Get The App

રેવડી કલ્ચર દ્વારા નેતા અને જનતા લોકશાહીને લૂણો લગાડી રહ્યા છે

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
રેવડી કલ્ચર દ્વારા નેતા અને જનતા લોકશાહીને લૂણો લગાડી રહ્યા છે 1 - image


- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

- હવે સમય પાકી ગયો છે જ્યારે મતદારોએ બિનધાસ્ત કહી દેવું જોઇએ કે અમારે તમારી રેવડી નથી જોઇતી. તમે આપેલાં વચનોનું પાલન કરી બતાવો

દિલ્હીની વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ દેશની સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષો અને નેતાઓના રેવડી કલ્ચરને વખોડી કાઢયું હતું. એવી ટકોર કરી હતી કે તમે મતદારોને પરાવલંબી બનાવી રહ્યા છો. સુપ્રીમ કોર્ટે ખૂબ સંયમિત ભાષામાં ટકોર કરી. ખરેખર તો એમ કહેવાની જરૂર હતી કે તમે મતદારોને ભિખારી કે હરામ હાડકાના  બનાવી રહ્યા છો. આ પગલાંથી લોકશાહી નબળી પડી રહી છે.

હકીકત એ છે પ્રિય વાચક, કે આપણે એક પ્રજા તરીકે ખમીર અને ખુદ્દારી ગુમાવી રહ્યાં છીએ. દર પાંચ વરસે આવતી ચૂંટણી વખતે મોટાં મોટાં વચનો આપીને જે-તે પક્ષના અપરાધી ભૂતકાળ ધરાવતા કહેવાતા લોકસેવકો મત લઇ જાય છે. જાગ્રત મતદાર તરીકે આપણી સમક્ષ આવનારા દરેક ઉમેદવારની આંખમાં આંખ નાખીને એને કહેવું જોઇએ કે નથી જોઇતી તમારી મફત વીજળી કે નથી જોઇતી ભેટસોગાદ. તમે પૂરેપૂરા સમર્પણથી તમારી ફરજ બજાવીને દેખાડો. સુચારુ વહીવટ દ્વારા લોકોની સમસ્યાઓ દૂર કરો.

થાય છે એવું કે દરેક ઉમેદવાર એક યા બીજી રીતે ખરડાયેલો (દાગી) હોય છે. એની અસલિયત મતદારો જાણતા જ હોય છે. કાં તો ડરીને અથવા પ્રલોભનથી આકર્ષાઈને મતદાર એને ચૂંટી કાઢે છે. પછી પેલો બની બેઠેલો લોકસેવક પોતાની અસલિયત પર આવી જાય છે. 

કદી તમે વિચાર કર્યો છે કે તમારા વિસ્તારના ધારાસભ્ય કે સંસદસભ્યને સહેલાઇથી મળી શકો છો ખરા? આ સવાલનો જવાબ અચૂક 'ના'માં મળશે. એક વાર ચૂંટાઇ ગયા પછી એ બિરાદર ગોત્યા જડતા નથી. તમે દસ ધક્કા ખાઓ કે એના ચમચાને રીઝવો તો તમારા પર ઉપકાર કરતા હોય એ રીતે તમને મળે ખરા. તોછડાઇથી પેશ આવે જાણે તમારા પર ઉપકાર કરતા હોય.

મહારાષ્ટ્ર કે ઉત્તર ભારતમાં શરાબની બોતલ કે ગરીબ વિસ્તારોમાં દસ-વીસ રૂપિયાથી માંડીને એકસો રૂપિયામાં મતો ખરીદી લેવામાં આવે છે. ચૂંટણી પછી મતદારોનું જે થવાનું હોય તે થાય. 

રાજકીય આઝાદી આવ્યાના પંચોતેર વર્ષેય આપણે ખોંખારીને આપણા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલરથી માંડીને ધારાસભ્ય કે સંસદ સભ્યને પૂછતાં નથી કે ભાઇ, તું આ રેવડી વહેંચવા નીકળ્યો છે, એનાં નાણાં ક્યાંથી કાઢવાનો છે? કોઇ પણ સરકાર વેપાર-ધંધો તો કરતી નથી કે ઉદ્યોગગૃહ તો ચલાવતી નથી. સરકારી તિજોરીમાં જે નાણાં હોય છે એ મારા તમારા જેવા પ્રમાણિક કરદાતાએ આપેલાં હોય છે. એનો રેવડી જેવો વ્યર્થ વેડફાટ આપણે શી રીતે ચલાવી લઇએ છીએ? 

સૌથી વધુ આઘાતજનક વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટે દર વખતે પહેલ કરવી પડે છે. કોઇ પણ રાજકીય પક્ષ કે નેતા આ દિશામાં વિચારતો નથી કે પ્રજાએ પસીનાનાં નાણાંથી ચૂકવેલા કરવેરાથી સરકારી તિજોરી ભરાઈ છે. એ નાણાંનો લોકકલ્યાણ માટે ઉપયોગ કરવાને બદલે મતદારોને જે-તે રેવડીની લાલચ આપીને મત ખરીદી લેવા એ તો કાળી કલંકકથા ગણાય. કોઇ પણ પક્ષ કે નેતા આવી બેશરમ રમત છોડવા તૈયાર નથી. આપણે સૌનો સાથ અને સૌને વિકાસની ગુલબાંગો મારીએ છીએ. બીજી તરફ મતદારોને કામચોર અને યાચક બનાવી રહ્યા છીએ. 

હવે સમય પાકી ગયો છે જ્યારે મતદારોએ બિનધાસ્ત કહી દેવું જોઇએ કે અમારે તમારી રેવડી નથી જોઇતી. તમે આપેલાં વચનોનું પાલન કરી બતાવો. લોકનાયક જયપ્રકાશ નારાયણે એક પ્રસ્તાવ મૂકેલો, તમને યાદ હોય તો. એ પ્રસ્તાવનો સાર એવો હતો કે જે ધારાસભ્ય કે સંસદસભ્ય પોતે આપેલાં વચનોનું પાલન ન કરે એને પાછો બોલાવી લેવાનો અધિકાર મતદારો કને હોવો જોઇએ. જેપીના આ પ્રસ્તાવથી ત્યારનાં વડાંપ્રધાન ઇંદિરા ગાંધી ચોંકી ઊઠયાં હતાં. એ પ્રસ્તાવ આજે પણ એટલો જ તાજો છે. ખરાખોટાનો વિચાર આપણે સૌએ સાથે મળીને કરવાનો છે.


Google NewsGoogle News