જ્ઞાતિ-જાતિના વાડામાંથી બહાર નીકળીને સંગઠિત થવાની આ છેલ્લી તક છે
- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
આજે અનંત ચતુર્દશી છે. સાથોસાથ વ્રતની પૂનમ પણ. અનંત ચતુર્દશીએ વિઘ્નહર્તા ગણેશજીનાં પ્રતીક સમી લાખો પ્રતિમાઓને આપણે વિદાય આપીએ છીએ. પ્રખર ભાગવતકાર પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા, પુઢચ્યા વર્ષી લૌકર યા- આવતા વરસે વહેલા વહેલા પધારજો એવું ભાવભર્યું આગોતરું આમંત્રણ આપતાં હોઇએ ત્યારે આપણે વિઘ્નહર્તાને વસમી વિદાય આપીએ છીએ, ગણેશજીનું વિસર્જન કરતા નથી. વિસર્જન શબ્દ યોગ્ય નથી. વિદાય આપી એમ કહેવું ઉચિત છે.
યોગાનુયોગે આજે ગણેશજીની પ્રતિમાની સાથોસાથ આળસ અને પ્રમાદને વિદાય આપવાની તાતી જરૂર છે. ચારે બાજુથી તનાવ વધી રહ્યો હોય ત્યારે આળસ આપણને ફરી એકવાર પરાધીન કરી દેવા માટે પૂરતી છે. બ્રિટિશ રાજ દરમિયાન બાળ ગંગાધર લોકમાન્ય ટિળકે સમગ્ર ભારતીય સમાજને સંગઠિત કરવા માટે ગણેશોત્સવની સ્થાપના કરેલી. આજે ટિળક જેવા કોઇ વીરલા ભલે આપણી વચ્ચે હાજર નથી. આપણને જ્ઞાાતિ-જાતિના સંકુચિત વાડામાંથી બહાર કાઢે એ આજના સમયની આવશ્યકતા છે. ભારતમાં આપણે બહુમતી છીએ એ સાબિત થાય એ આજની માગ છે. આવી એકતા માત્ર ચૂંટણી પૂરતી રહે એ નહીં ચાલે. પ્રત્યેક ક્ષણે એ ભાવના આપણા હૈયામાં ધબકતી રહે એ આપણા હિતમાં છે.
ક્યારેક વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે હજારો વરસથી આ જ્ઞાાતિ-જાતિનાં બંધનોની બેડી આપણે સ્વેચ્છાએ પહેરી રાખી છે. એ બેડી આપણને પ્રગતિના માર્ગે જતી અટકાવે છે. એ બેડી આપણે સ્વેચ્છાએ પહેરી છે તો સ્વેચ્છાએ તોડવી પણ જોઇએ. ગુજરાતી ભાષાના વિશ્વકોષ સમા ભગવદ્ગોમંડળ પર અનાયાસે નજર કરતાં ધ્યાનમાં આવ્યું કે એકલા ભૂદેવોની ચોર્યાસી પેટા જ્ઞાાતિ છે. ગાંધીજીનું પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...'ના કવિ અર્વાચીનોમાં આદ્ય નરસિંહ મહેતા નાગર હતા. એમને નાગર તરીકે ઓળખાવીએ ત્યારે ખ્યાલ આવે કે નાગરોમાં પણ પાછી પાંચ છ પેટાજ્ઞાાતિ છે- વડનગરા નાગર, વીસનગરા નાગર, સાઠોદરા નાગર, કૃષ્નોરા નાગર, પ્રશ્નોરા નાગર અને ચિત્રોદા નાગર... એ જ રીતે અન્ય ત્યાંસી પેટા જ્ઞાાતિના બ્રાહ્મણો છે. એમાં પાછા વેદી, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી... બાપ રે બાપ ! અરે, આ લેખકડાની અટક પકડો તો આઠ પેટાજ્ઞાાતિ છે - રાજપોપટ, ઢોલાપોપટ, સૂડાપોપટ વગેરે.
હવે આ જ્ઞાાતિ બંધનમાંથી મુક્ત થઇને એક અને અખંડ ભારતીય સમાજ રચાય એ આજની અનિવાર્યતા છે. હાલની કેન્દ્ર સરકાર બહુમતી નાગરિકો માટે જે કલ્યાણકારી પગલાં લેવા માગે છે એમાં બહુમતી નાગરિકોએ પોતે પણ સંપૂર્ણ સહકાર આપવાની ફરજ બજાવવાની છે. લઘુમતી સમાજની અમુક સંસ્થાને મળેલી અમર્યાદ સત્તા પર અંકુશ આવે એ જરૂરી છે. ભગવાન કૃષ્ણની દ્વારિકા પર જે પોતાનો માલિકીદાવો આગળ કરે એ આવતી કાલે તમારા ઘર કે સોસાયટી પર પણ એવો દાવો કરી શકે. માટે અત્યારે તો જાગ્યા ત્યાંથી સવાર કરીને સાબદા થવાની હાકલ કરાય એ જરૂરી છે. આપણા કથાકારો બાપુ, પૂજ્ય ભાઇશ્રી, ભૂપેન્દ્ર પંડયા અને અન્ય ધર્માચાર્યોએ યુગધર્મ સમજીને સૌને સંગઠિત કરવાની પોતાની ફરજ બજાવવાની છે. માત્ર મનોરંજક શૈલીમાં પૌરાણિક કથાઓ વાંચવાથી નહીં ચાલે. એનાથી કોઇનો ઉદ્ધાર નહીં થાય. બહુમતી સમાજને જ્ઞાાતિ-જાતિના સંકુચિત વાડામાંથી બહાર કાઢીને બ્રિટિશ રાજ સામે કરેલા સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી એકતા સર્જી દેખાડવાની છે. સમયની માગને સમજતા નથી એ લોકો સ્વતંત્રતાને લાયક રહેતા નથી. સ્વતંત્રતા ગુમાવી દે છે. સ્વામી વિવેકાનંદના શબ્દો અત્યારે યાદ કરવાની જરૂર છે- ઉત્તિષ્ઠ, જાગ્રત... ઊઠો, જાગો, સમયની માગને પારખો અને એક થાઓ.
અણી ચૂક્યો સો વરસ જીવે એવી એક લોકોક્તિ છે. એ લોકોક્તિનો ગૂઢાર્થ સમજીને તાકીદે સાવધ થવાની આ છેલ્લી તક છે. આવી તક વારંવાર આવતી નથી. કોઇ વાજબી કારણ વિના એક કરતાં વધુ સ્થળે ગણેશ પંડાળ પર થયેલો પથ્થરમારો પણ તમને સાવધ કરવા માટે કરાયો હતો એમ માની લો. આપણામાં કહે છ ે- ઊંઘતો માણસ જાગે, જાગતો ન જાગે. સૈકાઓ ઘેરી ન્યાતજાતની ઊંઘમાંથી જાગવાની જરૂર છે. અત્યારે નહીં જાગીએ તો આવતી પેઢીનાં બાળકો આપણને કદી માફ નહીં કરે, ઇતિહાસ સાક્ષી છે.