For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મતદારોની સહાનુભૂતિ મેળવવા કેવા કેવા વેશ ભજવે છે નેતાઓ

Updated: Mar 19th, 2024

મતદારોની સહાનુભૂતિ મેળવવા કેવા કેવા વેશ ભજવે છે નેતાઓ

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

૧૯૭૦ના દાયકામાં રજૂ થયેલી અને ક્લાસિક ગણાયેલી ગુલઝારની ફિલ્મ 'આંધી' તમે જોયેલી કે? આ ફિલ્મમાં એક દ્રશ્ય છે, જેમાં નાયિકા શેરીસભા સંબોધે છે ત્યારે એના જ પક્ષના એક કાર્યકર (અભિનેતા ઓમ પ્રકાશ) એના પર એક નાનકડો પથ્થર ફેંકે છે. નાયિકાના કપાળ પર ઇજા થાય છે. એને લોહી નીકળે છે. લોકોની સહાનુભૂતિથી એ ચૂંટણી જીતી જાય છે. આ ફિલ્મ ત્યારનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના જીવન પરથી બનેલી એવી વાતો વહેતી થયેલી. કટોકટી દરમિયાન ઇંદિરા સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે એને કારણે વધુમાં વધુ લાભ આ ફિલ્મને થયો હતો. ટોચના એક હાસ્યલેખકે એવા મથાળા હેઠળ લેખ લખેલો- 'આંધીમાં જોયાં અમે ઇંદિરા ગાંધી...'

વાત મતદારોની સહાનુભૂતિ મેળવવાની હતી. કટોકટી પછી ચૂંટણી જાહેર થઇ. એનો પ્રચાર ચાલુ હતો એ દરમિયાન એક દિવસ ન્યૂઝ એજન્સીઓ - પીટીઆઇ, યુએનઆઇ વગેરેએ એવા સમાચાર વહેતા મૂકેલા કે ઉત્તરપ્રદેશના ફલાણા સ્થળે પ્રચાર સભા પૂરી કરીને મોડી સાંજે ઉતારા તરફ પાછાં ફરી રહેલા કોંગ્રેસના નેતા સંજય ગાંધીની જીપ પર કોઇએ ગોળીબાર કર્યા. સદભાગ્યે સંજય ગાંધી ઊગરી ગયા.  જોકે થોડા કલાકોમાં પુરવાર થઇ ગયું કે આવી કોઇ ઘટના બની નહોતી. કટોકટીથી કંટાળેલા લોકો સમજી ગયેલા કે અમારી સહાનુભૂતિ મેળવવા આવા ખોટા સમાચાર વહેતા કરાયા હતા.

આ ઘટનાઓ યાદ આવી જવાનું કારણ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી છે. મોટા ભાગના વિરોધ પક્ષોના મોવડીઓ વડા પ્રધાનપદ માટે પોતે જ લાયક છે એવું માને છે. પરિણામે શાસક પક્ષને હરાવે એવું સંગઠન એમની વચ્ચે સ્થપાઇ શકે એમ લાગતું નથી. બીજી બાજુ, તાજેતરમાં પશ્ચિમ બંગાળના સંદેશખલી વિસ્તારનો વિવાદ ખૂબ ગાજ્યો. મમતાના ચુસ્ત ટેકેદાર મનાતા ખૂંખાર ગુંડા શેખ શાહજહાંના મુદ્દે જે ખળભળાટ સર્જાયો તેથી પણ મમતા ડઘાઇ ગયેલાં છે. પોતે સ્થાનિક પ્રજાની નજરમાંથી ઊતરી ગયાં છે એ હકીકત મમતા બરાબર સમજી ગયાં છે. લોકોનો પ્રેમ ન સહી, સહાનુભૂતિ મેળવવા શું કરી શકાય? મત મેળવવા શું કરી શકાય? વાંચો આગળ. કદાચ જવાબ મળી જશે

ગયા સપ્તાહે એક સમાચાર પ્રગટ થયા. સમાચારનો સાર એટલો હતો કે મમતા પોતાનાં મુખ્ય પ્રધાન તરીકેના બંગલામાં પડી ગયાં. એમને કપાળ પર ગંભીર ઇજા થઇ. આ સમાચારની શાહી સુકાઇ નહોતી ત્યાં મમતાના નિકટના સંબંધીએ મીડિયા સમક્ષ એવું કહ્યુ્ં કે મમતાદીદીને કોઇએ પાછળથી ધક્કો માર્યો. લો કરો વાત. મમતા જેવાં બળુકાં મુખ્ય પ્રધાનને કોઇ એમના સત્તાવાર બંગલામાં ઘુસીને ધક્કો મારી શકે કે? કેવી હાસ્યાસ્પદ વાત છે. સમજદાર કો ઇશારા કાફી હૈ. મમતાએ પહેલી વાર આવું ગતકડું નથી કર્યું. અગાઉ ૨૦૨૧માં પણ મમતાએ આવું નાટક કરેલું. નંદીગ્રામમાં એ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બનેલી. પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીએ ચૂંટણી પંચને એવો રિપોર્ટ મોકલ્યો હતો કે મમતા પોતાની કાર પાસે ઊભાં રહીને કાર્યકરો સાથે વાત કરી રહ્યાં હતાં ત્યારે કોઇએ પાછળથી એવો ધક્કો માર્યો કે દરવાજાનું હેન્ડલ મમતાના પગમાં જોસભેર વાગ્યું અને મમતાદીદીને ઇજા થઇ. 

કેવી રમૂજી વાત છે! પોતાના કાર્યકરોથી ઘેરાઇને ઊભેલાં મુખ્ય પ્રધાન મમતાને કોઇ એવો ધક્કો મારે છે કે એમને દરવાજાના હેન્ડલથી કે બીજી કોઇ રીતે જોસભેર માર વાગે! આટલા બધા કાર્યકરો વચ્ચેથી ધક્કો મારનાર પાછો નાસી જાય છે, બોલો! ખરી વાત એ છે કે હવે મમતા કોઇ પણ ભોગે સ્થાનિક મતદારોની સહાનુભૂતિ જીતવા રઘવાયાં થયાં છે. સીએએનો વિરોધ કર્યો. એનઆરસીનો પણ વિરોધ કરશે. પોતાનાથી થાય એટલાં ગતકડાં કરશે. એ પછી પણ સ્થાનિક પ્રજાનો પ્રેમ કે વિશ્વાસ પાછો  પ્રાપ્ત કરી શકે છે કે કેમ એ આવનારો સમય કહેશે.

ચૂંટણી વ્યૂહના બેતાજ બાદશાહ ગણાતા પ્રશાંત કિશોરે આવો જ મત બિહારના નીતિશકુમાર માટે વ્યક્ત કર્યો છે. પ્રશાંતના કહેવા મુજબ નીતિશકુમાર હવે લોકો સમક્ષ ખુલ્લા પડી ગયા છે. એમનું રાજકીય ભાવિ ધૂંધળું છે. સત્તા માટે શેતાન સાથે સહશયન કરતાં પણ નીતિશકુમાર અચકાય એવા નથી. આ હકીકત લોકો સમજી ચૂક્યા છે. જોઇએ, શું થાય છે. આમ આદમી માટે નક્કર કશું કર્યું ન હોય એવા નેતાઓએ લોકોની સહાનુભૂતિ કે મત મેળવવા આવા વેશ ભજવવા પડે છે. 

Gujarat