હજારો વરસથી જે બે વ્યવસાય સૌથી પવિત્ર ગણાતા હતા એ આજે બદનામ કાં?
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- સમાજ તબીબને ભગવાન પછી બીજા ક્રમે સ્થાન આપતો હતો. બીજોે વ્યવસાય એ અધ્યાપન. આજે આ બંને વ્યવસાય લોકનજરમાંથી ઊતરી ગયા છે
મથાળા સાથે એક પ્રશ્ન મૂક્યો છે. સમજુ વાચકો સુધી એનો મર્મ પહોંચી જાય તો સારું. છેક પ્રાચીન કાળથી આપણા દેશમાં બે વ્યવસાયો સૌથી પવિત્ર ગણાતા રહ્યા છે. પહેલો વ્યવસાય ચિકિત્સા શાસ્ત્ર. આજની ભાષામાં કહીએ તો તબીબી વિજ્ઞાાન. ડોક્ટર કહો, વૈદ કહો, હકીમ કહો, જે કહો તે. સમાજ એને ભગવાન પછી બીજા ક્રમે સ્થાન આપતો હતો. બીજો વ્યવસાય એ અધ્યાપન. શિક્ષણ કાર્ય. વિદ્યાદાન. આજે આ બંને વ્યવસાય લોકનજરમાંથી ઊતરી ગયા છે. એનાં જે કારણો હોય તે, પરંતુ હજારો વરસથી પૂજાતા આવતા વ્યવસાયને લૂણો કાં લાગ્યો? કોણે લગાડયો લૂણો? આ મુદ્દે વિચાર કરવાની જરૂર છે.
અભ્યાસીઓ કહે છે કે તબીબી વ્યવસાયમાં લૂણો તો છેક મહાભારત કાળથી લાગેલો છે. પાંડવોના વારસદાર એવા પરીક્ષિત રાજાને તક્ષકનો ડંખ લાગશે એવી ઋષિવાણી હતી. એ સમયની એક વિચારપ્રેરક કથા છે. તક્ષક નાગ હસ્તિનાપુર તરફ જઇ રહ્યો હતો ત્યારે એક ચીંથરેહાલ કહી શકાય એવો એક વિપ્ર પણ તક્ષકના જેટલી જ ઝડપથી હસ્તિનાપુર થઇ રહ્યો હતો. તક્ષકને નવાઇ લાગી. કોણ છે આ માણસ, મારી જેમ એ પણ ઝડપભેર જઇ રહ્યો છે. ક્યાં અને શા માટે દોડી રહ્યો છે? એક ઉતારે તક્ષકે એેને પૂછપરછ કરી. પેલાએ કહ્યું કે મારી પાસે સંજીવની વિદ્યા છે. હસ્તિનાપુરના રાજવીને તક્ષક ડંખે ત્યારે હું મારી વિદ્યાથી પરીક્ષિતને ફરી જીવંત કરી દઇશ.
શા માટે? તક્ષકે સવાલ કર્યો. પેલા વિપ્રે જવાબમાં કહ્યું, મારી પાસે વિદ્યા છે, પરંતુ આજીવિકા માટે પૂરતી વ્યવસ્થા નથી. તક્ષકે પરીક્ષા કરવા વિચારીને કહ્યું, હું જ તક્ષક છું. આ ઝાડને ડંખું છું.
તમે તમારી વિદ્યાનો પરિચય કરાવો. તક્ષકના ડંખથી એ ઘટાદાર હરિયાળું ઝાડ બળી ગયું. પેલા બ્રાહ્મણે એક હાથમાં પાણી લઇને કોઇ મંત્ર ઉચ્ચાર્યો. એ સાથે ઝાડ ફરી પવનમાં લહેરાવા લાગ્યું. તક્ષક સ્તબ્ધ થઇ ગયો. એનો અહં ઘવાયો. મારા ડંખને આ ભામણ મિથ્યા કરશે, એમ? એણે પેલા બ્રાહ્મણને કહ્યું, હું તમારી દરિદ્રતા દૂર કરી આપું. તમે પાછાં ફરી જાઓ. એણે બ્રાહ્મણને અઢળક ધન આપ્યું. પેલો વિપ્ર ત્યાંથી પાછો ફરી ગયો. આજની ઘડી ને કાલનો દી'! આજે ઠેર ઠેર ખ્યાતિ કાંડ જેવા બનાવો બની રહ્યા છે. એક સમયે ભગવાન ગણાતા ડોક્ટરો પર આજે આમ આદમીને વિશ્વાસ રહ્યો નથી. આવું શી રીતે બન્યું હશે એ વિચારવા જેવું છે.
રહી કેળવણીની વાત. એક સમયે જેને બાળમંદિર કહેતા એને આજે અંગ્રેજીના વાદે પ્રિ-નર્સરી અને નર્સરી કહે છે. ત્રણ-સાડાત્રણ વર્ષના બાળકને કક્કો-બારાખડી અને મૂળાક્ષરો શીખવતી આ નર્સરીઓ લાખ લાખ રૂપિયા ફી લે છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની તો વાત જ જવા દો. અને આવી માતબર ફી ચૂકવ્યા પછી શિક્ષણ કેવું મળે છે? સાવ સાદો દાખલો લઇએ. ગુજરાત રાજ્યમાં જ્યાં રાજ્ય ભાષા અને માતૃભાષા ગુજરાતી છે ત્યાં ૮૦થી ૮૫ ટકા બાળકો ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે. બહુ દૂર જવાની જરૂર નથી. મા જેવો પાયાનો શબ્દ આજે દસમાંથી આઠ બાળકો ખોટો લખે છે. બાળકોની ક્યાં વાત કરવી, કહેવાતા પ્રતિષ્ઠિત સાહિત્યકારો સુદ્ધાં મા લખીને ઉપર અનુસ્વાર સાથે અર્ધ ચંદ્ર મૂકે છે. હવે જ્યાં માતૃભાષાનું ગૌરવ ન જળવાતું હોય ત્યાં અન્ય વિષયોના ભણતરની શી વાત કરવી, ભલા ? દરેક સમજદાર નાગરિકે આ મુદ્દે વિચાર કરવાનો છે.
આ બે વ્યવસાયોની પવિત્રતા ક્યારેય પાછી ફરશે ખરી એ યક્ષપ્રશ્ન છે. મહાભારતની કથામાં તો યુધિષ્ઠિરે યક્ષને સો ટકા સાચો જવાબ આપીને સંતુષ્ટ કર્યા હતા. આજે એવો યુધિષ્ઠિર શોધવો ક્યાં? થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો, વીરા!