર સજા કરી શકે નહીં. કોઇએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન ખેંચવાની જરૂર હતી કે યોર ઓનર, આપણી અદાલતોમાં કરોડો કેસ ઊભા છે. અપરાધ કરનારાઓ ખુલ્લા માથે ફરતા હોય છે અને કાયદાની છટકબારીનો લાભ લઇને સામાન્ય માણસને રંજાડતા રહે છે. માફિયાઓને તો સ્થાનિક પોલિટિશિયનોનું પીઠબળ હોય છે. માફિયાઓના અત્યાચારોનો ભોગ બનેલા સામાન્ય માણસને અદાલતી કેસમાં થતો વરસોનો વિલંબ પરવડે નહીં. માફિયાઓ પાસે નાણાં, વગ અને જોરજુલમનાં સાધનો હાથવગાં હોય છે એ સૌ કોઇ જાણે છે. 

યોગી આદિત્યનાથ કે બીજા કોઇ પણ મુખ્ય પ્રધાન અંગત કારણોસર કે વ્યક્તિગત અદાવતના કારણે માફિયાઓને સજા કરતા નથી. એ માત્ર કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને અન્ય માફિયાઓ પર અથવા એમના હાથવાટકાઓ પર દાખલો બેસાડવા માટે આવાં પગલાં ભરે છે. તાજેતરમાં સુપરહિટ નીવડેલી 'સિંંઘમ અગેન' જેવી ફિલ્મોમાં આવા પ્રસંગોના પ્રતિબિંબ જોવા મળે છે. મૂળ માફિયા કરતાં એમના ચમચાઓ સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્થાનિક વહીવટી તંત્ર પર હાવી થઇ જતા હોય છે. પરિણામ?

ખરેખર તો સુપ્રીમ કોર્ટે દેશભરની અદાલતોને કડક આદેશ આપવાની તાતી જરૂર છે કે આવા ખાઇ બદેલા માફિયાલોગના કેસ ઝડપથી ચલાવવા. દોષિતને કડક સજા કરવી જેથી દાખલો બેસે. આવું નહીં થાય તો આમ આદમીનો ન્યાયતંત્ર પરનો રહ્યોસહ્યો વિશ્વાસ પણ નષ્ટ થઇ જશે. અત્યારે લોકશાહીના ચાર સ્તંભમાંના માત્ર એક સ્તંભ પર આમ આદમીનો વિશ્વાસ ટકી રહ્યો છે. એ છે ન્યાયતંત્ર. હવે જો ન્યાયતંત્ર આમ આદમીની પહોંચની બહાર નીકળી જાય અને માફિયાઓને ફાવતો ચુકાદો આપે તો આમ આદમી ક્યાં જાય? માફિયાઓના અત્યાચારનો શિકાર બનેલા એકલદોકલ માણસ ક્યાં જાય? આમ આદમીને ક્યારેય ન્યાય મળતો નથી. 

યોગી આદિત્યનાથે માત્ર કાયદાની ધાક બેસાડવા માટે બુલડોઝરનું પગલું અમલમાં મૂક્યું હતું. એમને કોઇની સામે કે કોઇની સાથે અંગત અદાવત કે વેરઝેર નથી. આમ આદમીના દિલમાં કાયદો અને વ્યવસ્થાના તંત્ર પ્રત્યે વિશ્વાસ ટકાવી રાખવા બુલડોઝરનું આકરું પગલું લેવાની ફરજ રાજ્ય સરકારને પડી હતી. આ પગલું આત્યંતિક (લાસ્ટ રિસોર્ટ ) હતું. એ ભાવના સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં લાવવાની જરૂર હતી. સરકારી વકીલ કે ખુદ રાજ્ય સરકાર આવું કરવામાં નિષ્ફળ નીવડી હોય એવું લાગે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અસામાજિક તત્ત્વોને છૂટ મળી જતી હોય એવું આમ આદમીને લાગે તો નવાઇ નહીં.

ઔર એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. કહેવાતાં માથાભારે તત્ત્વો અને માફિયાઓના અત્યાચારનો ભોગ બનેલા લોકોને મળવા જોઇતા વળતરનું શું એની સ્પષ્ટતા આ ચુકાદામાં થઇ નથી. દરેકને માથા પર એક છાપરું (ઘર) હોવાનો અધિકાર છે એવા સુપ્રીમ કોર્ટના અવલોકનને સમજીએ. જે ગરીબોના ઘર કે ખેતર માફિયાલોગે બળજબરીથી પડાવી લીધા હોય એ લોકોને વળતર કોણ અને કેવી રીતે આપશે એની સ્પષ્ટતા પણ આ ચુકાદામાં ક્યાંય નથી. 


Google NewsGoogle News